Asian Games 2018: ગુજરાતની અંકિતા રૈનાએ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના મહિલાઓના સિંગ્લ્સની સેમીફાઈનલ હારી ગઈ. તેને ચીનની શુહાઈ ઝેંગે 6-4, 7-6 (8-6)થી હરાવી. ટેનિસમાં સેમીફાઈનલ હારનારી ખેલાડીને બ્રોન્ઝ મેડલ મળે છે
Trending Photos
જકાર્તા: ગુજરાતના અમદાવાદમાં જન્મેલી અને ભારતની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના મહિલાઓના સિંગ્લ્સની સેમીફાઈનલ હારી ગઈ. તેને ચીનની શુહાઈ ઝેંગે 6-4, 7-6 (8-6)થી હરાવી. ટેનિસમાં સેમીફાઈનલ હારનારી ખેલાડીને બ્રોન્ઝ મેડલ મળે છે. આમ અંકિતાએ દેશને વધુ એક મેડલ અપાવ્યો. ગુરુવારનો ભારતનો આ પહેલો મેડલ પણ છે. આ સાથે ભારતના મેડલની સંખ્યાં 16 પર પહોંચી ગઈ છે. જેમાં ચાર ગોલ્ડ, 3 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
અંકિતા રૈનાએ પહેલા સેટની દમદાર શરૂઆત કરી પરંતુ પહેલી 3 ગેમ બાદ તેણે લય ગુમાવી દીધી અને શુહાઈ ઝેંગે આ સેટ 6-4થી જીતી લીધો. બીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી અને મુકાબલો ટાઈબ્રેકર સુધી પહોંચી ગયો. ટાઈબ્રેકરમાં એક સમયે શુહાઈ ઝેંગ 6-3થી આગળ હતી પરંતુ અંકિતાએ સતત 3 મેચ પોઈન્ટ બચાવીને સ્કોર 6-6 કરી લીધો. જો કે ત્યારબાદ તે કોઈ અંક મેળવી શકી નહીં. શુહાઈ ઝેંગે સતત બે અંક જીતીને મેચ પોતાના નામે કરી લીધી.
બોપન્ના-દિવિઝ ફાઈનલમાં
ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિઝ શરણ ગોલ્ડ મેડલની નજીક પહોંચ્યા છે. તેમણે પુરુષ ડબલ્સ ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય જોડીએ સેમીફાઈનલમાં જાપાનના કાઈતો યૂસેગી અને શાઓ શિમાબુકુરોને 4-6, 6-3, 10-8થી હરાવ્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે