Team India New Coach: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ ગુજરાતીને મળશે મોટી જવાબદારી, બીસીસીઆઈ બનાવી શકે છે બેટિંગ કોચ
Team India New Batting Coach: બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં જલ્દી એક મોટો ફેરફાર કરી શકે છે. ગૌતમ ગંભીરની ટીમમાં સિતાંશુ કોટકને સામેલ કરવામાં આવી શકે છે.
Trending Photos
Team India New Batting Coach: ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની ટેસ્ટમાં હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીરની સાથે કોચિંગ સ્ટાફ સવાલોના ઘેરામાં છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સિતાંશુ કોટકને બેટિંગ કોચની જવાબદારી સોંપી શકે છે. સિતાંશુનો રેકોર્ડ અત્યાર સુધી શાનદાર રહ્યો છે. તે વર્તમાનમાં ઈન્ડિયા એ ટીમના હેડ કોચ છે. તેને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ જવાબદારી મળી શકે છે.
'ટાઇમ્સ ઓફ ઈન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે બીસીસીઆઈ કોચિંગ સ્ટાફમાં ફેરફાર પર વિચાર કરી રહ્યું છે. બીસીસીઆઈ સિતાંશુ કોટકને સીનિયર ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ બનાવી શકે છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે. ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન ભારતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા અને ગંભીર આલોચનાનો શિકાર બની રહ્યાં છે. બીસીસીઆઈએ તાજેતરમાં રેવ્યુ મીટિંગ કરી હતી, જેમાં ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ હતી.
સિતાંશુ કોટકનું અત્યાર સુધીનું કોચિંગ કરિયર
સિતાંશુ કોટકનું ક્રિકેટ કરિયર સારૂ રહ્યું છે. તે નિવૃત્તિ બાદ ફુલ ટાઇમ કોચ બન્યો હતો. સિતાંશુ સૌરાષ્ટ્રનો કોચ રહી ચૂક્યો છે. ત્યારબાદ તે નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચ્યા હતા. અહીં તેમણે બેટિંગ કોચની ભૂમિકા નિભાવી હતી. બીસીસીઆઈએ સિતાંશુની મહેનતને જોતા તેને ઈન્ડિયા એની જવાબદારી સોંપી હતી. તે છેલ્લા ચાર વર્ષથી ઈન્ડિયા એ સાથે છે. સિતાંશુના હેડ કોચ બન્યા બાદ ટીમે બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. તે આઈપીએલમાં ગુજરાત લાયન્સના આસિસ્ટન્ટ કોચ પણ રહી ચૂક્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મળી શકે છે જવાબદારી
રિપોર્ટ્સ પ્રમાણે બીસીસીઆઈ સિતાંશુ કોટકના નામ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા બેટિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારતના વર્તમાન કોચિંગ સ્ટાફને જોઈએ તો ગંભીર હેડ કોચ છે. તો રેયાન ડોશેટ અને અભિષેક નાયર આસિસ્ટન્ટ કોચ છે. જ્યારે મોર્ને મોર્કલ બોલિંગ કોચ છે.
કોણ છે સિતાંશુ કોટક?
સિતાંશુ કોટકનો જન્મ 19 ઓક્ટોબર 1972ના રાજકોટમાં થયો હતો. સિતાંશુ કોટક ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. સિતાંશુ કોટકના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 8061 રન નોંધાયેલા છે. જ્યારે લિસ્ટ એ ક્રિકેટમાં તેમના નામે 3083 રન છે. સિતાંશુ કોટકે 1992/93માં સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે