મહિલા વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
ICC WOMEN'S WORLD CUP INDIA SQUAD: ICC મહિલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે 15 સભ્યો સાથેની ટીમની ઘોષણા કરી છે.
Trending Photos
નવી દિલ્લીઃ ICC મહિલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે 15 સભ્યો સાથેની ટીમની ઘોષણા કરી છે. મિતાલી રાજની કેપ્ટનશીપ હેઠળ ઝૂલન ગોસ્વામી, હરમનપ્રીત જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીનો આ છેલ્લો વર્લ્ડકપ રહેશે. ત્યારે ભારતને વિશ્વકપમાં જીત અપાવી પોતાના સફરનો અંત કરવા માટે બંને ખેલાડીઓ એડીચોટીનું જોર લગાવતા જોવા મળશે.
વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયા મિતાલી રાજની કેપ્ટનશીપ હેઠળ 5 વન-ડે મેચની સિરીઝમાં ન્યૂઝીલેન્ડ સામે મેદાન પર ઉતરશે. ટીમ ઈન્ડિયા 6 માર્ચે પાકિસ્તાન સામે તોરંગામાં વર્લ્ડકપની પહેલી મેચ રમશે.
ભારતીય ટીમની વાત કરીએ તો મિતાલી રાજ(કેપ્ટન), હરમનપ્રીત કૌર(વાઈસ કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, રૂચા ઘોષ(વિકેટકીપર), સ્નેહ રાણા, ઝૂલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા(વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ આરક્ષિત ખેલાડીઓ: એસ મેઘના, એકતા બિષ્ટ, સિમરન દિલ બહાદુર.
ન્યૂઝીલેન્ડમાં યોજાઈ રહ્યો છે વર્લ્ડકપ-
મહિલા વર્લ્ડ કપ 2022માં ફુલ 8 ટીમો સામેલ છે. આ વર્લ્ડકપમાં ફાઈનલ સહિત 31 મેચો રમવામાં આવશે. ટુર્નામેન્ટ પણ 31 દિવસ ચાલશે. વર્લ્ડકપની મેચો ઓકલેન્ડ, ક્રાઈસ્ટચર્ચ, ડુનેડિન, હેમિલ્ટન, તોરંગા અને વેલિંગ્ટનમાં યોજાશે. ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમવામાં આવશે. સૌથી પહેલા દરેક ટીમ સામસામે એક-એક મેચ રમશે. ફાઈનલ મેચ ક્રાઈસ્ટચર્ચમાં યોજવામાં આવશે.
ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાને સીધી એન્ટ્રી મળી છે. ચારેય દેશને ICC વુમન્સ ચેમ્પિયનશીપ 2017-20 અંતર્ગત મળી. ન્યૂઝીલેન્ડ યજમાન હોવાથી તેને એન્ટ્રી મળી. અન્ય ત્રણ ટીમો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટઈન્ડિઝે વર્લ્ડકપમાં ક્વોલિફાયર મારફતે પોતાની જગ્યા બનાવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે