Concussion Sub Rule: ટીમ ઈન્ડિયાએ ચિટિંગ કરી? ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર જબ્બર ભડક્યા, જાણો શેના પર થયો વિવાદ
પુણેમાં જે ઈંગ્લેન્ડ સામેની સિરીઝની ચોથી ટી20 મેચમાં એવું તે શું થયું કે ઈંગ્લેન્ડના કેપ્ટને રોષ ઠાલવ્યો. શું ટીમ ઈન્ડિયાએ ખરેખર ચીટિંગ કરી કે શું? જાણો શું કહ્યું જોસ બટલરે....
Trending Photos
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી ચોથી ટી20 મેચ દરમિયાન એક મોટો વિવાદ થયો. મેચ વખતે ભારતની ઈનિંગની છેલ્લી ઓવરમાં શિવમ દુબેના હેલમેટ પર બોલ લાગ્યા બાદ ફાસ્ટ બોલર હર્ષિત રાણાને તેની જગ્યાએ કનક્શન (માથામાં બોલ લાગવાથી બેહોશી જેવી સ્થિતિ) સબ્સ્ટીટ્યૂટ તરીકે સામેલ કરાયો. શિવમ દુબે (53 રન)ને ભારતીય ઈનિંગની અંતિમ ઓવરમાં જેમી ઓવરટનની બોલિંગમાં પાંચમા બોલે હેલમેટ પર બોલ વાગ્યો હતો. મેચ તે વખતે એક નિર્ણાયક મોડ પર આવી ગઈ હતી જ્યારે ઓલરાઉન્ડર શિવમ દુબેની જગ્યાએ હર્ષિત રાણા જેવા સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલરને ઈંગ્લેન્ડની ઈનિંગમાં 12મી ઓવર બાદ બોલિંગ માટે બોલાવવામાં આવ્યો.
બેઈમાનીનો આરોપ
હર્ષિત રાણાએ આ મેચનું પાસું જ પલટી નાખ્યું હતું. 4 ઓવર નાખીને 33 રન આપી 3 વિકેટ લીધી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત પર હૈયાવરાળ કાઢી કે એક પાર્ટ ટાઈમ બોલિંગ કરનારા ઓલરાઉન્ડર શિવમ દુબેની જગ્યાએ એક સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર હર્ષિત રાણાને કનક્શન સબ્સ્ટીટ્યૂટ તરીકે મેચમાં કેવી રીતે ઉતારવામાં આવ્યો. આ ઘટનાના કારણે ઈંગ્લેન્ડ ચોથી ટી20 મેચ 15 રનથી તો હાર્યું જ પરંતુ સાથે સાથે સિરીઝ પણ ગુમાવી દીધી. મેચ બાદ સોશિયલ મીડિયા અને ઈંગ્લેન્ડની ટીમના ફેન્સ તરફથી ટીમ ઈન્ડિયા પર 'બેઈમાની'નો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં ભડક્યો બટલર
ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભડકી જતા કહ્યું કે આ એક જેવું કનક્શન સબ્સ્ટીટ્યૂટ તો નહતું. અમે તેનાથી સહમત નથી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટીમ ઈન્ડિયા પર કટાક્ષ કરતા કહ્યું કે આ તો શિવમ દુબેએ પોતાની બોલિંગમાં લગભગ 25 માઈલ પ્રતિ કલાકની ઝડપ વધારી છે કે પછી હર્ષિત રાણાએ વાસ્તવમાં પોતાની બેટિંગમાં ઉત્કૃષ્ટ સુધારો કર્યો છે. આ ખેલનો હિસ્સો છે અને અમારે વાસ્તવમાં મેચ જીતવી જોઈતી હતી. પરંતુ અમે આ નિર્ણયથી અસહમત છીએ.
શું છે કનક્શનનો નિયમ
આઈસીસીના નિયમ મુજબ ક્લોઝ 1.2.7.3 માં કહેવાયું છે કે ICC મેચ રેફરીએ જો સબ્સ્ટીટ્યૂટવાળો ખેલાડી એક જેવો હોય તો કનક્શન રિપ્લેસમેન્ટની ભલામણને મંજૂરી આપવી જોઈએ. જેના સામેલ થવાથી મેચના ભાકીના ભાગમાં તેની/ તેની ટીમને વધુ લાભ નહીં થાય. એટલે કે એક બેટર જ બેટરને, બોલર જ બોલરને અને એક બેટિંગ ઓલરાઉન્ડર જ બેટિંગ ઓલરાઉન્ડરને રિપ્લેસ કરી શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયાના આ પગલાંથી નવી ચર્ચા છેડાઈ છે. જ્યારે ઓલરાઉન્ડર શિવમ દુબેની જગ્યાએ હર્ષિત રાણા જેવા સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલરને ઈંગ્લેન્ડની ઈનિંગની 12મી ઓવરમાં બોલિંગ માટે બોલાવવામાં આવ્યો. સ્પષ્ટ છે કે શિવમ દુબે બોલિંગમાં હર્ષિત રાણા જેટલો હોશિયાર નથી અને ન તો હર્ષિત રાણા બેટિંગમાં શિવમ દુબેની જેમ મહારથ ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે