IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 7 રને હરાવી ભારતે 2-1થી સિરીઝ કરી કબજે
IND vs ENG: ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા પુણેમાં રમાયેલી અંતિમ અને નિર્ણાયક વનડે મેચમાં ઈંગ્લેન્ડને 7 રને પરાજય આપી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આ સાથે ભારતીય ટીમ ટેસ્ટ, ટી20 બાદ વનડે સિરીઝ જીતવામાં સફળ રહી છે.
Trending Photos
પુણેઃ ભારતીય ટીમે અહીં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝના નિર્ણાયક મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 7 રને પરાજય આપી શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. આ રીતે ભારતીય ટીમ ટેસ્ટ, ટી20 બાદ વનડે સિરીઝ પણ પોતાના નામે કરવામાં સફળ રહી છે. સતત બે વનડે સિરીઝ (ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ) હાર્યા બાદ ભારતે આ સિરીઝ જીતી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 329 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 322 રન બનાવી શકી હતી.
એક સમયે ઈંગ્લેન્ડે 200 રન પર સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે ભારત આસાનીથી મેચ જીતી જશે પરંતુ સેમ કરને દમદાર બેટિંગ કરી હતી. આઠમાં ક્રમે બેટિંગ કરવા આવેલા કરને 83 બોલમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અમનમ 95 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ અને ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી.
મહત્વનું છે કે પ્રથમ વનડે ભારતે 66 રને જીતી હતી. તો ઈંગ્લેન્ડે બીજી વનડેમાં પલટવાર કરતા ભારતને 6 વિકેટે પરાજય આપ્યો હતો.
ભુવી ત્રાટક્યો, ઈંગ્લેન્ડના ઓપનર સસ્તામાં આઉટ
ભારલે આપેલા 330 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને સારી શરૂઆતની આશા હતી. પ્રથમ બે વનડેમાં પણ બેયરસ્ટો અને જેસન રોયે ટીમને દમદાર શરૂઆત અપાવી હતી. પરંતુ આ નિર્ણાયક મેચમાં અનુભવી ભુવનેશ્વર કુમારે બન્ને બેટ્સમેનોને સસ્તામાં આઉટ કરી પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ભુવીએ પ્રથમ ઓવરમાં જેસન રોય (14)ને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ત્રીજી ઓવરમાં જોની બેયરસ્ટો (1)ને LBW આઉટ કરી ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો.
મલાનના વનડે કરિયરની પ્રથમ અડધી સદી, સ્ટોક્સ-બટલર ફેલ
ઈંગ્લેન્ડની ટીમે ત્રીજી ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેન સ્ટોક્સ અને ડેવિડ મલાને ઈનિંગ સંભાળી હતી. ઈંગ્લેન્ડે પારવપ્લેમાં 2 વિકેટે 66 રન બનાવ્યા હતા. ભારતને 11મી ઓવરમાં ટી નટરાજને ત્રીજી સફળતા અપાવી હતી. બેન સ્ટોક્સ (35) કેચ આઉટ થયો હતો. સ્ટોક્સે 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. જોસ બટલર પણ (15) રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડે 100 રનની અંદર ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ ડેવિડ મલાન અને લિયામ લિવિંગસ્ટોને મળીને ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. ડેવિડ મલાને પોતાના વનડે કરિયરની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. મલાન 50 બોલમાં 6 ચોગ્ગા સાથે 50 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. લિવિંગસ્ટોન (36)ને પણ શાર્દુલે આઉટ કરી ઈંગ્લેન્ડની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું.
ભુવનેશ્વર કુમારે પોતાના બીજા સ્પેલની પ્રથમ ઓવરમાં મોઇન અલી (29)ને હાર્દિક પંડ્યાના હાથે કેચઆઉટ કરાવી ભારતને સાતમી સફળતા અપાવી હતી. મોઇન અલીએ 25 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
સેમ કરન અને આદિલ રાશિદ વચ્ચે 50થી વધુની ભાગીદારી
ઈંગ્લેન્ડે 200 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ સેમ કરને શાનદાર બેટિંગ કરી હતી. તેનો સાથ આદિલ રાશિદે આપ્યો હતો. બન્નેએ આઠમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ શાર્દુલ ઠાકુરે આદિલ રાશિદ (19)ને આઉટ કરી આ ભાગીદારી તોડી હતી. સેમ કરને પોતાના વનડે કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા 45 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.
રોહિત-શિખરે અપાવી શાનદાર શરૂઆત
ઈંગ્લેન્ડે ટોસ જીતી નિર્ણાયક મેચમાં ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવને ઈનિંગની શરૂઆત કરી હતી. શિખર ધવન શરૂઆતથી આક્રમક જોવા મળ્યો હતો. બન્નેએ પ્રથમ પાવરપ્લેમાં વિના વિકેટે 65 રન બનાવ્યા હતા. 15મી ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 100ને પાર પહોંચી ગયો હતો. ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો રોહિત શર્મા (37)ના રૂપમાં લાગ્યો હતો. રોહિત 37 બોલમાં 6 ચોગ્ગા ફટકારી રાશિદની ઓવરમાં બોલ્ડ થયો હતો.
ધવનની અડધી સદી
શિખર ધવને શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. શિખર 56 બોલમાં 10 ચોગ્ગા સાથે 67 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. શિખર આઉટ થયો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 117 રન હતો. વિરાટ કોહલી ફરી એકવાર સ્પિનર સામે આઉટ થયો હતો. મોઇન અલીએ કેપ્ટન વિરાટ (7)ને બોલ્ડ કરી ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર કેએલ રાહુલ (7) રન બનાવી લિવિંગસ્ટોનનો શિકાર બન્યો હતો. ટીમ ઈન્ડિયાએ 157 રન પર ચોથી વિકેટ ગુમાવી હતી.
હાર્દિક પંડ્યા અને રિષભ પંતે સંભાળી ઈનિંગ
ભારતીય ટીમની શરૂઆત આજે આક્રમક રહી હતી. ટીમે દરેક સમયે 6થી વધુની ઇકોનોમી રેટ સાથે રન બનાવ્યા હતા. રાહુલ આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા અને રિષભ પંતે ટીમનો સ્કોર 250ને પાર કરાવ્યો હતો. બન્નેએ પાંચમી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બન્ને બેટ્સમેનોએ પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. રિષભ પંત ફરી સદી ચુકી ગયો હતો. પંત 62 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 78 રન બનાવી કરનનો શિકાર બન્યો હતો.
હાર્દિક પંડ્યાએ 44 બોલમાં 5 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 64 રન બનાવ્યા હતા. હાર્દિકને સ્ટોક્સે બોલ્ડ કર્યો હતો. એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટે 276 રન હતો. અંતમાં શાર્દુલ ઠાકુરે 21 બોલમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 30 રન ફટકારી ટીમ ઈન્ડિયાનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો હતો. કૃણાલ પંડ્યા 34 બોલમાં 25 રન બનાવી માર્ક વુડનો શિકાર બન્યો હતો. ભુવનેશ્વર કુમાર (3)ને ટોપ્લેએ આઉટ કર્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણાને માર્ક વુડે બોલ્ડ કર્યો હતો.
ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 7 ઓવરમાં 34 રન આપી સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદને 2 સફળતા મળી હતી. આ સિવાય સેમ કરન, ટોપ્લે, બેન સ્ટોક્સ, મોઇન અલી અને લિવિંગસ્ટોનને એક-એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે