AUS vs IND: પર્થમાં ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ભારતે રચી દીધો ઈતિહાસ, 295 રને મેળવી જીત

Perth Test: ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ અનેક સવાલો અને આશંકાઓ વચ્ચે ભારતીય ટીમે પર્થના મેદાનમાં તિરંગો લહેરાવી દીધો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવી દીધું છે. 

AUS vs IND: પર્થમાં ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ભારતે રચી દીધો ઈતિહાસ, 295 રને મેળવી જીત

પર્થઃ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે 3-0થી ટેસ્ટ સિરીઝમાં હાર બાદ ભારતીય ટીમ સામે અનેક સવાલો ઉઠી રહ્યાં હતા. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે કમાલનું પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓને તેના ઘરમાં 295 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટ જીતવા માટે 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગમાં 238 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

પોતાના ઘરમાં ઓસ્ટ્રેલિયાનો ધબડકો
ભારતે આપેલા 534 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગમાં પણ ખાસ કરી શકી નહીં. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડએ સૌથી વધુ 89 રન ફટકાર્યા હતા. આ સિવાય મિચેલ માર્શે 47 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય સ્મિથ, લાબુશેન, ખ્વાજા સહિતના બેટરો ફ્લોપ રહ્યાં હતા. 

ઉસ્માન ખ્વાજા માત્ર 4 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. અન્ય ઓપનર નાથન મેકસ્વીની 0, માર્નસ લાબુશેન 3, પેટ કમિન્સ 2, રન બનાવી આઉટ થયા હતા. સ્ટીવ સ્મિથે માત્ર 17 રન બનાવ્યા હતા. આ સિવાય સ્ટાર્ક 12 અને લાયન 0 રન બનાવી આઉટ થયા હતા. એલેક્સ કેરી 36 રન બનાવી અંતિમ વિકેટના રૂપમાં આઉટ થયો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય હર્ષિત રાણાને બે, સુંદર અને નિતીશ રેડ્ડીને એક-એક સફળતા મળી હતી.

બીજી ઈનિંગમાં ભારતે ફટકાર્યા 487 રન
ભારતીય ટીમે બીજી ઈનિંગમાં કમાલની બેટિંગ કરી હતી. ભારત તરફથી યશસ્વી જાયસ્વાલે સૌથી વધુ રન બનાવ્યા હતા. યશસ્વીએ 297 બોલમાં 15 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 161 રન બનાવ્યા હતા. આ સિવાય વિરાટ કોહલીએ પણ અણનમ સદી ફટકારી હતી. કોહલી 100 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે કેએલ રાહુલે 77 રનનું યોગદાન આપ્યું હતું. પડિક્કલ 25 રન બનાવી આઉટ થયો હતો. નિતીશ રેડ્ડીએ 27 બોલમાં અણનમ 38 રન ફટકાર્યા હતા. ભારતે પોતાની બીજી ઈનિંગમાં 6 વિકેટે 487 રન પર ડિકલેર કરી હતી.

બુમરાહની 5 વિકેટ, ઓસ્ટ્રેલિયા 104 રનમાં ઓલઆઉટ
ભારતના 150 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 104 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગના આધારે ભારતને 46 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એલેક્સ કેરીએ 21 અને સ્ટારેક 26 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહે કમાલની બોલિંગ કરતા 30 રન આપી પાંચ વિકેટ લીધી હતી. આ સિવાય હર્ષિત રાણાને ત્રણ અને સિરાજને બે વિકેટ મળી હતી. 

ભારતની પ્રથમ ઈનિંગ
પર્થ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી નિતીશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 41 રન ફટકાર્યા હતા. આ સિવાય રિષભ પંત 37, કેએલ રાહુલે 26 રનનું યોગદાન આપ્યું હતું. પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી, યશસ્વી, જુરેલ, પડિક્કલ સહિતના બેટરો મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઈનિંગમાં જોશ હેઝલવુડે 29 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય સ્ટાર્ક, કમિન્સ અને માર્શને બે-બે વિકેટ મળી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news