INDvsAUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે નાગપુરમાં, જાણો ક્યાં-ક્યારે જોશો મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મંગળવારે નાગપુરમાં બીજી વનડે રમાશે. ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે.
Trending Photos
નાગપુરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે મંગળવારે પાંચ મેચોની વનડે સિરીઝની બીજી મેચ રમાશે. આ મેચ નાગપુરના જામથા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સિરીઝને જોતા ખૂબ મહત્વની છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ પોતાના નામે કરી હતી. જો બીજી વનડેમાં જીત મેળવે તો સિરીઝમાં 2-0ની લીડ મેળવી લેશે. જો આમ થાય તો ઓસ્ટ્રેલિયા માટે સિરીઝમાં વાપસી કરવી મુશ્કેલ થઈ જશે. તેવામાં ઓસ્ટ્રેલિયા ગમે તે ભોગે આ મેચ જીતીને સિરીઝ બરોબર કરવા માટે પ્રયત્ન કરશે.
ભારત આગામી વિશ્વકપ પહેલા અંતિમ વનડે સિરીઝ રમી રહ્યું છે. વિશ્વકપ 30 મેથી શરૂ થવાનો છે. ભારતીય ટીમ વિશ્વકપ પહેલા પોતાની કોમ્બિનેશન ફાઇનલ કરવા માટે સિરીઝમાં થોડા પ્રયોગ કરી રહી છે. તેવામાં સંભવ છે કે, બીજી વનડેમાં વિનિંગ કોમ્બિનેશન સાથે ન ઉતરે. તેની જગ્યાએ તે ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલ કે યુજવેન્દ્ર ચહલને તક આપી શકે છે.
ક્યારે અને ક્યાં જોશો મેચ
1. આ મેચ નાગપુરના વીસીએ સ્ટેડિયમ, જામથામાં રમાશે.
2.આ મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે.
3. મેચનું સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પર થશે.
4. આ મેચ ઓનલાઇન એપ હોટસ્ટાર પર પણ જોઈ શકાશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ મેચ હારી ચુકી છે. તેવામાં તેનું ધ્યાન પ્રયોગની સાથે-સાથે સિરીઝમાં વાપસી કરવા પર પણ હશે. તેથી મહેમાન ટીમ પોતાની સર્વશ્રેષ્ઠ અંતિમ ઇલેવનની સાથે ઉતરવા ઈચ્છશે. આમ પણ વિશ્વકપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયાની પાસે ભારત કરતા વધુ તક છે. તેણે ભારતના પ્રવાસ બાદ પાકિસ્તાન સાથે પણ પાંચ મેચોની વનડે સિરીઝ રમવાની છે.
ભારતીય ટીમમાં સામેલ સિદ્ધાર્થ કૌલ માટે આ વિશ્વકપ પહેલા છેલ્લી તક હોઈ શકે છે. તેને સિરીઝના શરૂઆતી બે મેચો માટે વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને પ્રથમ મેચમાં બહાર રખાયો હતો. તેવામાં જો તેને બીજી વનડેમાં સામેલ કરવામાં આવે તો તે વિશ્વકપ પહેલા તેનો છેલ્લો મેચ હોઈ શકે છે. ત્યારબાદ તેના સ્થાને ટીમમાં ભુવનેશ્વર કુમાર સામેલ થશે.
આમાંથી પસંદ કરવામાં આવશે ટીમઃ
ભારતઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, અંબાતી રાયડૂ, વિજય શંકર, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ. કુલદીપ યાદવ, સિદ્ધાર્થ કૌલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, પીટર હૈંડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાય રિચર્ડસન, કેન રિચર્ડસન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર, એડમ ઝમ્પા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે