NCAP ક્રેશ ટેસ્ટમાં મારૂતીની વિટારા બ્રેઝાને મળ્યા 4 સ્ટાર, રેનોલ્ટને શૂન્ય
ગુરૂવારે ભારતની સૌથી સલામત કાર અંગેના પરિણામ જાહેર કરાયા હતા, દિલ્હી ખાતે પ્રારંભ થયેલી ગ્લોબલ NCAP વર્લ્ડ કોંગ્રેસમાં તેની જાહેરાત કરાઈ હતી
Trending Photos
નવી દિલ્હીઃ મારૂતિ સુઝુકી કંપનીની વિટારા બ્રેઝા કારને વ્હિકલ સેફ્ટી ગ્રુપ ગ્લોબલ NCAP દ્વારા કરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર મળ્યા છે, જ્યારે તેના પ્રતિસ્પર્ધી મોડલ અને વિશ્વની જાણીતી કાર કંપની રેનોલ્ટની એસયુવી લોજી ક્રેશ ટેસ્ટમાં ફેઈલ ગઈ છે.
યુનાઈટેડ કિંગડમની કંપની ગ્લોબલ NCAP કે જે કાર સેફ્ટીમાં અતિઉચ્ચ ધોરણે તપાસ કરતી કંપની છે તેણે પોતાના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું કે, મારુતિ સુઝુકની વિટારા બ્રેઝા કે જે સ્ટાન્ડર્ટ ડબલ એરબોક્સ અને ISOFIX એન્કોરેગ્સ સાથે બજારમાં ઉપલબ્ધ છે તેને પુખ્ત વયની વ્યક્તિની સુરક્ષાના ધોરણોમાં 4 સ્ટાર મળ્યા છે, જ્યારે બાળકોની સુરક્ષાના ધોરણમાં 2 સ્ટાર મળ્યા છે.
દિલ્હી ખાતે પ્રારંભ થયેલી ગ્લોબલ NCAP વર્લ્ડ કોંગ્રેસમાં ગુરૂવારે ક્રેશ ટેસ્ટમાં ભારતની સૌથી સુરક્ષિત કારનાં પરિણામોની જાહેરાત કરાઈ હતી.
રેનોલ્ટ લોજી જે તેના સ્ટાન્ડર્ડ વર્ઝનમાં એરબેગ વગર ઉપલબ્ધ છે, તેને પુખ્ત વયની વ્યક્તિની સુરક્ષાની બાબતે શૂન્ય સ્ટાર મળ્યા હતા, જ્યારે બાળકોની સુરક્ષાના ધોરણમાં 2 સ્ટાર મળ્યા હતા. કંપનીએ જણાવ્યું કે, શૂન્ય સ્ટાર એટલા માટે અપાયો છે, કેમ કે તેમાં એરબેગની સુવિધા જ નથી, જેના કારણે અકસ્માતના સંજોગોમાં માથા અને છાતીની ગંભીર ઈજા પહોંચવાની સંભાવના રહે છે.
NCAPએ વધુમાં જણાવ્યું કે, "ભારતમાં બનેલી વિટારા બ્રેઝા અને ટાટા નેક્સોન જેવી કાર અંગે અગાઉ ઓગસ્ટ મહિનામાં પ્રકાશિત રિપોર્ટમાં પણ સ્પષ્ટ જણાવાયું હતું કે ભારતીય ઓટોમોબાઈલ કંપનીઓ હવે સુરક્ષાના ફિચર્સ પર પણ વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં વધુ સલામતીનાં ધોરણો સાથેની કાર ભારતીય કાર બજારમાં જોવા મળશે."
ગ્લોબલ NCAPના સેક્રેટરી ડેવિડ વોર્ડે જણાવ્યું કે, "મારુતિ સુઝુકીની વિટારા બ્રેઝાને મળેલા 4 સ્ટાર ખરેખર ખુબ જ સારી બાબત છે. આ બાબત જણાવે છે કે, ભારતની જાણીતી વાહન નિર્માતા કંપની સુરક્ષાનાં ધોરણોને મહત્ત્વ આપતી થઈ છે. સાથે જ ભારત સરકારે પણ જે ક્રેશ ટેસ્ટનાં ધોરણો વધુ ઉચ્ચ કર્યા છે તે લોકો માટે ફાયદાકારક છે. હવે, ટૂંક સમયમાં જ ભારતમાં સુરક્ષાના ધોરણોમાં ફાઈવ સ્ટાર ધરાવતી કાર પણ જોવા મળશે. જોકે, રેનોલ્ટની લોજીને જે શૂન્ય સ્ટાર મળ્યો છે તે અત્યંત નિરાશાજનક બાબત છે. રેનોલ્ટે હવે તેની ભારતીય રેન્જમાં એરબેગ્સની સુવિધા વધારવી પડશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે