અમેરિકાથી પાછા મોકલાઈ રહ્યા છે ભારતીયો, પણ તેનાથી ભારતને થવાનો છે એક મોટો ફાયદો, જાણો કેવી રીતે
વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી બાદ હવે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા વિદેશીઓને તેમના વતન મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે હેઠળ એક ફ્લાઈટ આવા ભારતીયોને લઈને ભારત માટે રવાના થઈ છે. હવે તમને એમ થાય કે આમાં ભારતને શું ફાયદો થઈ શકે તો ખાસ જાણો.
Trending Photos
અમેરિકાથી ભારત પાછા ફરી રહેલા ગેરકાયદેસર પ્રવાસીઓની પહેલી ફ્લાઈટ ચર્ચામાં છે. પરંતુ તેની વાપસીથી એક મોટો ફાયદો પણ થવાનો છે. પંજાબ પોલીસે લગભગ 100 કુખ્યાત અપરાધીઓની આખી હિસ્ટ્રી તૈયાર કરી છે જેમાંથી 20 જેટલા અમેરિકામાં છૂપાયેલા હોવાની આશંકા છે. હવે એ સંભાવના વધી ગઈ છે કે અમેરિકાથી અપરાધીઓના પ્રત્યાર્પણની પ્રક્રિયા તેજ થઈ શકે છે.
ધ ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમેરિકામાં પંજાબના અનેક કુખ્યાત અપરાધીઓ છૂપાયેલા છે. જેમાં સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો આરોપી અનમોલ બિશ્નોઈ (ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ), પોલીસ પ્રતિષ્ઠાનો પર ગ્રેનેડ હુમલામાં સામેલ હેપ્પી પાસિયા, ડ્રગ તસ્કર સરવન ભોલા, અને ગોપી નવાંશહરિયા જેવા સામેલ છે. પોલીસના જણાવ્યાં મુજબ શિખ્સ ફોર જસ્ટિસ (એસએફજે)નો પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નુ પણ પંજાબમાં હિંસા ફેલાવવા અને ગેરકાયદેસર પ્રવાસને પ્રોત્સાહન આપવામાં સામેલ છે. આવામાં તેમના તૈયાર કરાયેલા સાથીઓ પણ આ વાપસીમાં સામેલ હોઈ શકે છે. આથી કરીને અમેરિકા દ્વારા ગેરકાયદેસર વસતા વિદેશીઓને પાછા મોકલવાની શરૂઆત આ દિશામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.
અમેરિકી નીતિથી મળી શકે ફાયદો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસતા વિદેશીઓ અને અપરાધીઓ પર કડકાઈની નીતિએ પંજાબ પોલીસ માટે પ્રત્યાર્પણની પ્રક્રિયાને સરળ બનાવવાની તક આપી છે. પોલીસના કાઉન્ટર-ઈન્ટેલિજન્સ યુનિટ, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ પહેલેથી જ આ અપરાધીઓની ફાઈલ તૈયાર કરી રહી હતી. હવે આ જામકારી અમેરિકી એજન્સીઓને સોંપવાની પ્રક્રિયા તેજ કરાઈ છે.
શું કહે છે પંજાબ પોલીસ?
એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ અમે ગેરકાયદેસર પ્રવાસીઓની વાપસી અંગે વધુ ચિંતિત નથી પરંતુ તે ટ્રાવેલ એજન્ટ્સની તપાસ કરીશું જેમણે આ લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલ્યા. પ્રત્યાર્પણ અને ડિપોર્ટેશનની પ્રક્રિયા માટે રેડ કોર્નર નોટિસ જેવી ઔપચારિકતાઓ જરૂરી છે, જેના પર ઝડપથી કામ થઈ રહ્યું છે.
કોણ છે આ લોકો જે પાછા ફરી રહ્યા છે
અત્યાર સુધી પંજાબ પોલીસને એ વાતની કોઈ જાણકારી મળી નથી કે અમેરિકાથી પાછા મોકલાયેલા ગેરકાયદેસર પ્રવાસીઓમાં કોણ કોણ સામેલ છે. તેના પર જાણકારી માટે પોલીસ વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય તપાસ એજન્સીના સંપર્કમાં છે.
પંજાબમાં અપરાધ અને ગેંગસ્ટર નેટવર્કને નબળું કરવા માટે આ એક મહત્વની તક છે. જો અમેરિકાએ પંજાબના અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી તો રાજ્યમાં સંગઠિત અપરાધ પર લગામ કસવામાં મદદ મળશે. આ ફક્ત ગેરકાયદેસર પ્રવાસીઓની વાપસી નહીં પરંતુ પંજાબમાં અપરાધીઓની ધરપકડની એક મોટી તક સાબિત થઈ શકે છે.
પહેલી ફ્લાઈટ રવાના
અત્રે જણાવવાનું કે અમેરિકાથી ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને આવનારી પહેલી ફ્લાઈટ ભારત માટે રવાના થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકી સેનાનું C-17 વિમાન ભારતીય નાગરિકોને લઈને આવી રહ્યું છે. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની વાપસી બાદ ઉડાવામાં આવેલી અનેક નિર્વાસન ફ્લાઈટમાં ભારત માટેની પ્રથમ ફ્લાઈટ છે. તે પહેલા અમેરિકાએ ગ્વાટમાલા, હોન્ડુરાસ અને પેરુ માટે આવી ફ્લાઈટ મોકલી. એનડીટીવીએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે આ ડિપોર્ટેશન ફ્લાઈટમાં 205 ભારતીય નાગરિકો છે. ફ્લાઈટે અમેરિકાના ટેક્સાસથી ટેક ઓફ કર્યું છે અને 24 કલાકમાં ભારત પહોંચે તેવી સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે