સમગ્ર વિશ્વ આતંકવાદ સામે એકજૂથ બનીને કરે કાર્યવાહીઃ પીએમ મોદી
દક્ષિણ કોરિયામાં શાંતિનો પુરસ્કાર મેળવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, કટ્ટરવાદ અને આતંકવાદને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટા ખતરા જણાવ્યા હતા
Trending Photos
સિયોલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે, વૈશ્વિક સમુદાય આતંકવાદી નેટવર્કો અને તેમને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવતા માધ્યમોને સંપૂર્ણપણે સફાયો કરવા માટે 'એકજૂથ બનીને કાર્યવાહી' કરે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે, 40 વર્ષ કરતાં વધુ સમયથી સીમા પારના આતંકવાદને ભોગવતું આવ્યું છે. શાંતિની ભારતની દરેક પહેલને આ ખતરાએ પાટા પરથી ઉતારી દીધી છે.
બે દિવસની દક્ષિણ કોરિયાની યાત્રા પર પહોંચેલા પીએમ મોદીએ કટ્ટરવાદ અને આતંકવાદને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટેના સૌથી મોટા ખતરા જણાવ્યા હતા. પીએમ મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હુમલા બાદ દક્ષિણ કોરિયાએ ભારતને આપેલા સમર્થનનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત પણ સીમા પારના આતંકવાદથી પીડિત
પ્રતિષ્ઠિત સિયોલ શાંતિ પુરસ્કાર મેળવ્યા બાદ અહીં એક સમારોહમાં પીએમ મોદીએ જણાવ્યું કે, દક્ષિણ કોરિયાની જેમ જ ભારત પણ સીમા પારના આતંકવાદથી પીડિત છે. પીએમ મોદીએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, "શાંતિપૂર્ણ વિકાસના અમારા તમામ પ્રયાસોમાં આતંકવાદ હંમેશાં વિઘ્ન નાખતું આવ્યું છે. પાકિસ્તાન પર અનેક આતંકવાદી જૂથોને આશરો આપવાનો આરોપ છે."
પીએમ મોદીએ જણાવ્યું કે, "હવે સમય આવી ગયો છે કે, માનવતામાં વિશ્વાસ ધરાવતા તમામ દેશ આતંકવાદી નેટવર્કો, તેમને આર્થિક મદદ પૂરી પાડતા માધ્યમોનો સંપૂર્ણપણે સફાયો કરે. સાથે જ આતંકવાદી વિચારધારા અને દુષ્પ્રચારનો સામનો કરવા માટે ભેગા થાય. આપણે આમ કરીને જ નફરતને સોહાર્દ, વિનાશને વિકાસ અને હિંસા તથા બદલાની ભાવનાને શાંતિમાં પરિવર્તિત કરી શકીશું."
પીએમ મોદીએ પુલવામા હુમલા અંગે શોક પ્રગટ કરવા અને સમર્થન આપવા માટે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂનનો આભાર માન્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે