જગત જમાદાર અમેરિકા પણ આ વસ્તુ માટે ગુજરાત પાસે હાથ લંબાવે છે, ઉત્પાદનમાં ગુજરાત બન્યું નંબર 1
Gujarat Isabgol Production : ભારતમાં ઈસબગુલના કુલ ઉત્પાદનનું આશરે ૯૦ ટકા જેટલું પ્રોસેસિંગ ગુજરાતમાં થાય છે; ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષોમાં ઇસબગુલનું ઉત્પાદન બમણું થયું... ઈસબગુલનું ઉત્પાદન વધતા ગુજરાતમાં ઇસબગુલ પાક સાથે સંકળાયેલા કૃષિ ઉદ્યોગો સ્થપાવવાની સંભાવનાઓ વધશે
Trending Photos
Gujarat Government : સર્વાંગી વિકાસની નેમને ચરિતાર્થ કરતું ગુજરાત રાજ્ય આજે કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિષયક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિકાસ થતા રાજ્યમાં કૃષિ ઉદ્યોગની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સ્થપાતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” અમલમાં મૂકવામાં આવી હતી. આ નીતિ હેઠળ અત્યાર સુધીમાં ૪૮૦થી વધુ કૃષિ ઉદ્યોગ એકમોને રૂ. ૩૨૮ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે પણ કૃષિ ઉદ્યોગકારોની લાગણીને વાચા આપીને આ યોજના માટે બજેટમાં રૂ.૨૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી આવી વિવિધ પહેલો ઉપરાંત બાગાયત અને ઔષધીય પાકો માટેની પ્રોત્સાહક નીતિઓના પરિણામે આજે ગુજરાતમાં બાગાયતી અને ઔષધીય પાકોના વાવેતર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. આટલું જ નહિ, ગુજરાતમાં કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગ અને તેમની નિકાસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
દેશમાં ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પાક ઈસબગુલ અને વૈશ્વિક સ્તરે પણ ઇસબગુલનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે. જેમાં ગુજરાતનું યોગદાન સૌથી મહત્વપૂર્ણ છે. દેશમાં રાજસ્થાન તથા ગુજરાતમાં ઇસબગુલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, પરંતુ દેશના કુલ ઉત્પાદનનું આશરે ૯૦ ટકા પ્રોસેસિંગ ગુજરાતમાં કરવામાં આવે છે.
ભારતમાં ઉત્પાદિત થતા કુલ ઇસબગુલનો ૯૩ ટકા નિકાસ વિશ્વભરમાં કરવામાં આવે છે અને સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે. વૈશ્વિક સ્તરે ઇસબગુલ ભારે માંગમાં છે, ત્યારે ગુજરાતમાં ઈસબગુલના ઉત્પાદનમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ઇસબગુલનું ઉત્પાદન બમણું થયું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રાજ્યમાં ઇસબગુલનો કુલ વાવેતર વિસ્તાર ૬૭૫૪ હેક્ટર અને કુલ ઉત્પાદન ૬૮૧૭ મેટ્રિક ટન હતું. જેની સામે વર્ષ ૨૦૨૨-૨૩માં ઇસબગુલનો કુલ વાવેતર વિસ્તાર ૧૩,૩૦૦ હેક્ટર અને કુલ ઉત્પાદન ૧૨,૯૫૨ મેટ્રિક ટન થયું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પણ ઈસબગુલના ઉત્પાદનમાં વધારો કરવા માટે વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ વિકસાવેલી ઇસબગુલની સુધારેલી જાતોથી તેના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાત ઈસબગુલ-૧, ગુજરાત ઈસબગુલ–૨, ગુજરાત ઈસબગુલ–૩ અને ગુજરાત ઈસબગુલ–૪ જાતોનું ઉત્પાદન ૧૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર સુધી જોવા મળ્યું છે. ગુજરાતમાં ઇસબગુલના કુલ ઉત્પાદનનું ૯૯ ટકા ઉત્પાદન કચ્છ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે.
ઈસબગુલનું ઉત્પાદન વધતા ગુજરાતમાં ઇસબગુલ પાક સાથે સંકળાયેલા વિવિધ કૃષિ ઉદ્યોગો સ્થપાશે તેવો કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં અન્ય ઉદ્યોગો સાથે કૃષિ ઉદ્યોગોનો પણ વિકાસ થશે, તો સાચા અર્થમાં રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે