અમદાવાદ હાઈવે પર ધાડ પાડતી ટોળકી ઝબ્બે, ટ્રકચાલકને બંધક બનાવી ચલાવી હતી લૂંટ
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ સહિત લૂંટ ધાડના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યોછે. આ કેસમા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ રૂપિયા 18 લાખથી પણ વધુનો મુદ્દમાલ કબજે કરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય એલસીબી પોલીસે લૂંટમાં ગયેલ ટ્રક અને પાન મસાલાના 45 બોક્સ પણ કબજે કરી લીધા છે.
ધોળકા રોડ પર આવેલા બદરખા ગામ પાસેના હાઇવે પર ફિલ્મી ઢબે એક લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં 6 જેટલા આરોપીઓએ ફિલ્મી સ્ટાઈલથી એક ટ્રકનો પીછો કર્યો હતો. લૂંટારું ટોળકીએ ટ્રકને ઓવરટેક કરી ટ્રકના ડ્રાઈવરનું અપહરણ કરી વલસાડના ડુંગરી ખાતે બંધક બનાવી દીધો હતો અને ટ્રકમાં રહેલા મુદ્દામાલ સહિત કુલ ટોટલ 34,62,945 રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ અંગે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બીએ ચાર આરોપીઓની ધરપકડ કરીને લૂંટમાં ગયેલી ટ્રક સહિત કુલ 18,72,630 રૂપિયાનો મુદ્દમાલ રિકવર કર્યો છે.
સમગ્ર લૂંટ વિથ ધાડના ગુનામા સંડોવાયેલ મુખ્ય આરોપી નદીમમિયાં અમદાવાદના વટવા વિસ્તારનો રહેવાસી છે. તે વિમલ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી પણ કરે છે. નદીમમિયાએ મિત્ર સલમાન શેખ નામના આરોપીની સાથે રહીને કાવતરું રચ્યું હતું અને સમગ્ર રુટ અને મુદ્દામાલ અંગેની માહિતી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બાદમાં આ બંને આરોપીઓએ મૂળ ઉત્તરપ્રદેશના સમસાદહુસેન રહેમની, જે હાલ મુંબઇમાં રહે છે તેની સાથે મળીને ધાડ પાડવાનો ફિલ્મી પ્લોટ તૈયાર કર્યો હતો.
આ પણ વાંચો : ગમે તેવા રાજકીય વાવાઝોડામાં પણ રબારી સમાજ ભાજપની પડખે રહ્યો છે : પ્રદીપસિંહ જાડેજા
ચારેય આરોપીઓની ધરપકડ વિશાલા ચાર રસ્તા પાસેથી ગ્રામ્ય એલ.સી.બી પોલીસે કરી છે. આ ચારેય આરોપીઓએ પાન મસાલા ભરેલી ટ્રકને રોકીને તેના ડ્રાઈવરનું અપહરણ કરીને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને અન્ય કોઈ ગુનામાં સંડાવયેલા છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરી છે. સાથે જ આ કેસમાં ફરાર અન્ય 6 જેટલા આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે