હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ ગયેલી અમદાવાદ પોલીસ ગુંડાગીરી પર ઉતરી, 6 નિર્દોષોને આપ્યો કરંટ
Trending Photos
અમિત રાજપૂત/અમદાવાદ :અમદાવાદનાં રિવરફ્રન્ટ ખાતે કરાયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા ગુંડાગીરી પર ઉતરી આવી છે. રિવરફ્રન્ટ ઈવેન્ટ પાર્કમાં ગાર્ડનીંગનું કામ કરતા 6 જેટલા નિર્દોષ માળીઓને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા ક્રુર અને ઢોર માર મારવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ઇવેન્ટ પાર્કમાં કામ કરતા નિર્દોષ માળીઓને પોલીસે પટ્ટા, પાઈપ અને લાકડીથી ઢોર માર્યો હતો. એટલું જ નહિ, શરીરનાં ગુપ્ત ભાગે વીજળીના કરંટ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસનાં દમનને લઈને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા છે.
બન્યું એમ હતું કે, રિવરફ્રન્ટમાં ઈવેન્ટ ગાર્ડન પાસે આનંદ મેળાની દિવાલ પાસેથી બુધવારે સવારે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે તપાસમાં મધ્ય પ્રદેશના જાબુઆથી કામ કરવા આવેલા 12 મજૂરોની તપાસ કરી હતી. પોલીસે તેમાંથી કેટલાક મજૂરો ધારુ માવી, અનિલ ડામોર, શંભુ માવી, રાકેશ ડામોર, નયન ભૂરીયા, દીતા નીનામાને તપાસ માટે બોલાવીને ઢોર માર માર્યો હતો. આ તમામ મજૂરોને પોલીસે માત્ર માર જ ન માર્યો, પણ સાથે જ તેમને ગુપ્ત ભાગમાં કરંટ પણ આપ્યો હતો. પોલીસનો માર એટલો અસહ્ય હતો કે, તમામ મજૂરોને સારવાર માટે વી.એસ હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા.
કરંટ આપવાને કારણે તમામ છ મજૂરોના થાપાના ભાગે કાળા ચકામા પડી ગયા હતા. નયન હુરિયા નામના મજૂરને જમણા પગ પર ફ્રેક્ચર થઈ ગયું હતું. તો બીજી તરફ, પોલીસે આ તમામને હત્યાનો ગુનો કબૂલી લેવા દબાણ બનાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે