સાબરમતી શુદ્ધિકરણની માત્ર મસમોટી વાતો! નદીના પ્રદૂષણ મામલે ફરી એકવાર મહત્વપૂર્ણ ખુલાસા
સાબરમતી નદીના પ્રદૂષણ મામલે ફરી એકવાર મહત્વના ખુલાસા થયા, જેમાં કોર્ટ મિત્રએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ચોકાવનારી વિગતો સામે આવી છે.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણ મામલે ફરી એકવાર મહત્વના ખુલાસા થયા છે. અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં હજુ પણ સોસાયટીઓ અને ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું હોવાનો ખુલાસો થયો છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટ મિત્રએ જણાવ્યું છે કે STP પ્લાન્ટ ચલાવતી DNB ઈન્ફ્રા અને રિવરફ્રન્ટ પર કામ કરતી રણજિત બિલ્ડકોને નદીની ઘોર ખોદી છે.
સાબરમતી નદીના પ્રદૂષણ મામલે ફરી એકવાર મહત્વના ખુલાસા થયા, જેમાં કોર્ટ મિત્રએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ચોકાવનારી વિગતો સામે આવી છે. તેમાં કોર્ટને જણાવાયું છે કે, હજુ પણ ખાનગી સોસાયટીઓનું ગંદુ પાણી નદીમાં ઠલવાતું હોવાની વાત કરી છે. MEGA દ્વારા 7થી વધુ ગેરકાયદે કનેક્શનની માહિતી GPCB અને AMCને આપવામાં આવી છે. AMC અને GPCBની સંયુક્ત કામગીરીમાં 500 ગેરકાયદે કનેક્શન મળ્યા હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
STP પ્લાન્ટમાંથી ટ્રીટ કરાયેલા પાણી મુદ્દે પણ મહત્વનો ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, 14 STP પ્લાન્ટમાંથી ટ્રીટ કરાયેલ પાણીના 50% નમૂના ફેલ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા STP પ્લાન્ટમાં ઓચિંતી મુલાકાત દરમિયાન આ હકીકતો સામે આવી છે. વિંઝોલમાં ₹.103 કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલા STP પ્લાન્ટમાં અનેક ગેરરીતિઓ સામે આવી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. જરૂરી સ્ટાન્ડર્ડ મુજબ કામ ન થયું હોવાથી AMCએ કોન્ટ્રાકટરને 5.71 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. દૂષિત પાણીના ઈન ફ્લો અને આઉટ ફલો પેરામીટર ન જાળવવા બદલ ઓપરેટરને 1.25 કરોડનો દંડ ફટકારાયો છે. જરૂરી માણસો રાખી યોગ્ય દેખરેખ ન રાખવા બદલ ઓપરેટરને પણ 44.86 લાખનો દંડ ફટકારાયો છે.
તમામ STP પ્લાન્ટને હાજર કર્મીઓની હાજરીનું રજીસ્ટર સહિત તમામ જરૂરી ડેટાની વિગતો તૈયાર કરવા સૂચના આપી હતી. સૂચના આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે પીરાણા પ્લાન્ટની ઓચિંતી મુલાકાત કરી હતી. 180 MLD પ્લાન્ટની મુલાકાત દરમિયાન મોટા ભાગના કર્મચારી ગેરહાજર નીકળ્યા હતા. પ્રોજેક્ટ મેનેજર, ઓપરેટર અને ટેકનીશિયન સહિતના કર્મચારીઓ ગેરહાજર હતા. આ પ્રકારની ઘટના બાદ DNB ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા હતા.
GPCB એ પણ અમદાવાદના 9 પ્લાન્ટને શો કોઝ્ નોટિસ ફટકારી છે. સાબરમતી નદીમાં સ્ટ્રોમ વોટર લાઈન મામલે પણ ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં રહેણાંક અને ઔદ્યોગિક એકમો દ્વારા સતત પાણી ઠલવાતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર કામ કરતી એજન્સી રણજીત બિલ્ડકોન દ્વારા નદી પાસે ગેરકાયદે સેસ પુલ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
સેસ પુલનાં કારણે જમીન નીચેના કુદરતી જળને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલમેન્ટ ઓથોરિટી અને રણજીત બીલ્ડકોન સામે પગલાં લેવા અરજીમાં માંગ કરાઈ છે. કોર્ટ મિત્રએ પૂરતા લોકેશન અને ફોટોગ્રફ્સ પણ ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ પર મુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે