30 ઉમેદવારો ઊભા રાખવાનું કહેનારા ઓવૈસીની હાલત કફોડી, એક ઉમેદવાર AIMIM છોડી કોંગ્રેસમાં જોડાયા

Gujarat Elections 2022 : બાપુનગરના AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે કોંગ્રેસના હિંમતસિંહને ટેકો આપવા ફોર્મ પાછું ખેંચ્યું
 

30 ઉમેદવારો ઊભા રાખવાનું કહેનારા ઓવૈસીની હાલત કફોડી, એક ઉમેદવાર AIMIM છોડી કોંગ્રેસમાં જોડાયા

Gujarat Elections 2022 મૌલિક ધામેચા/ અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ જ્યારથી શરૂ થયા છે, ત્યારથી લઈને અત્યાર સુધી અનેક અપસેટ સર્જાયા છે. હવે જ્યારે તમામ રાજકીય પક્ષોના ઉમેદવાર ફાઈનલ થઈ ગયા છે, ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની રાજનીતિ શરૂ થઈ છે. આ વખતે અસુદ્દીન ઔવેસીની પાર્ટી પણ મેદાન-એ-જંગમાં છે. ત્યારે 30 ઉમેદવારો ઊભા રાખવાનું કહેનારા અસુદ્દીન ઓવૈસીની હાલત ગુજરાતની ચૂંટણી પહેલા કફોડી બની છે. અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીને મોટો ઝટકો લાગ્યો છે. બાપુનગરના AIMIMના ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા છે. યુવા પ્રમુખ શાહનવાઝ ખાન પઠાણે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પહેલાં AIMIMમાંથી ઉમેદવારી નોંધાવી બાદ શાહનવાઝે ફોર્મ પરત ખેંચ્યું. આમ, ઉમેદવારો જાહેર કર્યા બાદ AIMIMને બીજો મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં AIMIMની હાલત કપરી બને તેવી શક્યતા છે. 

અસદુદ્દીન ઓવૈસીની AIMIMને વિધાનસભાની ચૂંટણીમાં પૂરતાં 30 ઉમેદવારો પણ નથી મળ્યા. જી હાં, ઓવૈસીએ ગુજરાતની ચૂંટણીમાં 30 ઉમદેવારો ઉતારવાની જાહેરાત કરી હતી પરંતુ ચૂંટણી પૂર્વે જ અમદાવાદની બાપુનગરની બેઠકના ઉમેદવાર પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.. બીજી તરફ અમદાવાદમાં ઉમેદવારોને ફોર્મ ભરતી વખતે પણ ટેકેદારોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.

AIMIM માંથી કોંગ્રેસમાં જોડાયેલ બાપુનગરના આગેવાન શાહનવાઝ પઠાણે કહ્યું કે, મેં ફોર્મ ભર્યું બાદમાં મને ભાજપે સંપર્ક કર્યો હતો. ભાજપ મુસ્લિમ વોટ વહેંચવા માંગે છે. અમે મુસ્લિમ મતદારોની સમસ્યાઓનું સમાધાન કરવા આવ્યા હતા. મારી કોંગ્રેસ સાથે કોઈ વાત થઈ ન હતી. મને અમારા ધર્મગુરુએ કહ્યું કે જે પાર્ટી ભાજપની સામે લડી શકે એમ હોય તેને તક આપવી જોઈએ.

આ વિશે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, બે-ત્રણ દિવસથી ઘણી જગ્યાએ આપ અને AIMIM ના લોકો અમારા ઉમેદવારોના પ્રવાસ દરમિયાન ‘ભારત જોડો નફરત છોડો’ ના હેતુ સાથે જોડાઇ રહ્યાં છે. બાપુનગર વિસ્તારમાં AIMIM ના કાર્યકરો અને તેનું પ્રમુખ માથું કોંગ્રેસમાં જોડાયા છે. હવે જ્યારે તમામ ઉમેદવાર જાહેર થઈ ગયા છે અને પ્રવાસ ચાલુ થઈ ગયા છે. ત્યારે અમને મિટિંગ માટે જગ્યા નથી મળી રહી. ભાજપની B ટીમને લોકો ઓળખી ગયા છે. ગુજરાતની એકતા માટે કોની જરૂર છે તે લોકો ઓળખી ગયા છે. અગાઉ શંકરસિંહ અને કેશુભાઈ ત્રીજી પાર્ટી લાવ્યા હતા પણ ગુજરાતમાં ત્રીજો પક્ષ હજી ફાવ્યો નથી. 

તો મેઘા પાટકર અને વીર સાવરકર મામલે જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારા નેતાઓના નિવેદનોને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે. ભારત જોડોની સાથે રાહુલ ગાંધી નીકળ્યા છે. પ્રાંતવાદની રાજનીતિ અમે નથી કરતા. 

ચૂંટણી માટે શું છે AIMIMનો માસ્ટરપ્લાન?
ગુજરાત ચૂંટણી માટે AIMIMનો માસ્ટરપ્લાન શું છે? હાલ આ એક સવાલ દરેક મતદાતાના મનમાં ચાલી રહ્યો છે. વાસ્તવમાં ગુજરાતની ચૂંટણીને આડે હવે બે સપ્તાહનો સમય બાકી છે. અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત તનતોડ મહેનત કરી રહી છે. માસ્ટરપ્લાન મુજબ AIMIM 15 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી રહી છે, પાર્ટીએ ચૂંટણી માટે 20 લોકોની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે, જે દિવસ-રાત પ્રચારમાં વ્યસ્ત છે. AIMIM એ અમદાવાદમાં પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી હિન્દુ ઉમેદવાર કૌશિકા પરમારને મેદાનમાં ઉતાર્યા છે. ઓવૈસીએ ચૂંટણીમાં દલિત ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. આ બધાની વચ્ચે AIMIMનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

અસદુદ્દીન ઓવૈસીની 17 રેલીઓ
પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ગુજરાતમાં 17 રેલીઓ કરશે. તેના સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના 7 ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news