આંગડિયા પેઢીઓ બની કાળા નાણાનો અડ્ડો, ક્રિકેટ સટ્ટાની આડમાં દુબઈ સુધી જોડાયા તાર
દેશમાં રમાઈ રહેલી મેચો પર લાખો કરોડોનો સટ્ટો રમાતો હોય છે. જેવી મેચ શરૂ થાય કે બુકીઓ એક્ટિવ થઈ જાય છે. ત્યારે આવા જ ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલા લોકોના આંગડિયા પેઢીમાં ફેંક એકાઉન્ટ મળ્યાં હતા. જેમાં RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હતી.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ CID ક્રાઇમને એક કેસમાંથી કડી મળી, લોકસભા ચૂંટણીનું મતદાન હોવાથી અધિકારીઓ શાંત બેઠા હતા. જેવું મતદાન પુરુ થયુ કે તરંત CID ક્રાઇમની ટીમે રાજ્યની જુદી જુદી આંગડિયા પેઢીઓમાં દરોડા પાડ્યા. CID ક્રાઇમની દરોડાની આ કાર્યવાહીમાં અનેક મોટા ખુલાસા થયા છે. ત્યારે કઈ આંગડિયા પેઢીમાંથી મળ્યાં છે બેનામી હિસાબો અને શું છે આખા કૌભાંડનું દુબઈ કનેક્શન, જોઈએ આ રિપોર્ટમાં...
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પુરુ થવાની સાથે જ CID ક્રાઈમ બ્રાંચ એક્ટિવ થઈ. એક બે નહિં પરંતુ રાજ્યની જુદી જુદી 20 જેટલી આંગડિયા પેઢીમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યાં. એકસાથે આટલી પેઢીમાં દરોડા પડતાં આંગડિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. એટલું જ નહીં CID ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી ડરી ગયેલી અનેક આંગડિયા પેઢીઓએ તો કામકાજ જ બંધ કરી દીધું...
અંદાજે 5 દિવસથી ચાલી રહેલા દરોડામાં અમદાવાદ અને સુરત સહિતની રાજ્યની આંગડિયા પેઢીઓમાંથી કરોડોના બેનામી વ્યવહારો પકડાયા છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં પકડાયેલા મુદ્દામાલની વાત કરીએ તો 18.19 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.... તો આ સાથે જ દરોડાની કાર્યવાહીમાં 1 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 75 લાખનું વિદેશી ચલણ પણ CID ક્રાઈમના અધિકારીઓના હાથે લાગ્યુ છે.
આટલી બધી આંગડિયા પેઢીઓ પર એક સાથે સાથે દરોડા પડવાના કારણની વાત કરીએ તો થોડા દિવસ પહેલાં CID ક્રાઈમમાં ક્રિકેટ સટ્ટાકાંડની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે સટ્ટાકાંડમાં આંગડિયા પેઢીઓની સંડોવણી છે. ક્રિકેટ સટ્ટાના બેનામી પૈસા આંગડિયા પેઢીથી જતા હતા. તપાસ આગળ વધી તો ક્રિકેટ સટ્ટાકાંડનું દુબઈ કનેક્શન સામે આવ્યું હતુ. જેમાં દુબઈના બુકીઓ આંગડિયા પેઢીથી વ્યવહાર કરતા હતા.
CID ક્રાઈમ બ્રાંચની તપાસમાં આંગડિયા પેઢીઓમાંથી નાણાની હેરાફેરીના વ્યવહારો દર્શાવતી કેટલીક કાચી ચિઠ્ઠીઓ પણ મળી છે. રાજ્યની આંગડિયા પેઢીઓનું ક્રિકેટના બુકીઓ સાથે કનેક્શન સામે આવતા CID ક્રાઈમની સાથે IT પણ તપાસમાં જોડાયુ હતુ. સીઆઈડી ક્રાઈમ અને ઈન્કમટેક્સ વિભાગે પેઢીઓમાંથી લેપટોપ, કમ્પ્યુટર અને 66 મોબાઈલ જપ્ત કર્યા છે. એટલું જ નહીં આંગડિયા પેઢીના માલિકોને બોલાવીને નિવેદનો પણ લેવાયા છે.
રાજ્યની આંગડિયા પેઢી પર પહેલા CID ક્રાઈમે દરોડા પાડ્યા, પછી આગળની તપાસમાં IT પણ લાગ્યુ અને હવે આ આખા કૌભાંડમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી પણ જોડાયું છે. ત્યારે હવે આગળની તપાસમાં હવાલા કૌભાંડનો આંક હજુ પણ વધવાની પુરી શક્યતાઓ દેખાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે