રજીસ્ટ્રારની હાજરીમાં યોજાઇ ચૂંટણી, આશાબેન ઠાકોર બન્યા દૂધ સાગર ડેરીના નવા ચેરમેન

ચેરમેન આશાબેન ઠાકોર અને વાઇસ ચેરમેન મોઘજીભાઇ વિવાદીત વિપુલ ચૌધરી ગૃપની પેનલ

રજીસ્ટ્રારની હાજરીમાં યોજાઇ ચૂંટણી, આશાબેન ઠાકોર બન્યા દૂધ સાગર ડેરીના નવા ચેરમેન

મહેસાણા: દૂધ સાગર ડેરીમાં યોજાયેલી ચેરમેન પદની ચૂંટણીમાં આશાબેન ઠાકોરનો વિજય થયો છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે મોઘજીભાઇની નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના સમર્થનવાળી પેનલનો જ વિજય થયો છે. દૂધ સાગર ડેરીમાં યોજાયેલી ચૂંટણીમાં મતદાન બેલેટ પેપરથી થયું હતું. 3 સરકારી અધિકારી, 1 જિલ્લા રજીસ્ટ્રાર,1 જી.સી.એમ.એફના પ્રતિનિધિ, 03 ભાજપ પ્રેરિત જૂથ અને 12 જેટલા ચૌધરી જૂથના પ્રતિનિધીઓએ  મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં વિવાદોમાં પહેલીથી હોવાથી હાઇકોર્ટના એડિ. રજીસ્ટ્રારની હાજરીમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે, કે દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું નામ અનેક કૌભાંડોમાં બહાર આવ્યું છે. 

કોણ છે વિપુલ ચૌધરી?
વર્ષ 1995માં જ્યારે ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો ત્યારે વિપુલ ચૌધરી પણ તેમની સાથે હતા. બળવા બાદ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં તેઓ ગૃહમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ સહકારી ક્ષેત્રને સાચવી રાખવા માટે ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતા બન્ને પદ પણ ગુમાવવા પડ્યા હતા. 

ખોટી રીતે ચેરમેન બનવાનો લાગ્યો હતો આક્ષેપ 
વિપુલ ચૌધરીને એક મોટો ફટકો પડયો છે. દૂધ સાગર ડેરીના ચેરમેન પદ બાદ હવે વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના ટ્રસ્ટ દૂરડામાં પણ સત્તા છોડવી પડશે. વિપુલ ચૌધરી ખોટી રીતે ચેરમેન બની બેઠા હોવાના આક્ષેપ થયા હતા. સાગર ડેરીના ડિરેકટર અશોક ભાઈ ચૌધરી અને રમેશભાઈ ચૌધરીએ ચેરીટીમાં આ મામલે ફરિયાદ કરી હતી. અરજી મામલે વિપુલ ચૌધરીના વિરોધમાં ચુકાદો આવ્યો છે. એટલે કે વિપુલ ચૌધરીની કારમી હાર થઇ છે. જેથી દૂધ સાગર ડેરી બાદ હવે દુરડાનું ચેરમેન પદ છોડવું પડશે.

અનેક કૌભાંડમાં ફસાયેલ વિવાદિત નામ વિપુલ ચૌધરી 
મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકેના કાર્યકાળ દરમ્યાન વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ, ખાંડ કૌભાંડ, ખોટી ભરતીઓ, દૂધ સંઘમાં અંગત ખર્ચાઓ અને ખોટા દાન સહિતના મુદ્દે રજીસ્ટ્રારે જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં ડિસેમ્બર-2015ની તપાસ કાર્યવાહીના અંતે માર્ચ-2016માં સંઘની ચુંટણી દરમ્યાન સહકારી કાયદાની કલમ 76-બી મુજબ કાર્યવાહી કરી હતી. જેના આધારે રજીસ્ટ્રારે વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીના ચેરમેન પદેથી દૂર કરી આગામી ૩ વર્ષ સુધી કોઈપણ સહકારી સંસ્થામાં ચુંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news