રાજ્ય સરકારના શાળાઓ મર્જર કરવાના નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસે ચડાવી બાંયો
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 30થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓનું વીલીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવતાં મોટો વિવાદ સર્જાયો છે. સરકારના આ નિર્ણયના કારણે રાજ્યની 6 હજારથી વધારે સરકારી પ્રાથમિક શાળાઓને તાળાં લાગી જશે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાત કાંગ્રેસે શાળાઓ મર્જર કરવાના સરકારના નિર્ણય સામે બાંયો ચઢાવી છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં શાળાઓ મર્જ ન કરવાનો ઠરાવ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગે ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી 6 હજારથી વધારે શાળાઓ બંધ થવાની સંભાવના છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 30થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓનું વીલીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવતાં મોટો વિવાદ સર્જાયો છે. સરકારના આ નિર્ણયના કારણે રાજ્યની 6 હજારથી વધારે સરકારી પ્રાથમિક શાળાઓને તાળાં લાગી જશે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપની સરકાર ખાનગી શાળાઓને ફાયદો કરાવવા માટે સરકારી શાળાઓનું વીલીનીકરણ કરી રહી છે. સરકારના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતો દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના વીલીનીકરણના વિરોધમાં ઠરાવો કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ જો સરકાર જોહુકમી કરી શાળાઓનું વીલીનીકરણ કરશે તો કોંગ્રેસે ગામડાંથી લઈ ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આ અંગે જણાવ્યું કે, "2011માં શાળાઓના વીલીનીકરણ માટે સરકારે નિયમો બનાવ્યા હતા. જેમાં અલગ અલગ કેટેગરી મુજબ શાળાઓનું વીલીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 2011ના પ્લાનિંગ મુજબ 13 હજારથી વધારે શાળાઓનું વીલીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ થતાં વીલીનીકરણ અટકી પડ્યું હતું."
મનિષ દોશીએ વધુમાં જણાવ્યું કે, "હવે સરકારે ફરીથી નવી જોગવાઈઓ મુજબ વીલીનીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર કહ્યું છે કે, નાના ગામડાઓમાં જ્યાં બાળકોની સંખ્યા 15-20 હોય અને શિક્ષકોની સંખ્યા વધારે હોવાથી સરકારને ખર્ચ વધારે થાય છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળામાં શિક્ષકો રાખી પ્રજાના પૈસાનો વ્યય થાય છે. આથી સરકાર દ્વારા એક કીલોમીટરની મર્યાદામાં આવતી શાળાઓનું વીલીનીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, આ નિર્ણય સરકારે કંઈ સમજ્યા વિચાર્યા વિના કર્યો હોય એવું લાગી રહ્યું છે."
શાળાઓના વીલીનીકરણ અંગે સરકારનું પ્લાનિંગ
- જુદી જુદી કેટેગરી મુજબ શાળાઓને મર્જ કરવાનો નિર્ણય. 2016માં પણ સરકાર દ્વારા શાળાઓને મર્જ કરવામાં આવી હતી.
- જીપીએસ લોકેશનના આધારે મર્જ કરવાનો નિર્ણય લેવાયો.
- 100 કરતા ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ બંધ કરવામાં આવશે.
- જે શાળામાં 100 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય અને તે શાળાની એક કીલોમીટરની અંદર બીજી શાળા હોય તો વિદ્યાર્થીઓને તેમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય.
- અલગ અલગ કેટેગરીમાં 5200થી વધારે શાળાઓનું વિલીનીકરણ કરવા નિર્ણય લેવાયો હતો.
- બીજી શાળા 1 કિલોમીટરથી વધારે અંતરે હોય તો ધોરણ 1થી 5 ચાલુ રાખવા અને ધોરણ 6થી 8નું વિલીનીકરણ કરવું.
- જો બીજી શાળા એક કિલોમીટરથી ઓછા અંતરે હોય તો સંપૂર્ણ શાળાનું વિલીનીકરણ કરવું.
- ગામમાં એક જ પ્રાથમિક શાળા હોય તો ધોરણ 1થી 5 સુધી ચાલુ રાખવી.
- ધોરણ 6થી 8 બંધ કરી ગામની સૌથી નજીકની પ્રાથમિક શાળા 3 કિલોમીટર કરતા ઓછા અંતરે હોય તો તે પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8નું વિલીનીકરણ કરવું.
- નજીકની પ્રાથમિક શાળા 3 કિલોમીટર કરતા વધુ અંતરે હોય તો શાળા ચાલુ રાખવી. આવી શાળાઓની યાદી અને વિદ્યાર્થીઓની સંખ્યા મગાવી વાહનવ્યવહારની વ્યવસ્થા થઈ શકે તેમ છે કે કેમ તે જાણ્યા પછી નિર્ણય કરવો.
ગુજરાતના 17 લાખ ખેડૂતોને નુકસાનીના રૂપિયા ચૂકવવા અંગે સરકારે કરી મોટી જાહેરાત
સરકારે નવો ફેરફાર શું કર્યો?
- જીપીએસ લોકેશનને બદલે સ્થળ ચકાસણી કરવામાં આવી
- તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી રીપોર્ટ મગાવ્યો.
- 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને બદલે 30થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને મર્જ કરવાનો નિર્ણય.
- અગાઉની જોગવાઈથી 13 હજાર શાળાઓનું વીલીનીકરણ કરવાનું હતું.
- સુધારેલી જોગવાઈ મુજબ 6 હજાર શાળાઓનું થશે વીલીનીકરણ.
- એક જ ગામમાં બે શાળાઓ હોય ત્યાં જ વીલીનીકરણનો નિર્ણય.
કોંગ્રેસની માગણી
મનીષ દોશીએ જણાવ્યું કે, અત્યાર સુધી આ શાળાઓ યોગ્ય રીતે ચાલતી જ હતી. કોંગ્રેસની સરકારે જ્યાં બાળક, ત્યાં શાળાના કોન્સેપ્ટ સાથે સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. ત્યારે હાલની સ્થિતિ યથાવત રાખવામાં આવે. જો શાળાઓનું મર્જર કરવામાં આવશે તો 7 હજાર જેટલા શિક્ષકો પણ ફાજલ થશે. ગામડાઓમાં શાળા દૂર હશે તો કન્યા કેળવણીને અસર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે