ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ખેલમહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર લોન્ચ; આજથી રજિસ્ટ્રેશન શરૂ, 45 કરોડના ઇનામો અપાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટ નો પ્રારંભ કરાવ્યો. રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ. મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ 2.0 ની રજીસ્ટ્રેશન પોર્ટલનું કર્યું લોન્ચિંગ
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ 2.0 ની રજીસ્ટ્રેશન લિંક તથા ટોલ ફ્રી નંબરને ખુલ્લો મૂક્યો હતો. ખેલમહાકુંભ 2.0માં ભાગ લેવા ઇચ્છુક યુવાનો https://khelmahakumbh.Gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ વિગતો મેળવી શકશે. આ ઉપરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જે 'ખેલે તે ખીલે' ના ઉમદા વિચાર સાથે આરંભાયેલ ખેલમહાકુંભનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર રમતવીરો માટે તમામ પ્રકારની મદદ કરવા સંકલ્પબદ્ધ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ખેલકૂદ ક્ષેત્રે રાજ્યનું નામ નહોતું પરંતુ ખેલમહાકુંભના સફળ આયોજનોથી હવે રાજ્યના યુવાનો દેશ-વિદેશમાં ઝળક્યા છે. ગુજરાત આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી ખાતે આશરે 30,000 જેટલા લોકો મેચ નિહાળી શકે તેવા સ્ટેડિયમનું ખાતમુર્હુત કર્યું છે. રાજ્ય સરકારે 36મી નેશનલ ગેમ્સનું આયોજન 3 મહિનાના ખૂબ જ ટૂંકા સમયગાળામાં કર્યું તે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે.
આ પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રમતવીરોના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા યુવાનો ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે તે માટે ખેલમહાકુંભ વિવિધ રમતો માં વિજેતા થનાર ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઇનામો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં આપવામાં આવશે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર યુવાનોને વધુમાં વધુ કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વખતે ખેલમહાકુંભમાં બદલાવ લાવવામાં આવ્યો છે. 2010માં જ્યારે ખેલમહાકુંભની શરૂઆત થઈ ત્યારે 16 લાખ યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું હતું જ્યારે ગયા વર્ષે 55 લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું એ ગૌરવની વાત છે.
આ વખતે ખેલમહાકુંભમાં કરવામાં આવેલા બદલાવ વિશેની વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ખેલમહાકુંભ 2.0માં 35 રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી 4 રમતો મળી કુલ 39 જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અંડર 9 વયજૂથનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે યુવાનોના હિતમાં નિર્ણય કર્યો કે, ખેલમહાકુંભ 2.0માં કોઈપણ ખેલાડી 2 રમતમાં ભાગ લઈ શકશે. આ વખતે ખેલમહાકુંભ 2.0માં દરેક રમતમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવતી રોકડ પુરસ્કારની રકમ પારદર્શકતા સાથે જે - તે વિજેતા ખેલાડીઓના બેંક ખાતામાં RTGSથી તબદીલ કરવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય અને દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચે કોઈ તફાવત નહીં રાખવા રાજ્ય સરકારે વ્યવસ્થાઓ કરી છે. રાજ્યકક્ષાની રમતમાં વિજેતા થયેલા ઉમેદવારોને નેશનલ - ઈન્ટરનેશનલ કક્ષાએ જવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. એશિયન ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી રૂ.5 લાખની રકમ ઈનામ રૂપે આપવામાં આવશે.
રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ખેલમહાકુંભ એ ગ્રાસરૂટ લેવલે યુવાનોનું ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કરી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું માધ્યમ છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2010માં પ્રારંભ કરાવેલ ખેલમહાકુંભ આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સફર ખૂબ જ પ્રેરણાદાયક રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રમતગમત વિભાગનો પ્રયાસ છે કે રાજ્યના દરેક રમતવીરોને યોગ્ય તક પૂરી પાડવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે