રાજ્યમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં ઘટાડો, રિકવરી રેટમાં મોટો વધારોઃ નીતિન પટેલ
રાજ્યમાં કોરોનાને લઈને શરૂઆતમાં જે ગંભીર સ્થિતિ હતી તેમાંથી થોડી રાહત મળી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, એક સમય એવો હતો, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મૃત્યુદરની નોંધ લેવામાં આવતી હતી. માર્ચ અને એપ્રિલ મહિનામાં સાડા છ ટકા મૃત્યુદર હતો જે આજે 1.5 ટકા પર આવી ગયો છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા 44 હજારની નજીક પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 2071 લોકોના મૃત્યુ પણ થયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારો સાથે વાત કરતા નીતિન પટેલે કહ્યુ કે, રાજ્ય સરકાર પ્રજાને સંક્રમણથી બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. જે લોકો સંક્રમિત થાય તેને સારી સારવાર મળે તે દિશામાં કામગીરી કરી રહી છે.
નીતિન પટેલે કહ્યુ કે, માર્ચ મહિનામાં રાજ્યમાં પ્રથમ કેસ મળ્યો હતો તે સમયધથી શરૂ કરીને આજે 17મું સપ્તાહ ચાલી રહ્યું છે. આ દરમિયાન લૉકડાઉન અને અનલોક પણ આવી ગયું છે. તો ગરમી બાદ ચોમાસુ પણ શરૂ થઈ ચુક્યું છે. સરકાર ગરમી અને હવે વરસાદ વચ્ચે પણ કોરોના વાયરસના કેસ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દરરોજ હાઈ પાવર કમિટિની બેઠક પણ મળે છે. કોર ગ્રુપની પણ બેઠક કરવામાં આવે છે અને જરૂર પડે તો જુદા-જુદા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સ કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. કોરોનાને કેસને લઈને ત્યારે પણ ચિંતિત હતા અને આજે પણ ચિંતિત છીએ.
રાજ્યમાં કોરોનાને લઈને શરૂઆતમાં જે ગંભીર સ્થિતિ હતી તેમાંથી થોડી રાહત મળી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, એક સમય એવો હતો, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મૃત્યુદરની નોંધ લેવામાં આવતી હતી. માર્ચ અને એપ્રિલ મહિનામાં સાડા છ ટકા મૃત્યુદર હતો જે આજે 1.5 ટકા પર આવી ગયો છે. રાજ્યમાં કોરોનાને કારણે દરરોજ 50 જેટલા નાગરિકોના દુખદ અવસાન થતા હતા. રાજ્ય સરકારે દવાઓ અને વ્યવસ્થા વધારીને મૃત્યુઆંકમાં ઘટાડો કર્યો છે. આજે આ સંખ્યા 15 પર પહોંચી ગઈ છે.
રાજ્યાં મૃત્યુદર શૂન્ય થાય તે માટે સરકાર કામ કરી રહી છે. શરૂઆતના તબક્કામાં કોરોના સંક્રમણ એકદમ ઝડપી હતું અને શરૂઆતમાં 9 દિવસે ડબલિંગ રેટ હતો. આજે રાજ્યમાં 925 ધનવંતરિ રથ ચાલે છે. વ્યાપક પ્રમાણે સર્વેલન્સ ચાલી રહ્યું છે. પહેલા 9 દિવસે દર્દીઓની સંખ્યા ડબલ થતી હતી, હવે 32 દિવસે થાય છે. નીતિન પટેલે કહ્યુ કે, રાજ્યમાં શરૂઆતમાં રિકવરી રેટ 30 ટકા હતો જે આજે 70 ટકા થઈ ગયો છે. ગુજરાતમાં 30 હજાર 550 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ધનવંતરિ રથ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, બીજા રાજ્યોએ પણ તેની નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે પણ બીજા રાજ્યો આ પ્રકારે કરે તેમ કહ્યું છે. અમદાવાદમાં અત્યાર સુધી કેસોની સંખ્યા વધુ હતી, પરંતુ સારા પ્રયત્નોને કારણે તેમાં ઘટાડો થયો છે. રાજ્ય સરકારે કોરોનાને રોકવા માટે આગોતરા પગલા લીધા હતા. આ સાથે નીતિન પટેલે કહ્યુ કે, આરોગ્ય અગ્ર સચિવે પણ વિવિધ શહેરોની મુલાકાત લીધી છે. તો સિનિયર આઈએએસ અધિકારીઓને એક-એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યમાં 42051 પથારી કરવાનો નિર્યણ પર સરકારે લીધો છે. 10377 બેડ ઓક્સિજન સાથે છે. તો 3250 આઈસીયૂ બેડની વ્યવસ્થા છે. 2231 વેન્ટિલેટર પણ વિવિધ જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. 4910 ટીમ સર્વેલન્સની કામગીરી કરી રહી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે