આ બાળક કોનું છે? આણંદમાં રઝળતું મળી આવ્યું 5 વર્ષનું બાળક, માસુમના બંને પગમાં ફ્રેક્ચર
Child Abandonment : આણંદમાં ચોંકાવનારી ઘટના આવી સામે.... નિષ્ઠુર માતા પિતાએ 5 વર્ષીય બાળકને માર મારીને ત્યજી દીધું... પગના ભાગે ગંભીર ઈજા થતા લોકોએ પહોંચાડ્યો હોસ્પિટલ.. પોલીસે હાથ ધરી તપાસ..
Trending Photos
Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદમાં મોગર પાસે એક્ષપ્રેસવે પર પાંચ વર્ષનાં બાળકને ત્યજી દેવાની ઘટના બની છે. આણંદનાં મોગર નજીક એક્ષપ્રેસ હાઈવે પર પાંચ વર્ષનાં માસુમ બાળકને તેનાં માતા પિતા ત્યજીને ચાલ્યા જતા તેમજ બાળકને લાકડી વડે માર મારવાનાં કારણે બન્ને પગનાં ભાગે માઈનોર ફ્રેકચર થયેલું છે. બાળકને આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા વાસદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- આણંદમાં મોગર પાસે એક્ષપ્રેસવે પર પાંચ વર્ષનાં બાળકને ત્યજી દેવાયું
- બાળકને માતા પિતા દ્વારા માર મારી કારમાંથી હાઈવે પર ઉતારી દેવાયો
- બાળકને માર મારવાનાં કારણે બન્ને પગમાં ફ્રેકચર થયું
- ધાયલ બાળકને આણંદની જનરલ હોસ્પીટલમાં ખસેડાયો
- વાસદ પોલીસે નિષ્ઠુર માતા પિતાની શોધખોળ હાથ ધરી
- પોલીસે એક્ષપ્રેસ હાઈવે પર સીસીટીવીનાં ફુટેજની ચકાસણી હાથ ધરી
મોગર નજીક એક્ષપ્રેસ હાઈવે પર આજે બપોરનાં અઢીથી ત્રણ વાગ્યાનાં સુમારે એક પાંચ વર્ષનું બાળક ધુંટળીયે પડેલું દેખાયું હતું. હોઈ કોઈ વાહનચાલકએ બાળકને જોતા આ અંગે 108ને જાણ કરી હતી. જેથી 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકને આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડાયું હતું. જ્યાં તબીબોએ તપાસ કરતા માસુમ બાળકને બન્ને પગમાં માઈનોર ફ્રેક્ચર થયું હોવાનું જણાયું હતું.
ઘટનાની જાણ થતા વાસદ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કનૈયા, પિતાનું નામ ઉદય અને માતાનું નામ લક્ષ્મી જણાવ્યું હતું અને પોતે અમદાવાદમાં રહેતો હોવાનું તેમજ તેનાં માતા પિતાએ તેને લાકડીઓ વડે માર મારીને હાઈવે પર કારમાંથી ઉતારીને ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું. બાળક હિન્દીમાં વાતચીત કરતો હોઈ તે પરપ્રાંતિય હોવાનું અનુમાન થઈ રહ્યું છે.
હાલ હોસ્પિટલમાં તબીબે માસુમ બાળકનાં બન્ને પગે પ્લાસ્ટર મારી તેની સારવાર હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા એક્સપ્રેસ હાઈવેનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજની તપાસ હાથ ધરી બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતા પિતાની તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે