18 દિવસમાં 150 કિ.મી! માણસ અને દીપડા વચ્ચેનો સંઘર્ષ ઘટાડવા ગુજરાતમાં પ્રથમવાર આ પ્રોજેક્ટ હાથ ધરાયો!

દક્ષિણ ગુજરાતમાં માણસ અને દીપડા વચ્ચે અવારનવાર થતો સંઘર્ષ ગૌણ સમસ્યા બની રહી છે. આ સંજોગોમાં બંને વચ્ચે સંઘર્ષને કેવી રીતે ઘટાડવામાં આવે તે અંગે સંશોધન શરૂ કરાયું છે. સુરત વન વિભાગે આ સમસ્યાને સમજવા માટે દીપડાની દરેક ગતિવિધિ પર અભ્યાસ કરશે.
 

18 દિવસમાં 150 કિ.મી! માણસ અને દીપડા વચ્ચેનો સંઘર્ષ ઘટાડવા ગુજરાતમાં પ્રથમવાર આ પ્રોજેક્ટ હાથ ધરાયો!

ઝી બ્યુરો/સુરત: દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વાર દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યા છે. 18 દિવસ પહેલા આ રેડિયો કોલર દીપડાને લગાડવામાં આવ્યો હતો, જેના થકી સુરત વન વિભાગને જાણકારી મળી છે કે દીપડો જ્યાં પણ છોડવામાં આવે, તે પોતાના હોમ રેન્જમાં પાછો આવી જાય છે. જે દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે. તે 18 દિવસમાં 150 કિલોમીટર ચાલી અને ફરીથી પોતાના હોમ રેન્જમાં આવી ગયો છે. આ દરમિયાન, તેણે બે વખત નદી પાર કરી અને ઉકાઈ ડેમ નજીકથી પણ પસાર થયો છે

ગુજરાતમાં પ્રથમ વાર દીપડાને રેડિયો કોલર ફિટ કરાયું
સુરત જિલ્લામાં લગભગ 104થી પણ વધુ દીપડાઓ છે અને માણસ અને દીપડાઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો રહે છે. શહેરી વિસ્તારમાં પણ દીપડો દસ્તક આપી ચૂક્યો છે. તેથી, તેની મૂવમેન્ટ પર નજર રાખવા માટે દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર એક દીપડાના ગળામાં રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે. માંગરોળ તાલુકાના ઝંખવાવમાં આવેલા વન વિભાગના દીપડાના રેસ્ક્યુ સેન્ટરમાં આ અભ્યાસ શરૂ થયો. અહીં 8 વર્ષના દીપડાને સાસણ ગીરથી આવેલી પશુચિકિત્સકની ટીમ દ્વારા રેડિયો કોલર ફિટ કરાયું. પહેલા તેને બેહોશ કરીને, અને ત્યાર પછી આ રેડિયો કોલર લગાડવામાં આવ્યું. ત્યાર પછી તેને માંડવીથી 50 કિલોમીટર દૂર ઉમરપાડા વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. 

18 દિવસથી સતત તેની ઉપર નજર
આ પ્રયોગ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવ્યો છે. વન વિભાગ હવે રેડિયો કોલરના માધ્યમથી દીપડાની દરેક હરકત પર નજર રાખશે.સ્થાનિકો માને છે કે દીપડાને દુર છોડવામાં આવે, ત્યારે તે પરત આવતા નથી. આ દીપડાને લગાડવામાં આવેલા રેડિયો કોલરના માધ્યમથી સુરત વન વિભાગ રિસર્ચ પણ કરી રહ્યું છે. બે જાન્યુઆરીના રોજ આ દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું હતું. 18 દિવસથી સતત તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે.

રેડિયો કોલરની મદદથી સેટેલાઇટ ઈમેજ મારફતે તેની પળપળની વિગતો
જ્યાંથી આ દીપડો પકડાયો હતો. ત્યાંથી 50 કિલોમીટર દૂર તેને છોડવામાં આવ્યો હતો. રેડિયો કોલરની મદદથી સેટેલાઇટ ઈમેજ મારફતે તેની પળપળની વિગતો મોબાઈલ પર વન વિભાગના અધિકારીઓ મેળવી રહ્યા છે. આ દરમિયાન ચોંકાવનારો તથ્ય વન વિભાગને જાણવા મળ્યો છે. રિસર્ચ દરમિયાન વન વિભાગને જાણકારી મળી છે કે જ્યારથી દીપડાને રેડિયો કોલર લગાવીને છોડવામાં આવ્યો છે. ત્યારથી અત્યાર સુધી તે 150 કિલોમીટર દૂર સફર કરી ચૂક્યો છે. 

ગુજરાતમાં માણસ અને દીપડા વચ્ચે અવારનવાર થતો હતો સંઘર્ષ
એટલું જ નહીં, બે વખત તાપી નદી પણ પાર કરી છે. ઉમરપાડાથી તે તાપી જિલ્લામાં પ્રવેશ કરે છે. તાપી જિલ્લાના સોનગઢથી ઉકાઈ ડેમ નજીકથી તે પસાર થાય છે. ગામમાં મુરઘાઓનો શિકાર કરે છે. માંડવીથી તેને ઉમરપાડા છોડવામાં આવ્યો હતો. પરંતુ તે તાપી જિલ્લામાં પ્રવેશ કરીને ફરી સુરત જિલ્લામાં પ્રવેશ કરી માંડવી સુધી પહોંચી ગયો છે. ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં માણસ અને દીપડા વચ્ચે અવારનવાર થતો સંઘર્ષ ગૌણ સમસ્યા બની રહી છે. 

આ સંજોગોમાં બંને વચ્ચે સંઘર્ષને કેવી રીતે ઘટાડવામાં આવે તે અંગે સંશોધન શરૂ કરાયું છે. સુરત વન વિભાગે આ સમસ્યાને સમજવા માટે દીપડાની દરેક ગતિવિધિ પર અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે. આ અભ્યાસના ભાગરૂપે નવા વર્ષની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વાર એક દીપડાને રેડિયો કોલર ફિટ કરાયું છે.

માત્ર એક જ રેડિયો કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ રેડિયો કોલર દીપડાની દરેક ગતિવિધિ પર નજર રાખશે. સેટેલાઈટ દ્વારા દર અડધા કલાકે લાઇવ લોકેશન વન વિભાગના અધિકારીઓના મોબાઈલમાં પહોંચશે. એક વર્ષ સુધી ચાલનારા આ અભ્યાસથી દીપડાના દૈનિક અને રાત્રીના વ્યવહાર વિશે માહિતી એકત્રીત કરવામાં આવશે. તેમાં ખોરાક, પાણી પીવાનો સમય, દીપડાનું દૈનિક પ્રવાસ અને આચરણની વિગત નોંધાશે..જેમ કે, જો દીપડાને વસ્તીવાળા વિસ્તારમાં પ્રવેશ કરતો જોવા મળે, તો સમયસર સ્થાનિક લોકોને ચેતવણી આપવામાં આવી શકશે. આ રિસર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય દીપડાઓની પ્રવૃત્તિઓને સમજવા સાથે માનવ-દીપડા સંઘર્ષને ઘટાડવાનો છે. હાલમાં આ પ્રોજેક્ટ માટે માત્ર એક જ રેડિયો કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

બેટરી પૂર્ણ થયા બાદ સિસ્ટમથી કોલર આપમેળે અનલોક થઈ જાય
એક રેડિયો કોલરની કિંમત આશરે પાંચ લાખ રૂપિયા છે. જેના કારણે એક સાથે વધુ કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જો આ અભ્યાસ સફળ રહેશે, તો આગળના સમયમાં વધુ દીપડાઓ પર આ પ્રયોગ કરવામાં આવશે.રેડિયો કોલરના ડિઝાઇનને ધ્યાનમાં રાખીને, જો તેની બેટરી પૂર્ણ થાય, તો તેને કાઢવા માટે દીપડાને પકડવાની જરૂર નથી પડે. આ રેડિયો કોલરની બેટરીની આવરદા એક વર્ષથી વધુ છે. બેટરી પૂર્ણ થયા બાદ સિસ્ટમથી કોલર આપમેળે અનલોક થઈ જાય છે અને દીપડાના ગળામાંથી નિકળી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news