વિધાનસભાની વાતઃ વર્ષોથી નવસારી કેમ ગણાય છે ભાજપનો ગઢ? જાણો અહીં કેમ ચાલે છે પાટીલનો પાવર

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ નવસારી બેઠક પર ચાલે છે ભાજપનું રાજ. 1990થી આ બેઠક સતત ભાજપના ફાળે રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની લોકસભા સીટમાં પણ આ બેઠક આવે છે. ત્યારે એ સવાલ પણ સ્વભાવિક છેકે, શું અહીંના સ્થાનિક ધારાસભ્યનું કામ બોલે છેકે, પછી અહીં પાટીલનો પાવર બોલે છે? વિધાનસભાની વાતમાં જાણો વિગતવાર માહિતી...

  • નવસારી કેમ ગણાય છે ભાજપનો ગઢ?

  • નવસારીમાં ધારાસભ્યનું ચાલે કે સાંસદનું?

    નવસારીનું રાજકીય ગણિત અને સમીકરણો

Trending Photos

વિધાનસભાની વાતઃ વર્ષોથી નવસારી કેમ ગણાય છે ભાજપનો ગઢ? જાણો અહીં કેમ ચાલે છે પાટીલનો પાવર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ભાજપ-કોંગ્રેસની સાથે આવખતે આપ પણ મેદાન-એ-જંગમાં સામેલ થયું છે. ત્યારે વિધાનસભાની વાતમાં આ આર્ટિકલમાં વાત કરીશું વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી નવસારી બેઠકની. નવસારીના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો 1990થી આ બેઠક પર સતત ભાજપનો કબજો રહ્યો છે. અને એટલે જ વિધાનસભા બેઠકોની ચર્ચા ચાલતી હોય અને એમાંય જો સાઉથ ગુજરાતની વાત કરતા હોઈએ તો નવસારીને ભાજપનો અભેદ કિલ્લો કહેવામાં આવે છે. તેથી આ કિલ્લો ભેદવા માટે કોંગ્રેસ અને ખાસ કરીને આમ આદમી પાર્ટી એડીચોંટીનું જોર લગાવી રહી છે. પાટીલના પાવર સામે લડવા કોંગ્રેસ અને આપ કોને મેદાનમાં ઉતારે છે એ પણ રસપ્રદ બની રહેશે.

પરંપરાગત પક્ષોની સાથો-સાથ આ વખતે પહેલીવાર વિધાનસભામાં આપની એન્ટ્રીથી રીતસરનો ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. જેની તડામાર તૈયારીઓ પણ થઈ ચૂકી છે. કેટલાંક ઠેકાણે તો ગુજરાત વિધાનસભાની આવખતની ચૂંટણીમાં વર્ષો જૂની પાર્ટી કોંગ્રેસને પાછળ છોડીને પ્રચાર-પ્રસારમાં આપ આગળ જતી હોય તેવું પણ જણાઈ રહ્યું છે. હાલમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને સારી એવી સફળા હાથ લાગી હતી. એ જોતા હવે સાઉથ ગુજરાત એમાંય સુરત અને નવસારી કેજરીવાલના ખાસ ટાર્ગેટ પર છે. એજ કારણ છેકે, ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે આપ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વર્તમાન સમીકરણો જાણીએ એ પહેલાં નવસારીનો રાજકીય ઈતિહાસ પણ જાણી લઈએ.

વિધાનસભા ચૂંટણીમાં નવસારીનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ        વિજેતા                           પક્ષ
2017    પિયુષભાઈ દેસાઈ             ભાજપ
2012    પિયુષભાઈ દેસાઈ             ભાજપ
2007    મંગુભાઈ પટેલ                  ભાજપ
2002    મંગુભાઈ પટેલ                  ભાજપ
1998    મંગુભાઈ પટેલ                  ભાજપ
1995    મંગુભાઈ પટેલ                  ભાજપ
1990    મંગુભાઈ પટેલ                  ભાજપ
1985    મોહનભાઈ તળાવિયા        કોંગ્રેસ
1980    મોહનભાઈ તળાવિયા        કોંગ્રેસ
1975    વિઠ્ઠલભાઈ પટેલ               NCO
1972    દિનકરભાઈ દેસાઈ            કોંગ્રેસ
1967    S. Y. યૂનિયા                   કોંગ્રેસ
1962    સુલેમાન યુનિયા               કોંગ્રેસ

નવસારીનો રાજકીય ઈતિહાસઃ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી નવસારી 175મા ક્રમાંકે આવે છે. જોકે, હાલ ભાજપની દ્રષ્ટિએ જોઈએ તો આ બેઠક સૌથી મોખરે આવે છે. કારણકે, હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના લોકસભા મતવિસ્તારમાં આ બેઠક આવે છે. તેથી અહીં જીતનું અને મોટા માર્જિનથી જીતવું એ ભાજપ માટે શાખનો સવાલ છે. વર્ષોથી વિધાનસભા હોય કે લોકસભા નવસારીમાં ભાજપનો દબદબો રહ્યો છે. આંકડાની દ્રષ્ટ્રીએ નવસારી વિધાનસભા બેઠક પર ભાજપ સતત 7 ટર્મથી જીતતું આવ્યું છે. અંદાજે છેલ્લાં 35 વર્ષથી વિધાનસભાની ચૂંટણીમાં નવસારીમાં ભાજપનું કમળ ખિલતું આવ્યું છે.

નવસારીના ભાજપના ઉમેદવારોની ઓળખઃ
1990 થી લઈને 2007 સુધી સતત પાંચ ટર્મમાં અહીં ભાજપ નેતા મંગુભાઈ પટેલે જીત હાંસલ કરીને ભગવો લહેરાવ્યો છે અને તેઓ સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યાં. કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને આંનદીબેન પટેલ આ ત્રેણેયની સરકારમાં મંગુભાઈને મંત્રીપદ મળ્યું હતું. જોકે, રૂપાણી સરકારમાં તેમને મંત્રીમંડળમાંથી પડતા મુકાયા હતાં. જ્યારે વર્ષ 2017ની વિધાનસભામાં પણ તેમને ટિકિટથી બાકાત રખાયા હતાં. હાલમાં તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તેમણે નવસારી નગરપાલિકાના સભ્યપદથી રાજકીય સફર શરૂ કરી હતી.

ત્યાર બાદની વર્ષ 2012 અને 2017માં ભાજપ તરફથી પિયુષ દેસાઈએ નવસારીમાં જીતનો સિલસિલો યથાવત રાખ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતા પિયુષભાઈ દેસાઈએ કોંગ્રેસ નેતા ભાવનાબેન પટેલને જંગી બહુમતીથી હરાવ્યા હતા. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ પિયુષભાઈ દેસાઈએ જીત મેળવી હતી અને કોંગ્રેસ નેતા અરવિંદભાઈ પટેલને હરાવ્યા હતા. નરેન્દ્ર મોદીની નજીકના ગણાતા દિનકર દેસાઈના પુત્ર પિયુષ દેસાઈ અહીંથી બે ટર્મથી જીતતા આવ્યાં છે.

લોકસભામાં નવસારીનું મહત્ત્વઃ
નવસારી લોકસભા બેઠકનો ઈતિહાસ બહુ જુનો નથી. કારણકે, નવસારી લોકસભા વર્ષ 2009માં જ અસ્તિત્વમાં આવી હતી. આ પહેલા નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં આવતો હતો. નવસારી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો લીંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી તેમજ નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો જલાલપોર, નવસારી અને ગણદેવી એમ કુલ સાત બેઠકોનો સમાવેશ છે. સાઉથ ગુજરાતની આ સાતેય વિધાનસભાની બેઠકો પર સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવાર ચૂંટાતા આવ્યાં છે. એટલું જ નહીં અહીંની વિધાનસભા અંતર્ગત આવતી નગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પલિકામાં પણ ભાજપનું જ રાજ ચાલે છે. નવસારી લોકસભા બેઠકમાં સુરતના 60 ટકા અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે.

નવસારીમાં પાટીલનો પાવરઃ
નવસારી લોકસભા બેઠક ભલે વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હોય પણ અહીં લાંબા સમયથી પાટીલનો પાવર ચાલતો આવ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં જ રેકોર્ડ બ્રેક પ્રદર્શન કરીને સૌથી વધારે મત મેળવ્યાં હતાં. જેના અવારનવાર ભાષણોમાં પ્રધાનમંત્રી મોદી પોતે પણ વખાણ કરતા હોય છે. સી. આર. પાટીલ સતત વર્ષ 2009થી નવસારી લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સી. આર. પાટીલે નવસારી બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી હરાવ્યાં હતાં.

 

કેમ મીની ભારત ગણાય છે નવસારીઃ
ગુજરાતમાં સુરત બાદ કદાચ નવસારી એક એવું શહેર છે જ્યાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકો મોટી માત્રામાં વસવાટ કરે છે. એમાંય નવસારી વિધાનસભા મતવિસ્તારને તો મીની ભારત જ કહેવામાં આવે છે. કારણકે, દેશના કુલ રાજ્યો પૈકી ભાગ્યે જ કોઈ રાજ્ય હશે તેની પબ્લિક અહીં નહીં રહેતી હોય. નવસારીમાં અંદાજે 22 થી 24 રાજ્યોના લોકો વર્ષોથી વસવાટ કરે છે અને આજ લોકો અહીંના મતદાર પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news