Gujarat Election 2022: ભાવનગરમાં બોલ્યા કેજરીવાલ, હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ
Gujarat Election 2022, AAP: ભાવનગરમાં રોડ-શો દરમિયાન કેજરીવાલે કહ્યું કે, મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, મને અપશબ્દો બોલતા નથી આવડતા, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, દિલ્હીમાં પણ બનાવ્યા છે, પંજાબમાં પણ બનાવી રહ્યા છીએ, જો તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ બનાવીશ.
Trending Photos
ભાવનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election 2022) માં યોજાનારા પ્રથમ તબક્કાના મતદાનમાં હવે માત્ર 4 દિવસ બાકી છે. તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે સતત ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં રોડ-શોમાં ભાગ લીધો હતો. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્યાં પણ 24 કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંના લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.
મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માન રાશિ રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ
18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.
દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, તેમને રોજગાર ન મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું: અરવિંદ કેજરીવાલ
ગઇ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુનું બટન દબાવજો. જે પેપર ફૂટે છે તે થોડી એમ જ ફૂટે છે, ચોક્કસ કોઈ મોટા નેતા તેમાં સામેલ છે. 2015 પછી અત્યાર સુધી જે પણ પેપરો ફોડવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું.
ગુજરાતમાં વ્યાપારીઓમાંથી ડરનો માહોલ ખતમ કરીશું: અરવિંદ કેજરીવાલ
વ્યાપાર જગતમાંથી ડર નો માહોલ સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશું, નીડરતા અને શાંતિ સાથે વ્યાપાર કરવાનું વાતાવરણ બનાવશું. દરેક વ્યાપારી ને તે ઈજજત આપશું જેના એ હકદાર છે. ભ્રષ્ટાચાર થી મુક્તિ આપીશું, જે ફક્ત આખા દેશ માં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી જ આપી શકે છે. VET ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા 6 મહિના માં ચુકતા કરી દઈશું અને GST ને સરળ બનાવશું. એક એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેમાં વ્યાપારીઓને પાર્ટનરશીપ આપવામાં આવશે, દરેક સેક્ટર થી એક પ્રતિનિધિ ઉભો કરવામાં આવશે જે વ્યાપારીઓની દરેક સમસ્યા અને સુજાવ સરકાર સામે રજૂ કરશે અને સરકાર તરફથી તે પ્રમાણે વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.
જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી, તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરેઃ અરવિંદ કેજરીવાલ
27 વર્ષમાં તેઓએ તમારા બાળકો માટે કોઈ શાળાઓ બનાવી નથી, 27 વર્ષમાં તેઓએ તમારા માટે કોઈ હોસ્પિટલ નથી બનાવી, મેં 6 વર્ષમાં દિલ્હીમાં શાનદરા શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે. જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. સમગ્ર દેશમાં આજે સૌથી મોંઘી વીજળી ગુજરાતની અંદર છે. આ બંને પક્ષો સાથે મળીને બધા પૈસા ખાય છે. એટલે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી. ચૂંટણી પછી કોંગ્રેસ તેમની સાથે જતી રહેશે. તમારા ભાઈ તરીકે હું તમારી પાસે માત્ર એક તક માગી રહ્યો છું. તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ, જો તમને ના ગમે તો મને ધક્કા મારીને બહાર કાઢી મુકજો.
મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે: અરવિંદ કેજરીવાલ
મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, મને અપશબ્દો બોલતા નથી આવડતા, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, દિલ્હીમાં પણ બનાવ્યા છે, પંજાબમાં પણ બનાવી રહ્યા છીએ, જો તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ બનાવીશ. હું તમને ખોટા વચનો આપતો નથી. હું તમને ક્યારેય નહીં કહું કે હું તમને ₹15,00,000 આપીશ, હું ખોટું નથી બોલતો. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યો છું. હું ઈમાનદાર માણસ છું, ભ્રષ્ટાચાર નથી કરતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે