Gujarat Election 2022: આજે બીજા તબક્કાનું મતદાન: 14 જિલ્લાની 93 બેઠક પર 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે સીલ

Gujarat second phase Vidhan Sabha Chunav 2022 Live Updates: આજે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થનાર છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે. એટલું જ નહીં, બીજા તબક્કામાં મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક મોટા ચહેરાઓ મેદાને છે. જેમાં ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ, મનીષા વકીલ સહિત 8 મંત્રીઓના ભવિષ્યનો ફેંસલો થશે. 

Gujarat Election 2022: આજે બીજા તબક્કાનું મતદાન: 14 જિલ્લાની 93 બેઠક પર 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે સીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે બાકીની 93 બેઠકો પર બીજા તબક્કનું મતદાન સોમવારે થવાનું છે. ત્યારે આજે તમામ મતદાન મથકો પર તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. આજે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થનાર છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે. એટલું જ નહીં, બીજા તબક્કામાં મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક મોટા ચહેરાઓ મેદાને છે. જેમાં ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ, મનીષા વકીલ સહિત 8 મંત્રીઓના ભવિષ્યનો ફેંસલો થશે. 

બીજા તબક્કામાં 833માંથી 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવાર મેદાને છે. 93 બેઠક પર 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1 કરોડ 29 લાખ 26 હજાર 501 પુરૂષ અને 1 કરોડ 22 લાખ 31 હજાર 335 મહિલા સહિત 894 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકોમાં મતદાન થશે.

બીજા તબક્કામાં 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકોમાં મતદારો મતદાન કરશે. જ્યારે 8 ડિસેમ્બરે તમામ 182 બેઠકોનું પરિણામ જાહેર થશે. બીજી બાજુ દરેક બુથ પર EVM સહિતની જરૂરી સામગ્રી મોકલી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં સીઆરપીએફની ટુકડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે પહેલા તબક્કામાં મતદારોની નિરાશા જોયા બાદ ચૂંટણી કમિશ્નરએ મતદારો મત આપવા અપીલ કરતો સંદેશો પણ જાહેર કર્યો છે.

બીજા તબક્કામાં ક્યા જિલ્લાની કેટલી બેઠક પર મતદાન થશે તેની વાત કરીએ તો. બનાસકાંઠાની 9, પાટણની 4, મહેસાણાની 7, સાબરકાંઠાની 4, અરવલ્લીની 3, ગાંધીનગરની 5, અમદાવાદની 21, આણંદની 7, ખેડાની 6, મહીસાગરની 3, પંચમહાલની 5, દાહોદની 6, વડોદરાની 10, છોટા ઉદેપુરની 3 બેઠકો માટે મતદાન થશે.

બીજા તબક્કામાં 60 પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.જેમાં ભાજપ-આપે તમામ 93 બેઠક, કોંગ્રેસે 90, બીએસપીએ 44,  બીટીપીએ 12, સમાજવાદીએ પાર્ટીએ 5, એનસીપીએ 2 બેઠક પર પોતાના ઉમેદવારોને તક આપી છે. કુલ 285 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું નસિબ અજમાવવા ચૂંટણીના મેદાનમાં ઝુકાવ્યું છે. 

અમદાવાદ કલેક્ટર ધવલ પટેલની પ્રેસ 
ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનને લઈને અમદાવાદ કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર તંત્રની તૈયારી પુરી કરી દેવામાં આવી છે. અમદાવાદમાં મતદાનના ભાગરૂપે માહિતી આપવામાં આવી રહી છે. 60 લાખ કરતાં વધુ અમદાવાદ જિલ્લામાં મતદારો છે. જેમાં 23 હજારથી વધુ પોલીસ પોલિંગ સ્ટાફ હાજર રહેશે. મતદાતાઓને વિનંતી કે ઓરીજનલ પુરાવા સાથે રાખે. મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઇ છે. ઝેરોક્ષ કે ડિજિટલ ID નહિ ચાલે. 

ધવલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે તમામ લોકેશન પર EVM પહોંચી જશે. 5999 બુથ, 147 સખી સ્ટેશન, એક બુથ યુવા સ્ટાફ દ્વારા મેનેજ કરવામાં આવ્યું છે. 420 માઇક્રો ઓબઝર્વર નિમણુક કરાઇ છે. 3 જગ્યાએ મતગણતરી થશે. જેમાં LD ખાતે 8 વિધાનસભા, પોલીટેકનિકમાં 6 અને ગુજરાત કૉલેજમાં 7 મતગણતરી થશે. મતગણતરીમાં થ્રી લેયર સિક્યુરિટી રાખવામાં આવશે. જે કારીગરો કામ કરે છે તેમને રજા આપવાની જોગવાઈ છે. શ્રમ આયોગ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. નોડલ ઓફિસર નીમવામાં આવ્યા છે જે નિવારણ કરશે.

ચૂંટણી પંચની મહત્ત્વની વાત

1. સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો છે સાંજે 6 વાગ્યા સુધી નહીં
2. બૂથમાં મોબાઈલ ફોનની મંજૂરી નથી
3. મતદાર માહિતી સ્લિપ માત્ર માહિતી માટે જ છે જે ઓળખનો માન્ય પુરાવો નથી

ECએ આગળ કહ્યું કે, 'મતદાન મથકની અંદર મોબાઇલ લઇ જવાની સખ્ત મનાઇ છે. મોબાઇલ ફોનમાં આધારનો ફોટો પણ નહીં ચાલે કારણ કે મતદાન મથકની અંદર ફોન લઇ જવાની જ મનાઇ છે. તેથી મતદારોએ પોતાનાં આધારની હાર્ડકોપી સાથે રાખવી.

ઉલ્લેખનીય છે કે, મતદાનનો સમય 8થી 5 નો જ છે. અને કેટલાક સ્થળો પર 5 વાગ્યા બાદ પણ મતદારો વોટ આપવા આવે છે. ગામડાઓમાં વધુ મતદાન થયું છે અને શહેરોમાં ઓછું મતદાન થયું છે. એટલે શહેરીજનોને ખાસ વિનંતી છે કે કામમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા જઇને અને લોકશાહીનાં અવસરમાં ભાગીદાર બનીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news