વિશ્વ કક્ષાની અશ્વસ્પર્ધામાં ગુજરાતી ઉદ્યોગપતિની વછેરીએ બાજી મારી
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : મહારાષ્ટ્રના સારંગખેડામાં કાઠીયાવાળી અને મારવાડી ઘોડીઓની સુંદરતા સંદર્ભે અનોખી સ્પર્ધા યોજાઈ. 20મી ડિસેમ્બરે આયોજિત આ સ્પર્ધામાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં અશ્વપ્રેમીઓ તેમના અશ્વો સાથે આવી પહોંચ્યા હતા. આ સ્પર્ધામાં કાઠિયાવાળી અશ્વની વછેરી કેટેગરીમાં અમદાવાદના એક ઉદ્યોગપતિના અશ્વ ગોલ્ડીએ સુંદરતા મામલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સુંદર અશ્વોની આ સ્પર્ધાનું આયોજન મહારાષ્ટ્રના સારંગખેડા ખાતે છેલ્લા 300 વર્ષથી આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ - વિદેશથી જાણીતા અશ્વના જાણકારો જજ તરીકે હાજર રહેતા હોય છે. તેમના દ્વારા અશ્વના સુંદરતાના ધારાધોરણ મુજબ ક્રમાંક આપવામાં આવે છે. કાઠિયાવાડી અશ્વની વાત કરીએ તો તેના ચારેય પગમાં પટ્ટા જોવા મળે છે, તેનો ચહેરો પહોળો હોય છે, ખડતલ બાંધાના આ અશ્વોનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા - મહારાજાઓ દ્વારા યુદ્ધમાં કરાતો હતો. અન્ય અશ્વોની સરખામણીમાં કાઠિયાવાડી અશ્વના કાન નાના અને સુંદર હોય છે.
સુંદરતાના ધારાધોરણે દેશભરમાંથી પ્રથમસ્થાને આવેલી ગોલ્ડી હાલ અઢી વર્ષની છે. સામાન્ય રીતે કાઠિયાવાડી અશ્વનું આયુષ્ય 30 થી 35 વર્ષનું હોય છે. કાઠિયાવાળી અશ્વની કિંમત આશરે 10 લાખ રૂપિયા જેટલી હોય છે. જો કે આ પ્રકારની સ્પર્ધાઓના જીત્યા બાદ અશ્વની કિમતમાં અનેક ગણો વધારો થતો હોય છે. એક કાઠિયાવાડી અશ્વ રાખવાનો સામાન્ય ખર્ચ દર મહિને 15 હજાર રૂપિયા જેટલો થતો હોય છે. કાઠિયાવાડી ઘોડીઓની ઊંચાઈ સામાન્ય રીતે 57 થી 59 ઇંચ જેટલી જોવા મળતી હોય છે. પ્રથમ ક્રમાંકે આવવા બદલ ગોલ્ડીને 51 હજારનું રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. તો વિજેતા થયા બાદ ગોલ્ડી માટે એક અશ્વપ્રેમીએ 21 લાખ રૂપિયા પણ ઓફર કર્યા હતા, પરંતુ શોખ ખાતર અશ્વ રાખતા ઉદ્યોગપતિએ નાણાની ઓફર ઠુકરાવી દીધી હતી.
અશ્વની કેટેગરી વછેરીમાં દેશની સૌથી સુંદર એવી ગોલ્ડીના માલિક અમદાવાદના ઉદ્યોગપતિનું કઠવાડાના ભાવડા ગામે શિવ શક્તિ સ્ટર્ડ ફાર્મ છે. જેમાં 10 જેટલી અલગ અલગ પ્રકારના અશ્વ રાખવામાં આવ્યા છે. જેમાં મારવાડી અશ્વોનો પણ સમાવેશ થાય છે. આ ફાર્મ હાઉસમાં અશ્વ તેમજ ગીર ગાય, ઘેટાં, સસલા, મરઘાં, સફેદ કબૂતર અને શ્વાન પણ જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે