શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીની જેમ ગુજરાતના આ વિસ્તારો પણ દરિયામાં ડૂબી જશે, ડરમાં જીવે છે લોકો
Gujarat Beach Sinking : ગ્લોબલ વોર્મિંગની અસરથી સતત આગળ વધી રહ્યો છે ગુજરાતનો દરિયો, દાંડી અને ઉભરાટ કિનારાનું અંદાજે 1 કિમી ધોવાણ થયું.... તો વલસાડનો દરિયો પણ ધોવાયો
Trending Photos
Global Warming નવસારી : ગ્લોબલ વર્મિંગની અસર ધરતી આકાશ પાણી તમામ જગ્યાએ દેખાઈ રહી છે. ગરમી વધતા ઘણા ગ્લેશિયર પીગળતા પાણીનું સ્તર ઉંચુ આવ્યુ છે. જેને કારણે દરિયાની સપાટી વધવા સાથે દરિયો કિનારા તરફ આગળ વધતા કિનારે વસતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. નવસારીના 52 કિમીના દરિયા કાંઠાના ગામોમાં પણ દરિયાઈ ધોવાણ વધ્યુ છે. જેમાં દાંડી અને ઉભરાટ કિનારે દરિયો છેલ્લા થોડા વર્ષોમાં અંદાજે 1 કીમિથી વધુ જમીન ગળી ગયો છે. જેને કારણે ગામોના અસ્તિત્વ પર ખતરો ટોળાઈ રહ્યો છે
દરિયો ગામનું કબ્રસ્તાન ગળી ગયો
ભારતની રાજ્ય સભામાં કોંગ્રેસે પૂછેલા જવાબમાં ગુજરાત સરકારે ગુજરાતના દરિયા કિનારાનું ધોવાણ વધ્યુ હોવાનો રિપોર્ટ આપ્યો હતો, જેમાં નવસારી જિલ્લાના 52 કિમીના દરિયા કાંઠાના દાંડીના દરિયા કિનારે અંદાજે અડધો ચોરસ કિમીનુ ધોવાણ થયુ હોવાનું તેમજ ઉભરાટના દરિયા કિનારે અંદાજે 0.11 ચોરસ કિમી કાદવ, કીચડ હોવા સાથે ધોવાણ પણ વધ્યુ હોવાનું સામે આવ્યું છે. પરંતુ સ્થાનિક સ્તરે ગ્રામજનોનું માનીએ તો છેલ્લા 20 વર્ષોમાં દરિયો ઘણો આગળ આવી ગયો છે અને દર વર્ષે આગળ વધતા જમીન ખાઈ રહ્યો છે. ઉભરાટ ગામમાં છેલ્લા 15 વર્ષોમાં દરિયો ગામનું કબ્રસ્તાન ગળી ગયો, તો અંદાજે 1 કિમી ધોવાણ કરી આગળ વધી રહ્યો છે.
દરિયો ગામને પણ ગળી જશે
કબ્રસ્તાનના ધોવાણ બાદ ઉભરાટના ગ્રામીણોએ કરોડો ખર્ચી દરિયાથી 500 મીટર દૂર હિન્દુ સ્મશાન ભૂમિ બનાવી હતી, પરંતુ દરિયાના વિકરાળ સ્વરૂપે દર વર્ષે થોડી થોડી જમીન ગળતા આજે સ્મશાન ભૂમિ 100 મીટર જ દૂર રહી છે. જેથી આ વર્ષે અથવા આવતા વર્ષે દરિયાના પાણી ઉભરાટ ગામમાં ઘુસી જાય તો નવાઈ નહીં. દરિયા કિનારાના ધોવાણને પગલે ગામના લોકો પણ હવે ધીરે ધીરે મરોલી અથવા નવસારીમાં ઘર લેવા માંડ્યા છે. જેથી ગામની વસ્તી પર પણ દરિયાઈ ધોવાણની અસર પડી રહી છે.
પ્રોટેક્શન વોલ લગાવવાની માંગ
બીજી તરફ દરિયાઈ ધોવાણ અટકાવવા કિનારે લગાવેલા મેંગ્રુવ્સ, ગાંડા બાવળ જેવા વૃક્ષો પણ તોફાની દરિયો ઉખેડીને પોતાની સાથે લઈ જાય છે. ત્યારે ગ્રામજનો પ્રોટેક્શન વોલ વહેલામાં વહેલી બને એવી આશા સેવી રહ્યા છે. પરંતુ ડિઝાઇનને કારણે પ્રોટેક્શન વોલનો પ્રોજેક્ટ અટવાયો હોવાના આક્ષેપ સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે. દાંડીની પણ આજ સ્થિતિ છે. દરિયાઈ ધોવાણ દાંડીના લોકો માટે મોટી સમસ્યા છે અને તેઓ પણ પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ વર્ષોથી કરી રહ્યા છે. ત્યારે ડ્રેનેજ વિભાગ દરિયાઈ કાંઠાના ગામડાઓની સુરક્ષા માટે ત્વરિત પ્રોટેક્શન વોલ બનાવે એજ સમયની માંગ છે.
વલસાડનો દરિયો પણ આગળ વધી રહ્યો છે
સમગ્ર રાજ્યમાં આવેલા દરિયા કિનારે જમીન ધોવાણ વધી રહ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં સુપ્રસિદ્ધ એવા વલસાડના તિથલ દરિયા કિનારે પણ જમીનનું ધોવાણ વધી રહયું છે. રાજ્યસભામાં રજૂ કરાયેલ રિપોર્ટ અનુસાર વલસાડ ખાતે આવેલા 60 કિલોમીટર થી વધુ લાંબા દરિયા કિનારે 69910 સ્કે મીટર જમીન ધોવાણ થઈ ચૂક્યું છે. દરિયાના ધોવાણ ને કારણે દરિયા કિનારે રહેતા ગામોના લોકોએ સ્થળાંતર કરવાનો વાળો પણ આવ્યો છે દરિયા કિનારા ને બચાવવા માટે વારંવાર પર્યાવરણ પ્રેમી અને સ્થાનિકો દ્વારા રજુઆત કરવામાં આવે છે. તેમ છતાં સરકાર દરિયાનું ધોવાણ અટકાવવામાં નિષ્ફળ ગઈ છે. સરકાર દ્વારા દરિયાકિનારે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. તેમ છતાં દરિયાનું ધોવાણ થતા પ્રોટેક્શન વોલમાં થયેલા ભ્રષ્ટાચાર આંખે ઉડીને ચાડી ખાઈ રહ્યાં છે. તો કેટલી જગ્યાએ હજુ પણ પ્રોટેક્શન વોલનો અભાવ જોવા મળ્યો છે. દરિયા કિનારે આવેલ ગામોના લોકો દ્વારા વારંવાર ધોવાણ અટકાવવા માટે પ્રોટેક્શન વોલ માટેની માંગ કરવામાં આવી છે. તેમ છતાં સરકાર દ્વારા હજુ કેટલી જગ્યાઓ પર પ્રોટેક્શન વોલ બનાવવામાં નથી આવી તેને લઈ દરિયો રહેણાંક વિસ્તાર તરફ આગળ વધી રહ્યો છે.
ગુજરાતના બીચ ખતરામાં
રાજ્યસભામાં સરકારના જવાબ પર કોંગ્રેસ ગંભીર આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસે કહ્યું કે ગુજરાતના સુંદર દરિયાકિનારાના સુંદર બીચ ખતરામાં છે. ગુજરાતનો સુંદર શિવરાજપુર બીચ આવનારી પેઢી માટે નામશેષ કે ગાયબ થઈ જશે. કારણ કે 32 હજાર 692 સ્ક્વેર મીટરનું ધોવાણ થઈ ચૂક્યું છે. જ્યારે 2 હજાર 396 સ્ક્વેર મીટરમાં કાદવ-કીચડ ભરાયેલો છે. દેશમાં સૌથી વધારે ગુજરાતમાં 537.5 કિલોમીટરના દરિયાકાંઠાનું ધોવાણ થયાનું ખુદ સરકારે પણ સ્વીકાર્યું. રાજ્યસભાના એક સવાલના જવાબમાં ગાયબ થતાં બીચમાં ગુજરાતનો બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ ગાયબ થવાના આરે હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય મુજબ સમગ્ર દેશમાં સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્યનો કાંઠો ખતરામાં છે. કેન્દ્ર સરકારનો સમગ્ર રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાત અને કેન્દ્ર સરકાર દરિયાઈ કાંઠાના પર્યાવરણને બચાવવામાં નિષ્ફળ જઈ રહી છે. સમગ્ર દેશના 6 હજાર 632 કિલો મીટરના દરિયાઈ કાંઠામાંથી 60 ટકાથી વધુ દરિયાઈ કિનારો પર્યાવરણની દૃષ્ટિએ ખતરામાં છે. સમગ્ર દેશમાં 33.6% દરિયાઈ કાંઠો ધોવાણ હેઠળ છે અને 26.9 ટકા દરિયાઈ કાંઠામાં કાંપ, કીચડ અને કચરાનાના લીધે નુકસાન થઈ રહ્યું છે.
કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યસભાના 6 એપ્રિલ 2023ના એક જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત રાજ્યના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામશેષ થવાની દિશામાં છે. બ્લુ ફ્લેગ બીચના નામે અલગ-અલગ માધ્યમોથી શિવરાજપુર બીચની જાહેરાતો થાય છે. ગુજરાત સરકાર તેનું બ્રાન્ડિંગ કરી રહ્યુ છે, પરંતું આ બીચનો દરિયાઈ કાંઠો ખતરામાં છે. શિવરાજપુર બીચનો 32692.74 સ્ક્વેર મીટર વિસ્તાર ધોવાણ હેઠળ છે અને 2396.77 સ્ક્વેર મીટરના વિસ્તારમાં કાંપ-કીચડ અને કચરાનો ભરાવો થઈ રહ્યો છે.
તો બીજી તરફ, ગુજરાતના અન્ય બીચ પણ સંકટમાં છે. સુરતનો ઉભરાટ, તીથલ અને સુવાલી બીચ તથા દાભરી અને દાંડી બીચની ખરાબ સ્થિતિનો પણ ઉલ્લેખ કરાયો છે. ન્દ્ર સરકારનો સમગ્ર રિપોર્ટ દર્શાવે છે કે, ગુજરાત અને કેન્દ્ર સરકાર દરિયાઈ કાંઠાના પર્યાવરણને બચાવવામાં નિષ્ફળ જઈ રહી છે.
જો આવું થશે તો દરિયા કાંઠે રહેતા લોકોના જીવન પર મોટી અસર પડશે. માછીમારી કરતા લોકો મુશ્કેલીમાં મુકાશે. સમુદ્રનું સ્તર વધશે તો ખતરો વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે