કપરાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ, હાર્દિકના ભાજપ સરકાર પર પ્રહાર
ભાજપ અને કોંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કપરાડા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. પોતાના સંબોધનમાં અનેક મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા
Trending Photos
જય પટેલ/ વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કપરાડા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. પોતાના સંબોધનમાં અનેક મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને હંમેશા ગરીબો અને આદિવાસીઓની હમદર્દ ગણાવી હતી.
કપરાડા તાલુકાના સુથારપાડામાં હાર્દિક પટેલને જંગી જાહેર સભા યોજાઇ હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને કોંગ્રેસના કપરાડાના બેઠકના ઉમેદવાર બાબુભાઈ વરઠા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક પટેલની આ સભામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. જોકે સભાને સંબોધતા કોંગ્રેસ અગ્રણીઓએ અનેક મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી.
મહત્વપૂર્ણ છે કે કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવતા જીતુભાઈ ચૌધરી રાજ્યસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા આથી આ પેટા ચૂંટણી આવી પડી છે. ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી પર કોંગ્રેસ અગ્રણીઓએ આકરા પ્રહાર કર્યા હતા અને આ સભામાં કોંગ્રેસ અગ્રણીઓએ જીતુ ચૌધરીને ગદ્દાર તરીકે ગણાવી અને આ વખતે કપડાની જનતાને જીતુ ચૌધરીને હરાવી જવાબ આપવા હાકલ કરી હતી.
કોંગ્રેસ ઉમેદવારને જંગી લીડથી જીતવા માટે કોંગ્રેસના અગ્રણીઓએ હાકલ કરી હતી. પોતાના સંબોધનમાં અનેક મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને હંમેશા ગરીબો અને આદિવાસીઓની હમદર્દ ગણાવી હતી. વધુમાં સભાને સંબોધતા ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારના ધારાસભ્યને ખરીદી જંગલ અને જંગલની જમીન અંબાણી, અદાણીને સોંપવાનું એક મોટું ષડયંત્ર હોય તેવો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો:- ‘જ્યાં 20 વોટ નથી મળતા ત્યાં પણ કામ કરીએ છીએ’ AMCની સભામાં અમિત શાહના વિવાદિત નિવેદનથી હોબાળો
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં પણ આદિવાસીઓની જમીન હડપી અને આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના હાર્દિક પટેલે આક્ષેપો કરી કર્યા હતા. આમ વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર તેજ થઇ રહ્યો છે. આથી કપરાડા બેઠકની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ સાબિત થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે