ઇડરના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો, ઊભા પાક પર ટ્રેકટર ફેરવવા બન્યા મજબૂર
સાબરકાંઠાના ઇડરના પૃથ્વીપુરા વિસ્તારમાં 425 એકરથી વધારે જમીન ઉપર લહેરાતો આ સૂરજમુખીનો પાક ડુપ્લીકેટ બિયારણના પગલે હવે ખેડૂતો ઉભા પાકમાં રોટોવેટર લગાવી નાશ કરી રહ્યા છે. તો કેટલાક ખેતરોમાં સૂરજમુખીના પાકને સળગાવી રહ્યા છે
Trending Photos
શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: નકલી તેમજ ડુપ્લીકેટ બિયારણના પગલે જગતનો તાત વર્ષોથી અસંખ્ય પીડા ભોગવી રહ્યો છે. ત્યારે આજે સાબરકાંઠાના ઇડરના પૃથ્વીપુરા ગામ સહિતના ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવે છે. સૂરજમુખીના વાવેતર કરી વિશેષ પ્રયત્નો દ્વારા કંઈક મેળવવાની લાયમાં સમગ્ર સિઝન ફેલ થઈ છે. તેમજ ખેડૂતોને કરોડોનું નુકસાન સર્જાતા હવે ઊભા પાક પર ટ્રેકટર ફેરવવા મજબૂર બન્યા છે.
સાબરકાંઠાના ઇડરના પૃથ્વીપુરા વિસ્તારમાં 425 એકરથી વધારે જમીન ઉપર લહેરાતો આ સૂરજમુખીનો પાક ડુપ્લીકેટ બિયારણના પગલે હવે ખેડૂતો ઉભા પાકમાં રોટોવેટર લગાવી નાશ કરી રહ્યા છે. તો કેટલાક ખેતરોમાં સૂરજમુખીના પાકને સળગાવી રહ્યા છે. જોકે સૂરજમુખીની ખેતી માટે 90 દિવસનો સમય ગાળો હોય છે તેમજ એકર દીઠ ખેડૂતોને 50 મણથી લઇ 60 મણ સુધીની ઉપજ મળતી હોય છે, જેના પગલે આ વખતે ઇડર તાલુકાના પૃથ્વીપુરા સહિતના ચારથી પાંચ ગામડાઓમાં સવા ચારસો એકરથી વધારે જમીન ઉપર સૂરજમુખીનો પાક વાવવામાં આવ્યો હતો.
તેમજ રાજકોટની એગ્રી બી નામની કંપની દ્વારા 360 જેટલી બેગનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે શરૂઆતના તબક્કામાં સન ફ્લાવરની ખેતી અંતર્ગત ઉઘાડ શક્તિ જોતા ખેડૂતો હરખાયા હતા. જોકે નકલી તેમજ ડુપ્લીકેટ સહિત ભેળસેળયુક્ત બીજની સંપૂર્ણ પાકવાના 45 દિવસ બાદ થતી હોવાના પગલે શરૂઆતની આ ખુશી ખેડૂત જગત માટે ટૂંક સમયમાં જ અલિપ્ત બની રહી. 45 દિવસ બાદ ફ્લાવરિંગના સમયે જ મોટા ભાગે સૂરજમુખીના પ્રત્યેક છોડ દીઠ એક જ મોટું ફુલ આવતું હોય છે તેમ જ એક જ છોડ દીઠ 500 ગ્રામથી વધારેનું ઉત્પાદન મળતું હોય છે.
જો કે રાજકોટની એગ્રી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપવામાં આવેલું બિયારણ ભેળસેળયુક્ત હોવાના પગલે 80 ટકાથી વધારે પાકમાં 10 ફૂલથી 25 ફુલ આવતા મોટા ભાગનો સૂરજમુખીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હાલમાં ખેડૂતો આ મામલે મોટાભાગના ખેતરોમાંથી પોતાના છોડ ઉપાડી રહ્યા છે. તો કેટલાક ખેડૂતો પાકમાં ટ્રેક્ટર ફેરવી સંતોષ માની રહ્યા છે. જોકે ખેડૂતોનો રોષ હાલ સાતમા આસમાને છે. સાથોસાથ આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલન કરવાની સાથે કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં ન આવે તો આંદોલનના માર્ગે પણ આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે.
સામાન્ય રીતે જગતના તાત માટે કોઈપણ ખેતી કરતા મજૂરી અને દવા, બિયારણ, ખાતરનો ખર્ચ સવિશેષ રસ્તો હોય છે. જોકે જેનું બીજ બગડે તેનું વર્ષ બગડે એ કહેવત અનુસાર ડુપ્લીકેટ તેમજ શંકાસ્પદ અને ભેળસેળયુક્ત બિયારણને પગલે હાલ સવા ચારસો એકરથી વધારેની જમીન ઉપર દેખાઇ રહેલો આ પાક સંપૂર્ણ નિષ્ફળ બન્યો છે. જેના પગલે હવે ખેડૂતોને સંપૂર્ણ પાક જમીનમાં દાટવામાં તેમજ સળગાવી દેવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી. ત્યારે એક તરફ દિનપ્રતિદિન ખેડૂત દેવાના ડુંગર હેઠળ દબાઈ જાય છે તેમજ દવા ખાતર અને મજૂરીના વધતા ખર્ચને પહોંચી વળવા માટે સહકારી મંડળીઓ સહિત રાષ્ટ્રીયકૃત બેંકોની લોનો હેઠળ પીડાઈ રહ્યો છે.
ત્યારે જગતનો તાત પરસેવાના પાણીથી નહાતો હોય છે. જોકે અકલ્પ્ય મંજૂરી બાદ પણ ખેડૂતોની આ મજૂરી માથે પડે ત્યારે કેટલાય ખેડૂતો નાસીપાસ થાય છે. જોકે હાલના તબક્કે બિયારણ આપનાર કંપની સહિત વહિવટી તંત્ર દ્વારા ચોક્કસ પગલાં લેવાય તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે. ખેતીવાડી વિભાગને મળેલ ફરિયાદને લઈને હવે તંત્ર એક્શનમાં આવ્યું છે અને ખેડૂતોએ કરેલ માંગણીને લઈને વિભાગમાં જાણ કરી છે અને તેની ટીમ અગામી દિવસોમાં આવશે અને ટીમ ગામમાં જઈને અભ્યાસ કરીને આગળની કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી લીધી છે.
ખેડૂતોના થયેલા નુકશાન અને વળતરને લઈને ખેતીવાડી વિભાગે અગામી દિવસોમાં કૃષિ સંસોધન કેન્દ્રની ટીમ સાથે અભ્યાસ કરવાની વાત કરી છે. ત્યારે હવે જોવું રહ્યું અભ્યાસ બાદ ખેડૂતોને વળતર મળશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે