પેટે પાટા બાંધીએ પિતાએ દીકરાને ડોક્ટર બનાવવા યુક્રેન મોકલ્યો, અરવલ્લીના એક પિતા દીકરા માટે ચિંતિત બન્યા
Ukraine-Russia war : હાલ વિદ્યાર્થીઓના મોબાઈલની બેટરી લો થઈ અને અનેક વિદ્યાર્થીઓના સંપર્ક પણ તૂટ્યા હોવાનું પરિવાર જણાવે છે
Trending Photos
- સુરેન્દ્રનગરના 80, પાટણના 30 વિદ્યાર્થીઓ હજી પણ યુક્રેનમાં ફસાયા
- પરિવાર સાથે વિદ્યાર્થીઓનો સંપર્ક કપાયો, મોબાઈલની બેટરી પણ લો થઈ
ઝી મીડિયા/બ્યૂરો :હાલ યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિ છે ત્યારે અરવલ્લીના નાનકડા એવા નંદોજ ટાંડાનો વતની ભાવેશ વણઝારા હાલ યુક્રેનમાં ફસાયો છે. હાલની ભયજનક પરિસ્થિતિમાં પોતાના વતનમાં પરત આવવા માટે સરકાર પાસે તેના પિતાએ મદદ માંગી છે. ભાવેશ વણઝારાના પરિવારજનો ઈચ્છી રહ્યા છે કે તેમનો દીકરો જલ્દી જ વતન પરત આવી જાય.
અરવલ્લી જિલ્લાના નાનકડા એવા ભિલોડા તાલુકાના નંદોજ ગામનો 20 વર્ષીય ભાવેશ બાબુભાઇ વણઝારા બે વર્ષથી યુક્રેન મેડિકલમાં અભ્યાસ અર્થે રહે છે. હાલ રશિયા અને યુક્રેન સાથે યુદ્ધની સ્થિતિ છે, ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભાવેશ વણઝારાએ પોતાના વાલીને ફોન કરી ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદની માંગ કરી છે. બાબુભાઈ વણઝારા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આખા વણઝારા સમાજમાં કોઈ ડોક્ટર ના હતું, તો ખૂબ દુઃખ વેઠીને પોતાના દીકરાને યુક્રેન મેડિકલમાં અભ્યાસ અર્થે મોકલ્યો છે. ત્યારે હાલની તણાવભરી સ્થિતિને કારણે આખો પરિવાર ખૂબ જ દુઃખી છે. પરિવાર પોતાનો દીકરો પરત આવે તે માટે સરકારને વિનંતી કરી રહ્યો છે. ભાવેશના દાદા બા અને પિતાએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી સરકાર પાસે દીકરાને હેમખેમ પરત લાવવા માટે વિનંતી કરી.
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો વીડિયો ZEE 24 કલાક પર #RussiaUkraine #UkraineRussiaConflict #UkraineRussia pic.twitter.com/04zo4txkcc
— Zee 24 Kalak (@Zee24Kalak) February 24, 2022
મદદ માટે હેલ્પલાઈન નંબર
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે યુક્રેન માટે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કન્ટ્રોલ રૂમના નંબર જાહેર કર્યા છે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક પણ જાહેર કર્યો છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા લોકોને ઈ-મેઈલ અને ફોન મારફત સંપર્ક કરવા કહેવાયુ છે. ફસાયેલા લોકોને +911123012113, +911123014104, +911123017905,1800118797 પર સંપર્ક કરવા કહેવાયુ છે.
યુદ્ધ પહેલા અમને બચાવી લો - રાજકોટના નાગરિકો
હાલ રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે રાજકોટના પણ યુક્રેન સાથે વ્યવસાયિક રીતે જોડાયેલા નાગરિકો ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. તો કેટલાક મેડિકલના વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે, તેમની તમામ પાસે ફ્લાઇટની ટિકિટ છે. પરંતુ તમામ ફ્લાઇટ હાલ કેન્સલ કરી નાંખવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓની એક જ માંગણી છે કે તાત્કાલિક અસરથી ભારત સરકાર તેમની મદદ પહોંચે. યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બને તે પૂર્વે જ તમામ વિદ્યાર્થીઓ સહિત તમામ નાગરિકોને ભારત પરત લાવવામાં આવે.
ફસાયેલા વિદ્યાર્થીઓના મોબાઈલની બેટરી પણ ડાઉન
સુરેન્દ્રનગર જિલ્લાના 80 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જિલ્લાના અનેક વિદ્યાર્થીઓએ યુક્રેનમાં ક્રીમ મેટ્રો સિટીના સ્ટેશન પર આશરો લીધો છે. જિલ્લાના અલગ અલગ તાલુકાઓના 80 વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસે છેલ્લા 24 કલાકથી ખાણીપીણીની પણ વ્યવસ્થા ન હોવાનું પરિવારોને જણાવ્યું. જ્યા સુધી ગુજરાત આવવા કોઈ વ્યવસ્થા ન થાય ત્યા સુધી ફસાયેલા રહેવુ પડશે. આ કારણે તેમના પરિવારજનોના જીવ અદ્ધ ચોંટી ગયા છે. હાલ વિદ્યાર્થીઓના મોબાઈલની બેટરી લો થઈ અને અનેક વિદ્યાર્થીઓના સંપર્ક પણ તૂટ્યા હોવાનું પરિવાર જણાવે છે.
પાદરાની વિદ્યાર્થીની પણ ફસાઈ
પાદરાના મોભા ગામની વિદ્યાર્થીની યુક્રેનના ચારનીવેસ્ટના બુકો વિનિયન્સ યુનિવર્સિટીમાં મેડિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. હાલમાં પાદરામાં અદિતિ પંડ્યાનો પરિવાર ચિંતાતુર બન્યો છે. અદિતિ પંડ્યાના પિતા અજય પંડ્યાએ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને અદિતિને વહેલી તકે મદદ પહોંચાડવા રજૂઆત કરી હતી.
રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેરો પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ છે. રશિયાએ યુક્રેનના અનેક મિલેટ્રી બેસ પર પણ સ્ટ્રાઈક કરી છે. યુક્રેનના ચાર શહેરોમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેરો પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે, સામે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક મળી છે. બીજીતરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેનને સહયોગ આપશો તો પરિણામ પણ ભોગવવાં પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે