અલ્પેશ કથિરીયાના જામીન રદ્દ કરવા કરાઇ અરજી, કોર્ટ 15મી આપશે ચુકાદો
અલ્પેશ કથિરીયાનાં રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરી તેને ફરીથી જેલમાં મોકલવા માટેની કરાયેલી અરજીમાં બંને પક્ષોની દલીલો સુરત જીલ્લા કોર્ટમાં શુક્રવારે સવારે કરવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટ 15મી જાન્યુઆરીનાં રોજ પોતાનો ચુકાદો સંભળાવશે.
Trending Photos
તેજશ મોદી, સુરત: પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાનાં રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ્દ કરી તેને ફરીથી જેલમાં મોકલવા માટેની કરાયેલી અરજીમાં બંને પક્ષોની દલીલો સુરત જીલ્લા કોર્ટમાં શુક્રવારે સવારે કરવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટ 15મી જાન્યુઆરીનાં રોજ પોતાનો ચુકાદો સંભળાવશે. સરકાર પક્ષ દ્વારા અલ્પેશ સામે થયેલી ફરિયાદો, તેના અપશબ્દો વાળી સીડી તથા સોશિયલ મીડિયાના મેસેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો બચાવ પક્ષે પોલીસ દ્વારા દ્વેષભાવ રાખી કાર્યવાહી કરવા સહિતના મુદ્દે દલીલો કરી હતી.
વધુમાં વાંચો: દિવ્યેશ દરજીએ 'દેકાડો કોઈન'ના નામે પણ કરોડો ડુબાડ્યા
પાટીદાર અનામત આંદોલન સમીતીના નેતા અલ્પેશ કથિરીયાને રાજદ્રોહના કેસમાં કેટલીક શરતોને આધીન સુરત જીલ્લા કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારે હવે સુરત ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશના જામીન રદ્દ કરી તેને ફરીથી જેલમાં મોકલવા માટે અરજી કોર્ટ સમક્ષ કરી છે. જેમાં છેલ્લા બે દિવસથી દલીલો ચાલી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે કરેલી અરજીમાં સંદર્ભે કોર્ટમાં દલીલો કરતા મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું છે કે અલ્પેશ સતત જામીન પર મુક્તિ માટે અપાયેલી શરતોનું પાલન નથી કરી રહ્યો, 25મી ડિસેમ્બરનાં રોજ અલ્પેશે સુરત કલેકટર ઓફિસમાં રજાના દિવસે જબદ્સ્તી ઘુસી જઈ ધારણા કર્યા હતા, સાથે જ જીલ્લા કલેકટર સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું.
વધુમાં વાંચો: એવું શું થયું હતું જયંતી ભાનુશાળી અને મનીષા વચ્ચે કે, જેથી તેને 5 ચૂકવવાની વાત આવી હતી
આ ઉપરાંત 27 તારીખે સરથાણા પોલીસ મથકમાં પણ હોબાળો કર્યો હતો. ત્યાં પણ અલ્પેશે પોલીસકર્મીઓ અને અધિકારીઓને અપશબ્દો બોલ્યા હતા. આટલેથી નહીં અટકતા 28 ડિસેમ્બરનાં રોજ નો પાર્કિંગમાં મુકેલી ગાડી મુદ્દે ક્રેઇનના મજૂરો સાથે માથાકૂટ કરી હતી. ફરજ પર હાજર પોલીસકર્મીને ગાળો આપી હતી. ત્યાંથી તેને જ્યારે પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો, ત્યારે પણ તેને પોલીસ અધિકારીઓને ગંદા શબ્દો કહી ઉશ્કેરણી જનક વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો.
વધુમાં વાંચો: શું ‘ભાઉ’એ કરી હતી જયંતી ભાનુશાળીની હત્યા?
અલ્પેશે જ્યારે વરાછા પોલીસની કસ્ટડીમાં હતો ત્યારે તેને સતત અપશબ્દો બોલવાનું શરૂ રાખ્યું હતું. આમ સતત અલ્પેશ પોલીસ અને સરકાર વિરોધી નિવેદનો અને શબ્દો બોલી પ્રજામાં સરકાર અને પોલીસ પ્રત્યે બેદિલી ફેલાવાવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે તેની જામીનની શરતોનો ભંગ ગણી શકાય અને તેથી જ તેના જામીન રદ્દ કરી તેને જેલમાં મોકલી આપવો જોઈએ. અલ્પેશ કથિરીયા તરફથી તેના વકીલ યશવંત વાળાએ દલીલો કરતા કહ્યું હતું, કે જે શરતોને આધીન કોર્ટ દ્વારા અલ્પેશ કથીરીયાને જામીન આપવામાં આવ્યા છે, તેનું કોઈ ઉલંઘન કરવામાં આવ્યું નથી.
સમગ્ર મામલે પોલીસે અપશબ્દો બોલવાની શરૂઆત કરી છે, અને તેને કારણે જ એક્શનનું રીએક્શન આવ્યું છે. કલેકટર કચેરીમાં બનેલી ઘટનામાં જો અસભ્ય વર્તન થયું હોય તો કેમ પોલીસે ફરિયાદ દાખલ ન કરી, એવી જ રીતે સરથાણા પોલીસ મથકમાં જે ઘટના 27 તારીખે બને તેની ફરિયાદ 28 તારીખે સાંજે કેમ નોંધવામાં આવે છે. 28 તારીખે ક્રેઇન ચાલકો જ્યારે પ્રાઇવેટ જગ્યા પરથી વાહનો ઉઠાવી રહ્યા હતા. તેને રોકવા જતાં તેમને અલ્પેશ સાથે માથાકૂટ કરી અપશબ્દો કહ્યા હતા.
પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે પોલીસે તેની સામે ગુના દાખલ કર્યા, પોલીસે સમગ્ર ઘટનામાં પોતાને કામ લાગે તેવાજ ફૂટેજ પુરાવા તરીકે રજુ કર્યા છે, પરતું જો વરાછા પોલીસ મથકના 4 કલાકના સીસીટીવી અને ફૂટે જ રજુ કરે તો સાચું કોણ અને ખોટું કોણ તેની ખબર પડી જશે, પોલીસે સોશિયલ મીડિયામાં વાઈરલ મેસેજ કરનારાને પકડવાને બદલે અલ્પેશને તેના માટે જવાબદાર ગણ્યો છે, તે અયોગ્ય છે, આમ પોલીસે કરેલી અરજી રદ્દ કરવામાં આવે.
બે દિવસ દરમિયાન ચાલેલી દલીલો બાદ કોર્ટે પોલીસ અને સરકાર પક્ષ તથા બચાવ પક્ષના તમામ પુરાવા લીધા હતા, જીલ્લા કોર્ટ હવે આગામી 15મી જાન્યુઆરીના રોજ પોતાનો ચુકાદો સંભળાવી શકે છે, ત્યારે તમામની નજર કોર્ટ પર છે કે અલ્પેશના જામીન રદ્દ થાય છે કે પછી પોલીસની અરજી રદ્દ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે