પોલીસની દાદાગીરીનું નિમ્ન સ્તર: 10 રૂપિયાની પિચકારી માટે વેપારી સાથે મારામારી કરીને ખોટો કેસ કર્યો
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાત પોલીસ હંમેશા પોતાના સારા કામ કરતા નબળા કામના કારણે ચર્ચામાં રહે છે. પોલીસ દ્વારા વેપારીઓ પાસે હપ્તા જેવી અનેક બાબતોને કારણે તે ચર્ચામાં રહે છે. રોડ પર ટ્રાફીક પોલીસનો તોડ હોય કે વેપારીઓ પાસેથી હપ્તાની ઉઘરાણી આવા કારણથી તે હંમેશા ચર્ચામાં રહે છે. તેવામાં આ વાતને સાક્ષી પુરતો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા મિર્ચી મેદાનમાં પિચકારીના સિઝનેબલ સ્ટોરમાં એક વેપારી દુકાન ધરાવે છે. પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્કવોર્ડના કર્મચારીએ જઇને વેપારી પાસેથી મફત પિચકારી માંગી હતી. જો કે દુકાનદારે મફત પિચકારી આપવાનો ઇન્કાર કરતા કર્મચારીઓએ રાત્રે 10 વાગ્યા બાદ આવીને માર માર્યો હતો. તેવો આક્ષેપ વેપારી દ્વારા કરવામાં આવ્યો છે.
આ મુદ્દે વાડજ પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીઆઇ આર.એચ સોલંકીએ જણાવ્યું કે, રાત્રે દુકાન ચાલુ રાખવામાં આવી હતી. જેના કારણે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માર માર્યો કે મફત પિચકારી લેવા માટે ગયા તેની કોઇ વાત જ નથી. તેમ છતા પણ યોગ્ય તપાસ કરવામાં આવશે અને જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ અંગે ડીસીપી ઝોન -1 દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. ડીસીપી ઝોન-1 રવિન્દ્ર પટેલે જણાવ્યું કે, આવી કોઇ જ ઘટના મારા ધ્યાન પર આવી નથી.
આ અંગે વેપારીનો આરોપ છે કે, અમે દુકાનમાં આગળ પડદો પાડી દીધો હતો. જો કે માલસામાન ટેન્ટમાં જ હોવાનાં કારણે અમે અંદર જ રહીએ છીએ. કારીગરો સાથે રાત્રે બેઠા હોઇએ છીએ. જો કે અચાનક રાત્રે 10 વાગ્યે પોલીસ વાન આવી અને તેઓએ બોલાચાલી ચાલુ કરી હતી. પોલીસ સ્ટેશન લઇ જઇને ગુનો દાખલ કરી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. વેપારીઓનો આક્ષેપ છે કે પોલીસ વારંવાર આવીને તેમને રંઝાડ્યા કરે છે. નહી જેવા કારણોમાં અંદર કરી દઇશું ને જાહેર નામા ભંગના ગુના દાખલ કરવાની દાટી આપીને તોડ કર્યા જ કરતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે