'સસ્તુ' અનાજ 'સારું' નહીં! કલેક્ટર પર બગડ્યા રામ મોકરિયા, આપ્યા અનાજના નમુના, લીધો ઉધડો

સસ્તા અનાજમાં ભેળસેળ અંગે રાજુ જુંજા નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી. તેમણે ભગવતીપરા, રૈયા રોડ સહિત અલગ અલગ દુકાનમાંથી અનાજના સેમ્પલ એકત્ર કર્યા હતા. જે બાદ સાંસદ રામ મોકરિયાને વાત કરતા તેમણે કલેક્ટર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

'સસ્તુ' અનાજ 'સારું' નહીં! કલેક્ટર પર બગડ્યા રામ મોકરિયા, આપ્યા અનાજના નમુના, લીધો ઉધડો

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં સસ્તા અનાજના નામે લોકોને હલકી ગુણવત્તાનું અનાજ અપાતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠે છે. ત્યારે રાજકોટમાં  કલેક્ટરની અધ્યક્ષતામાં પુરવઠા વિભાગની બેઠક યોજાઈ હતી. જ્યાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પહોંચી ગયા. અને તેમણે હાથોહાથ હલકી ગુણવત્તાના અનાજના નમુના કલેક્ટરને જ પધરાવી દીધા. જેથી ક્યાંય કાચુ ન કપાય. રામ મોકરિયાએ રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી લીધેલા સેમ્પલ કલેક્ટરને સોંપ્યા હતા. અને કઈ જગ્યાએ ભેળસેળ થાય છે તે અંગે તપાસ કરાવવાની માગણી કરી હતી.

સસ્તા અનાજમાં ભેળસેળ અંગે રાજુ જુંજા નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી. તેમણે ભગવતીપરા, રૈયા રોડ સહિત અલગ અલગ દુકાનમાંથી અનાજના સેમ્પલ એકત્ર કર્યા હતા. જે બાદ સાંસદ રામ મોકરિયાને વાત કરતા તેમણે કલેક્ટર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે સાંસદ રામ મોકરિયાની ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજકોટમાં સસ્તા અનાજમાં ગેરરીતિના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ તરફ અનાજમાં ગેરરીતિ મુદ્દે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે સાંસદ રામ મોકરિયાનો આભાર માન્યો. સાથે જ પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના રાજમાં વર્ષોથી અનાજ કૌભાંડ થતા આવ્યા છે. કૌભાંડમાં ભાજપના નેતાઓની જ સંડોવણી બહાર આવે છે, પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. તેમણે વધુમાં કટાક્ષ કરતા કહ્યું કે, રામ મોકરિયાએ પહેલા તપાસી લેવું જોઈએ કે આ વખતે તો ભાજપના નેતાઓની સંડોવણી નથી ને...નહીંતર કોઈ કાર્યવાહી નહીં થાય.

સાંસદ રામ મોકરિયાએ ફરિયાદ કરી. કલેક્ટરે તપાસના આદેશ આપ્યા. જોકે હવે આ તપાસનું શું પરિણામ આવે છે તેના પર સૌની નજર છે. ખરેખર તપાસ કર્યા બાદ જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય છે કે નહીં તેને લઈને વિપક્ષ પણ સવાલ કરી રહ્યું છે. આ વખતે સાંસદની ફરિયાદ બાદ કેવા પગલા લેવાય છે તે જોવું મહત્વનું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news