નડિયાદમાં તરછોડાયેલી બાળકી મળી, શું બીમાર હોવાથી પરિવારે તેને રસ્તે રઝળતી મૂકી દીધી?
Trending Photos
નચિકેત મહેતા/નડિયાદ :માતાપિતા તથા સંબંધીઓ દ્વારા બાળકોને ત્યજી દેવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના સ્મિતને તરછોડાયા બાદ નડિયાદમાં બે થી અઢી વર્ષની બાળકીને તરછોડવાની ઘટના બની છે. નડિયાદમાંથી આશરે બે થી અઢી વર્ષની બાળકી મળી આવી છે. નડિયાદ ટાઉન પોલીસ દ્વારા બાળકીના વાલીવારસાની તપાસ શરૂ કરાઈ છે.
પોલીસ દ્વારા સીસીટીવીથી તપાસ શરૂ કરાઈ
નડિયાદના બાલ્કન જી બારી વિસ્તારમાંથી આ બાળકી બુધવારના રોજ મળી આવી હતી. બિનવારસી દેખાતી બાળકી વિશે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ચાઈલ્ડ લાઈનને લઈને ઘટના સ્થળે પહોંચી હતી. નડિયાદ ટાઉન પોલીસ દ્વારા આ બાળકીની ઓળખ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. બાળકી જે વિસ્તારમાંથી મળી આવી તે વિસ્તારના સીસીટીવી પોલીસ દ્વારા તપાસમાં આવી રહ્યાં છે. જોકે, પ્રાથમિક તપાસમાં બાળકી કોઈ ગરીબ પરિવારની હોવાનુ દેખાઈ આવ્યું છે. પણ આખરે બે થી અઢી વર્ષ રાખ્યા બાદ કેમ બાળકીને તરછોડવામાં આવી તે મોટો પ્રશ્ન છે. બાળકીને કોઈ બીમારી છે જેથી તેને ત્યજી દેવામા આવી હોય તેવી પણ શંકા છે.
શું બાળકીને હાર્ટની તકલીફ છે?
બાળકી શારીરિક રીતે અશક્ત હોવાથી તેને સૌથી પહેલા નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ બાળકની શારીરિક તપાસ કરવામાં આવી હતી. નડિયાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા જણાવ્યા મુજબ, બાળકને હાલ હૃદયની વધુ તપાસ માટે અમદાવાદ યુ.એન. મેહતામાં મોકલવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે