બેંક-ATM માંથી રૂપિયા કાઢીને રીક્ષામાં બેસતા પહેલા સાવધાન, નહિ તો થઈ શકે છે આવું

Navsari News બેંક અને ATM માંથી રૂપિયા ઉપાડી નીકળતા લોકોને નિશાન બનાવી, રિક્ષામાં બેઠા બાદ મુસાફરોના સ્વાંગમાં રૂપિયા મોબાઈલ ચોરી લેતી ટોળકી ઝડપાઈ 
 

બેંક-ATM માંથી રૂપિયા કાઢીને રીક્ષામાં બેસતા પહેલા સાવધાન, નહિ તો થઈ શકે છે આવું

Navsari Crime News ધવલ પારેખ/નવસારી : બેંક કે ATM માંથી રૂપિયા ઉપાડી નીકળતા લોકોને નિશાન બનાવી, રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસીને તેમની નજર ચૂકવી રોકડ, મોબાઈલ ચોરતી ટોળકીના ત્રણને નવસારી એલસીબી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કર્યા છે. આરોપીઓ પકડાતા આંતર જિલ્લા ચોરીઓનો ભેદ ઉકેલાયો છે.

નવસારી શહેરમાં બેંક કે ATM માંથી રોકડ રૂપિયા લઈને નીકળતા લોકોને રિક્ષામાં આવતી ટોળકી છેતરતી હોવાની ફરીયાદો વધતા જિલ્લા પોલીસ સતર્ક બની હતી. જેમાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બેંક અને ATM ના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. જેની સાથે જ શહેરમાં લગાવવામાં આવેલા નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજ મેળવી તમામનું એનાલીસિસ કરતા ઘણી જગ્યાએ સુરત પાસિંગની રિક્ષા ઓળખાય હતી. જેની વોચ દરમિયાન પોલીસે બાતમીને આધારે શહેરના ઝવેરી સડક પર આવેલા ચાંદની એપાર્ટમેન્ટ નજીકથી ઓળખ થયેલ સુરત પાસિંગની રિક્ષાને અટકાવી હતી. આ રીક્ષામાં બેસેલા ત્રણ યુવકોની શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસે તેમને ઝડપી આકરી પૂછપરછ કરી હતી. 

સઈદ શેખ, રઈસ ઉર્ફે લલ્લા શેખ અને ઇમરાન એહમદખાનને અટકમાં લઇ પૂછપરછ કરાઈ. જેમાં થોડા દિવસો અગાઉ નવસારીમાં એક યુવાનને રિક્ષામાં બેસાડી તેના પેન્ટના ખિસ્સામાંથી 15 હજાર ચોરી કર્યાં સાથે જ શહેરમાંથી 10 ચોરીઓ કબૂલી હતી. જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા ત્રણેય જણાએ નવસારી સહિત ચીખલી, વલસાડ, વાપી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, નર્મદા અને અમદાવાદ જેવા શહેરોમાં મુસાફરોના સ્વાંગમાં અન્ય મુસાફરોના રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 2 લાખની રિક્ષા, 20 હજાર રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ 2.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

નવસારી એલસીબી પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ સુરતના રહેવાસી છે અને તેઓ સુરતથી રિક્ષા ભાડે ફેરવવાના બહાને લાવતા હતા. રિક્ષામાં બે આરોપી પાછળ મુસાફરના સ્વાંગમાં બેસતા હતા. તેઓ બેંક કે ATM બહાર ઉભા રહીને જે ગ્રાહક રોકડ લઈ રિક્ષાની શોધ કરે એને ટાર્ગેટ કરીને બાદમાં મુસાફરના સ્વાંગમાં તેની સાથે બેસી તેની નજર ચૂકવી રોકડ કે મોબાઈલ ચોરી લેતા હતા. જોકે નવસારી પોલીસને હાથે ચઢ્યા બાદ આ ત્રણેય આરોપીઓ ગુજરાતના અલગ અલગ ગુનામાં જેલની હવા ખાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news