આ કયા એંધાણ છે? ગુજરાતની સ્થિતિને જોતા વાયુસેનાનું ગ્લોબ માસ્ટર પ્લેન સાથે NDRFની ટીમો ઉતરી
નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ઓડિસાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી એન.ડી.આર.એફની ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોચી હતી.
Trending Photos
તેજસ મોદી/સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેણા કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી છે. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ઓડિસાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી એન.ડી.આર.એફની ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોચી હતી.
એક ટીમ કમાન્ડર તથા પાંચ ઓફિસર અને 105 જવાનો સાથે રેસ્કયુ માટેના સાધન સરંજામ સાથે સુરત ખાતે બપોરે 1 વાગે આવી પહોચી હતી. દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં બચાવ અને રાહતની કામગીરીમાં વિશેષ સહયોગ મળી રહેશે. આ ટીમો કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા માટે સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ પાંચ ટીમોના કારણે આમ કેન્દ્ર અને રાજય સરકારના સંયુકત પ્રયાસોથી વર્તમાન વરસાદી આપદાને પહોંચી વળવા માટે સુસજ્જ છે. નવસારી શહેરના કાછીયાવાડી ગામ સહિત રંગૂનનગર જેવા નિચાણવાળા વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષથી વરસાદી પૂરના કારણે લોકોના ઘરોમાં 10 ફૂટ જેટલા પાણી ભરાય જાય છે અને ઘરવખરીને લાખો રૂપિયાનું નુકસાન જાય છે. ત્યારે આ વખતના પુરની સ્થિતિ આવતા અનેક લોકોને મોટું નુકસાન થયું છે. કાછીયાવાડીના 200 થી વધુ લોકોએ આક્રોશ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી પ્રોટેક્શન બનાવવાની માંગણી કરી છે.
નોંધનીય છે કે, નવસારીના કાછીયાવાડીમાં 4000 પરિવારો છે, ત્યારે પૂર્ણાં નદીમાં જ્યારે પણ ઘોડાપૂર આવે છે, ત્યારે 10 ફુટ સુધીના પાણી ભરાવાને એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે કે કોઈ મદદ કરવા પણ ન આવી શકે. દર વર્ષની મુસીબતથી થાકેલા લોકોએ આજે પુર ઓસરતા જ સંયમ ગુમાવ્યો હતો. અને જિલ્લા કલેક્ટર કચેરીએ અંદાજે 200 લોકો પહોંચ્યા હતા, જ્યાં તેમણે કલેક્ટર સામે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. કાછીયાવાડમાં પાછલા 30 વર્ષથી અનેક પાર્ટીઓએ પાલિકામાં અને વિધાનસભામાં શાસન ભોગવ્યું છતાં પણ તેમની સમસ્યા હલ કરવામાં કોઈ પણ રાજકીય પાર્ટીએ ઈચ્છા શક્તિ દાખવી નહીં હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.
સાથે કાલિયાવાડીના દેસાઈવાડથી કાછીયાવાડી સુધી એક પ્રોટેક્શન વોલ બનાવવાની માંગણી કરી હતી, તેમજ રસ્તા, ડ્રેનેજ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ છે તે પણ અત્યાર સુધી તેમને મળી નથી. જેથી વહીવટી તંત્ર પ્રાથમિક સુવિધાઓ પણ પુરી પાડે એવી માંગ કરી છે. સમગ્ર મામલે કલેક્ટર અમિત પ્રકાશ યાદવે તમામને શાંતિથી સાંભળ્યા હતા અને તેમને લેખિતમાં તેમની સમસ્યા આપવા માટે હૈયાધરપત આપી હતી.
વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે જિલ્લાના અનેક રોડ પર ખાડા પડી ગયા છે.. નેશનલ હાઈવે 48 પર પણ અનેક ખાડા પડી જવાને કારણે અકસ્માતનો સતત ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. વાપીથી ડુંગરા જતો માર્ગ પર બિસ્માર હાલતમાં થઈ ગયો છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આ રોડનું નિરીક્ષણ કર્યું હતું. અને તત્કાલિક PWDના અધિકારીઓને રસ્તાના સમારકામ માટે સુચના આપી હતી. નાણામંત્રીની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલા દિવસથી પડી રહેલ ધોધમાર વરસાદ ને લઇ જિલ્લા ના તમામ રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે. તદઉપરાંત નેશનલ હાઈવે 48 ઉપર પણ મોટા ખાડા પડવાથી કેટલા લોકોએ જીવ ખોવો પડ્યો છે. ત્યારે વાપીથી ડુંગરા જતો માર્ગની હાલત ખુબ જ ખરાબ હોય જેથી ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લાના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા એ આ તમામ રસ્તાનું સ્વયમ નિરીક્ષણ કર્યું હતું અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પીડબ્લ્યુડીના અધિકારીને આવશ્યક સૂચનાઓ આપી જલ્દીમાં જલ્દી આ તમામ માર્ગોનું સમાર કામ કરી લોકોને પડતી તકલીફ દૂર કરવા જરૂરી સુચન આપ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે