બાપુની ભૂમિ પર ડબલ મર્ડરની ઘટના, ગાડી અથડાવાની નાની અમથી વાત પર બેની હત્યા કરાઈ
Trending Photos
અજય શીલુ/પોરબંદર :પોરબંદરમાં મકરસંક્રાંતિના તહેવારની રાત્રિએ બે જૂથ વચ્ચે અથડામણ બાદ થયેલા ફાયરિંગમાં બે લોકોની હત્યા (crime news) થઈ છે. તો બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. શહેરમાં ભારે ચર્ચા જગાવનાર આ બનાવને લઇ પોલીસ દોડતી થઈ છે અને તાત્કાલિક ધોરણે 3 જેટલા આરોપીઓને હથિયાર સાથે રાઉન્ડ અપ પણ કરી લેવામાં આવ્યા છે.
અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં મકર સંક્રાંતિની રાત્રિએ કાર અકસ્માત (accident) બાદ સામાન્ય બોલાચાલીએ ગાળાગાળી અને ત્યાર હિંસક રૂપ ધારણ કરતાં બે જુથો આમને સામને આવી ગયા હતા. જેમાં ફાયરિંગમાં એક ગ્રુપના બે વ્યક્તિઓની હત્યા (murder) થઈ છે. જ્યારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. જેમાંથી એક વનરાજ કેશવાલાની તબિયત વધુ લથડતાં તેને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે.
બનાવના સ્થળની વાત કરીએ તો, શહેરમાં આવેલ વીર ભનુની ખાંભી પાસે આ બનાવ બન્યો હતો. જેમાં બે કાર એકબીજા સાથે અથડાયા બાદ બંને પક્ષે ગાળાગાળીથી મામલો બિચક્યો હતો. બાદમાં વાત ફાયરિંગ સુધી પહોંચી હતી. જેમાં બે વ્યક્તિની હત્યા કરાઈ હતી. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોરબંદર જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ફરિયાદ લેવા અને આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ આ મામલે જણાવ્યું હતું કે, કાર અથડાયા બાદ બોલાચાલી અને મારામારી બાદ પ્રાથમિક જાણકારી મુજબ એક જૂથના વ્યક્તિએ પાંચ-છ રાઉન્ડ ફાયરિંગ કર્યા છે. જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે અને બે લોકો સારવાર હેઠળ છે.
પોરબંદરમાં ભારે ચકચાર જગાવનાર આ બનાવના કારણ અને આરોપીઓ અંગે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે, હાલ અમે ત્રણ આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. આગળ ફરિયાદ અનુસાર તપાસ કરવામાં આવી રહી છે. આ લોકો એકબીજાને જાણતા હતા કે જૂની અદાવત હતી કે કેમ તે તપાસનો વિષય છે.
આ બનાવના આરોપીઓને પકડી પાડવા પોલીસ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. એલસીબીએ, એસ.ઓ.જી સહિતની ટીમ આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે, ત્યારે વહેલી તકે આરોપીઓ પોલીસના હાથે લાગશે તેવું હાલ તો લાગી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે