કાશ પટેલનું ગુજરાત કનેક્શન : ગુજરાતના આ નાનકડા ગામમાં પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Kash Patel director of FBI : ભારતીય મુળના કાશ પટેલ બન્યા અમેરિકન તપાસ એજન્સીના વડા....ગીતા પર હાથ રાખીને કાશ પટેલે લીધા શપથ....ડોનાલ્ડ ટ્રંપે કહ્યું આ પદ માટે શ્રેષ્ઠ વ્યક્તિ... મૂળ ગુજરાતી કાશ પટેલ એફબીઆઈનું નેતૃત્વ કરનાર ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ બન્યા... તેમનો પરિવાર મૂળ આણંદ પાસેના ભાદરણનો વતની છે
Trending Photos
US FBI Director Kash Patel Gujarat Connection બુરહાન પઠાણ/આણંદ : ભારતીય મુળના કાશ પટેલે અમેરિકન તપાસ એજન્સી FBIના ડિરેક્ટર તરીકેના શપથ લીધા. વોશિંગટનમાં વ્હાઈટ હાઉસમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં કાશ પટેલે ગીતા પર હાથ રાખીને શપથ લેતા ભારતીયોનું માથુ ગર્વથી ઉંચું થઈ ગયું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કાશ પટેલની પ્રશાંસા કરતા કહ્યું કે, આ પદ માટે આ વ્યક્તિ શ્રેષ્ઠ છે. કાશ પટેલ ખુબ જ મજબુત અને કઠોર વ્યક્તિ છે. અમેરિકામાં પણ કાશ પટેલે ભારતીય સંસ્કૃતિના વિચારો જાળવી રાખ્યા છે. કાશ પટેલ ભારતીય મુળના છે અને 1970ના દાયકામાં તેમનો પરિવાર ગુજરાતમાં રહેતો હતો.
કાશ પટેલનું ગુજરાત કનેક્શન
અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એફબીઆઈનાં ડાયરેકટર તરીકે કાસ પટેલની નિમણુંક કરતા કાશ પટેલનું ગુજરાત કનેકશન સામે આવ્યું છે. કાશ પટેલ મૂળ છ ગામ પાટીદાર સમાજનાં પાટીદાર પરિવારનાં છે. તેમજ તેમનું મૂળ ગામ આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકાનું ભાદરણ ગામ છે. તેમની અમેરિકામાં ઉચ્ચ પદે નિમણૂંકથી ભાદરણનાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે, અને ભાાદરણ ગામનાં લોકો કાશ પટેલ પર ગૌરવ અનુભવી રહ્યા છે.
કાશ પટેલના દાદા યુગાન્ડા શિફ્ટ થયા હતા
કાશ પટેલ મૂળ ભાદરણ ગામનાં વતની છે. તેમનાં દાદા ભાદરણ ગામનાં મહાદેવ વાળા ફળીયામાં રહેતા હતા અને આજથી 70 વર્ષ પૂર્વે કાશ પટેલનાં દાદા-પિતા સહિતનો પરિવાર યુગાન્ડા શિફ્ટ થયા હતા અને 1970માં યુગાન્ડામાં ઈદી અમીનનાં ભારતીયો પર અત્યાચારને લઈને યુગાન્ડા છોડી ભારત પરત આવ્યા હતા. ત્યારબાદ આ પરિવાર કેનેડા ગયો હતો. અને કેનેડાથી અમેરિકામાં સ્થાઈ થયા હતા. કાશ પટેલનો જન્મ અમેરિકામાં થયો છે. કાશ પટેલનું મૂળ નામ કશ્યપ છે, અને તેઓ કાશનાં નામથી અમેરિકામાં જાણીતા છે.
કાશ પટેલના પરિવારની વંશાવલી ગામમાં સચવાયેલી છે
કાશ પટેલનાં ભાદરણ ગામ સાથેનાં કનેકશન અંગે વાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ અને છ ગામ પાટીદાર સમાજનાં અગ્રણી રાજેશ પટેલએ કહ્યું હતું કે, છ ગામ પાટીદાર સમાજની વંશાવલી તેઓની પાસે છે. જેમાં ભાદરણની મોટી ખડકીનાં રહીશ તરીકે કાશ પટેલનાં પિતા પ્રમોદભાઈ તેમજ તેમનાં દાદા પરદાદાઓ સહીત સાતમી પેઢી સુધીના પૂર્વજોનાં નામ વંશાવલીમાં જોવા મળે છે. 1925માં છ ગામ પાટીદાર સમાજનાં મોતીભાઈ અમીને આ વંશાવળી તૈયાર કરી હતી અને ત્યારબાદ તેમાં નવી પેઢીઓનાં નામ ઉમેરાતા ગયા છે. તેમજ કાશ પટેલનાં પિતા દાદા પરદાદાનાં નામો જોતા કાશ પટેલ કુબેરદાસ સુંદરદાસ પટેલની નવમી પેઢીનાં વંશજ છે. કાશ પટેલનાં પિતા દાદાએ તેઓનું ખેતર અને મકાન વેચી નાખ્યું હતું. જો કે મહાદેવ વાળા ફળીયામાં તેઓનાં પૂર્વજોનું જે મકાન હતું ત્યાર હાલમાં મકાન નથી પરંતુ ધરથાળની જગ્યા આવેલી છે. કાશ પટેલનાં નજીકનાં કોઈ સગા હાલમાં ભાદરણ ગામમા નથી અને તમામ પરિવાર વિદેશમાં સ્થાઈ થયા છે. કાશ પટેલનાં પરદાદાનાં ભાઈની ત્રીજી પેઢીનાં કેટલાક વંસજો હાલમાં ભાદરણ ખાતે રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે