અમરેલીના SPની હાજરીમાં પાયલ ગોટીને માર મરાયો, વકીલ આનંદ યાજ્ઞિકે લગાવ્યો આરોપ

અમરેલી લેટરકાંડની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. આ કેસમાં દરરોજ નવા-નવા ઘટનાક્રમ બની રહ્યાં છે. આ વચ્ચે પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે અમરેલીના એસપી પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

 અમરેલીના SPની હાજરીમાં પાયલ ગોટીને માર મરાયો, વકીલ આનંદ યાજ્ઞિકે લગાવ્યો આરોપ

અમરેલીઃ ગુજરાતમાં અમરેલી લેટરકાંડનો મુદ્દો સૌથી ચર્ચામાં છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદાથી ચર્ચામાં આવેલા લેટરકાંડમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ ઘટનામાં હાઈકોર્ટના સીનિયર વકીલ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સામે ગંભીર આરોપ લગાવ્યા છે. હાઈકોર્ટના વકીલે કહ્યું કે જ્યારે આરોપીઓને માર મારવામાં આવ્યો તો પોલીસ અધિક્ષક સંજય ખરાટ હાજર હતા. 

હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું કે પાયલ ગોટી સહિતના આરોપીઓને મરજી વિરુદ્ધ ઉભા રાખી ફોટા પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એસઆઈટી ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા છે, એટલે અમે એસઆઈટીનો સ્વીકાર કરતા નથી. તેમણે કહ્યું કે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે પાયલના ઘરની બહાર પોલીસ ગોઠવી કયું રક્ષણ આપવા માંગો છો?

— Zee 24 Kalak (@Zee24Kalak) January 8, 2025

હાઈકોર્ટના એડવોકેટે કહ્યું કે અમારે પોલીસ રક્ષણની જરૂર નથી. ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવતા મુશ્કેલી પડી રહી છે. સાયબર સેલ, એસઓજી, ડીસીબી અને અમરેલી પોલીસના કર્મીઓ તથા અધિકારીઓએ દીકરીને મારી છે. તેમણે આ કેસની તપાસ આઈજી કક્ષાના અધિકારીઓને સોંપવાની માંગ પણ કરી છે. 

હાઈકોર્ટના વકીલે કહ્યું કે ડીજીને આગામી દિવસોમાં રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું. આ મામલે હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવામાં આવશે. માનહાની થવાની પણ અરજી કરવામાં આવશે. હાઈકોર્ટના વકીલે સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસ અધિક્ષક શંકાના ઘેરામાં છે. એટલે SITના DYSP કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માંગે છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 8, 2025

પાયલ ગોટીએ કુરિયર કર્યો લેટર
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદાથી જે નકલી લેટર બનાવવામાં આવ્યો હતો તે લેટર કુરિયર કરવા માટે પાયલ ગોટી પહોંચી હતી. પાયલ જે જગ્યાએ લેટર કુરિયર કરવા ગઈ હતી ત્યાંના સીસીટીવી વાયરલ થયા છે. લેટરકાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી સામે આવ્યા છે. આરોપી મનીષ વઘાસિયાએ આ લેટર કુરિયર કરવા માટે પાયલને મોકલી હતી. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર આરોપ લગાવવામાં આવ્યા હતા. સતત બે દિવસ સુધી પાયલે અલગ-અલગ કુરિયર કર્યાં હતા. કુરિયરનું પેમેન્ટ રોકડમાં અને ઓનલાઈન કર્યું હતું. 

શું છે આ ઘટના
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા ખોટા આરોપો લગાવાયા હતા, જેની પોલીસ ફરિયાદ થઈ હતી. આ કેસમાં સામેલ ચાર આરોપીઓમાં એક પાયલ ગોટી પણ હતી. પાયલની ધરપકડ થઈ હતી પરંતુ કોર્ટમાંથી તેને જામીન મળી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news