સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડુપ્લીકેટ ડીગ્રી કૌભાંડ મામલે ૩ આરોપીની ધરપકડ
Trending Photos
રક્ષિત પંડ્યા/ રાજકોટ: એ ગ્રેડ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું થોડા સમય પહેલા એક કૌભાંડ સામે આવ્યું હતુ જેમાં અન્ય યુનિવર્સિટીની બોગસ માર્કશીટના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથી કોલેજમાં પ્રવેશ આપી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે મામલે યુનીવર્સીટી દ્વારા તપાસ સમિતિની રચના કરી હતી, તપાસને અંતે ૪૧ વિદ્યાર્થીઓ સહીત ૨ ડોક્ટરની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું.
જેમાં મુખ્ય સુત્રધાર હોમિયોપેથી ડીપાર્ટમેન્ટના ડીન અને બી.આર ડાંગર કોલેજના પ્રિન્સીપાલ અમિતાભ જોશીનું નામ સામે આવ્યું હતું. રાજકોટ SOG પોલીસ દ્વારા તપાસ દરમિયાન આજ રોજ ડાંગર કોલેજના પ્રિન્સીપાલ અમિતાભ જોશી તેમજ રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતાના ભાઈ જનકભાઈ મેતા તેમજ કોલેજના જ અન્ય ટ્રસ્ટી દીપકભાઈ ડાંગરની ધરપકડ કરી ખંભાળિયાના ફરાર આરોપી ડોક્ટર કાદરી ને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથી કોલેજ કે જેમાં પ્રવેશ મેળવવા અન્ય યુનિવર્સિટીની માર્કશીટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપી દ્વારા અન્ય યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ રજૂ કરી પ્રવેશ મેળવવામાં આવતો હતો. અત્યાર સુધીમાં બોગસ માર્કશીટ આધારે ૪૩ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો જેમાં રાજકોટ ની બી.આર.ડાંગર કોલેજમાં ૩૩ વિદ્યાર્થી, બી.જી.ગરૈયા કોલેજમાં ૭ અને અમરેલીની વ્યાસ કોલેજમાં ૨ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યાનું સામે આવ્યું છે.
બોગસ ડીગ્રી મામલે આરોપીઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ૩ લાખ થી ૭ લાખ સુધી વસુલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ડાંગર કોલેજના પ્રિન્સીપાલ અને ટ્રસ્ટીની ધરપકડ બાદ બી.જી.ગરૈયા કોલેજ અને અમરેલીની વ્યાસ કોલેજના સંચાલકોની પૂછપરછ કરવામાં આવશે તેમાં તપાસ દરમિયાન કોઈ પુરાવા મળી આવશે તો તેના વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
બોગસ માર્કશીટ આધારે પ્રવેશ આપી થતા કૌભાંડના પર્દાફાશ બાદ પોલીસ ફરિયાદ તો કરવામાં આવી પરંતુ અહીં સવાલ એ છે કે પ્રવેશ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ ખરાઈ કેમ કરવામાં ન આવી..? આ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીશો ક્યાં હતા ? આવા અનેક સવાલો વચે યુનીવર્સિટીમાં એક બાદ એક કૌભાંડ સામે આવતા અહીં એ વાત તો સાબિત થાય છે કે યુનિવર્સિટીનું સમગ્ર તંત્ર લોલમલોલ ચાલી રહ્યું છે. ત્યારે આ કૌભાંડમાં આરોપી પકડાયા બાદ એક મોટો ખુલાસો થયો છે જેમાં ખોટી રીતે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસુલવામાં આવતા હતા ૬ વર્ષ દરમિયાન વસુલવામાં આવેલી કિંમત કરોડોમાં પહોચે તેમ છે ત્યારે પોલીસ દ્વારા આ મામલે ઇન્કમ ટેક્ષ વિભાગને પણ તપાસ અર્થે જાણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે