આ દ્રશ્યો તમારા રૂવાટાં ઉભા કરશે! કચ્છના નખત્રાણામાં બારે મેઘ ખાંગા! આ જિલ્લાઓમાં પણ ધમાકેદાર એન્ટ્રી
ગુજરાતના વાતાવરણમાં આવેલા બદલાવ બાદ શરૂ થયેલો કમોસમી વરસાદ કચ્છમાં સતત બીજા સપ્તાહ સુધી અવિરત રહેવા પામ્યો છે. ત્યારે કચ્છમાં આજે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે શહેરોની શેરીઓમાં નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે.
Trending Photos
Gujarat Monson 2023: ભરઉનાળે મેઘરાજા ધૂમ વરસી રહ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્ર અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. કચ્છના નખત્રાણામાં ભારે મેઘ ખાંગા થતાં રસ્તા પર જાણે નદીઓ વહેવા લાગી. પાણીના પ્રવાહમાં કોઝવે ગરકાવ થતાં ભુજ-નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ પર વાહન ચાલકો અટવાયા હતા. આ તરફ રાજકોટના જામકંડોરણામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જેમાં દૂધીવદર ગામે ભારે પવનના કારણે સ્મશાનના છાપરાં ઉડ્યા હતો.
તો આ તરફ જૂનાગઢના વંથલી પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો. બપોર બાદ અચાનક આવેલા વરસાદથી કેરી, ચીકુ સહિત બાગાયતી પાકને નુકસાન પહોંચ્યુ. તો ઉપલેટામાં સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે મૂશળધાર વરસાદ વરસ્યો. જેના કારણે કટલેરી બજાર, સિંધી માર્કેટ, જીરાપા પ્લોટ વિસ્તાર, કુતુબખાના સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. આ તરફ રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. જેમાં ભારે વરસાદના કારણે કેરાળી સહિતના ગામના ખેતરોમાં પાણી ભરાયા. સાથે જ અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા.
ગુજરાતના વાતાવરણમાં આવેલા બદલાવ બાદ શરૂ થયેલો કમોસમી વરસાદ કચ્છમાં સતત બીજા સપ્તાહ સુધી અવિરત રહેવા પામ્યો છે. ત્યારે કચ્છમાં આજે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે શહેરોની શેરીઓમાં નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. જ્યારે ભુજ-નખત્રાણા હાઈવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. બીજી બાજુ ચાર દિવસથી રાજ્યમાં અવિતર મેઘમહેર યથાવત છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારો, ડાંગ તેમજ સાબરકાંઠામાં મેઘ મહેર થવા પામી હતી.
કચ્છના નખરાત્રામાં તોફાની પવન અને ગાજવીજ સાથેના વરસાદે અનેક સ્થળે ખાના ખરાબી સર્જીના અહેવાલ છે. આજે બપોરે નખત્રાણા પંથકને રીતસરનું બાનમાં લીધું હતું. નખત્રાણામાં એકધારા પોણો કલાક સુધી સુસવાટા મારતા પવન સાથે વરસેલા વરસાદથી બે ઇંચ જેટલુ પાણી પડી ગયું હતું. કચ્છમાં ભર ઉનાળે ચોમાસા જેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. નખત્રાણા પથંકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણા શહેર પાણી-પાણી થઇ ગયું હતું. શેરીઓમાં જાણે કે નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
નખત્રાણા નગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો વરસાદ વચ્ચે વીજ તાર તૂટી પડતા ભય ફેલાયો હતો. ભૂજ લખપત માર્ગે ટ્રાફિક અવરોધાયો હતો. જિલ્લાના માંડવી તાલુકામાં પણ આજ ગુરુવાર સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જ્યારે લખપત તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ નદીઓ વહેતી થઈ હોવાનું સામે આવ્યું છે. ભુજ-નખત્રાણા-લખપત હાઇવે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. હાઇવે પરથી વહી રહેલા પાણીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
નખત્રાણા ઉપરાંત માંડવીના ગઢશીશાની આસપાસ પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કચ્છના લખપતમાં ધોધમાર વરસાદના કારણે કુંડી નામનો ધોધ જીવંત બન્યો હતો. ધોધના નયનરમ્ય દૃશ્યો જોવા માટે સહેલાણીઓ ઉમટ્યા હતા. એટલું જ નહીં, હવામાન વિભાગે આગામી 3 દિવસ હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં ગાજવીદ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 48 કલાક દરમ્યાન તાપમાન યથાવત રહેશે. જ્યારે 48 કલાક બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી વધી જશે.
વલસાડ- સાબરકાંઠા-દાહોદમાં વરસાદ
એવું નથી કે મેઘરાજા કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભરઉનાળે માવઠા થઈ રહ્યા છે. વલસાડના ધરમપુર અને ગ્રામ્ય વિસ્તારમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધરમપુર તાલુકાના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદથી કેરી સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે.
આ તરફ છોટાઉદેપુરના કવાંટ,પાવી જેતપુર,નસવાડીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. તો અરવલ્લીના મેઘરજમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન ફૂંકાવાના કારણે રસ્તા પરના હોર્ડિંગ્સ અને લગ્ન મંડપ તૂટી પડ્યા. સાબરકાંઠા અને દાહોદમાં વરસાદી માહોલ જામ્યો. વૈશાખમાં વરસાદ થતાં ક્યાંક લગ્ન પ્રસંગ બગડ્યા, તો ક્યાંક ખેડૂતોનો મોટાભાગનો પાક બગડ્યો છે.
સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સહિતનાં વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના!
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ ગુજરાતનાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતનાં વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાં છે. ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી તેમજ મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, તાપી, ડાંગ તેમજ વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ જોવા મળ્યો. રાજકોટના યાજ્ઞિક રોડ,કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ,ગોંડલ ચોકડી સામા કાંઠા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ તરફ અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત આઠ દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે