ભાઈબીજ કરીને પરત ફરતા પિતરાઈ ભાઈઓની કાર કૂવામાં ખાબકી, સવારે 3 ના મૃતદેહો બહાર કઢાયા

Accident News : પંચમહાલના મોરવા હડફના દેલોચ ગામમાં ગુરુવારની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ વ્યક્તિઓ સાથે તૂફાન ગાડી પાણી ભરેલા કૂવામાં ખાબકી હતી

ભાઈબીજ કરીને પરત ફરતા પિતરાઈ ભાઈઓની કાર કૂવામાં ખાબકી, સવારે 3 ના મૃતદેહો બહાર કઢાયા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલના મોરવા હડફના દેલોચ ગામમાં ગુરુવારની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ વ્યક્તિઓ સાથે તૂફાન ગાડી પાણી ભરેલા કૂવામાં ખાબકી હતી. જેમાં ફાયર વિભાગે 12 કલાકની ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહો બહાર કાઢ્યા હતા. બે પિતરાઈ ભાઈ સહિત ભાણિયા ભાઈબીજ મનાવીને પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. 

બન્યું એમ હતું કે, દાહોદ જિલ્લાના લીંબડી ગામે રહેતા અલ્કેશ કનુ ખોખર અને સુનીલ દિલીપ ખોખર બંને પિતરાઈ ભાઈ હતા. બંને યુવકો ભાણિયા માનગઢ લક્ષ્મણસિંહ રાવતને લઈને ભાઈબીજ કરવા બહેનના ઘરે દેલોચ ગામે ગયા હતા. ત્યાંથી ગુરુવારે મોડી સાંજે બંને ભાઈઓ તૂફાન ગાડી લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે ગાડીએ કાબૂ ગુમાવ્યો હતો. દેલોચ ગામથી લીંમડી ગામે જતા સમયે કાર 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી હતી. 

panchmahal_accident_zee.jpg

અકસ્માત થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. 70 ફૂટ ઊંડો કૂવો પાણીથી ભરેલો હતો, તેથી તૂફાન ગાડી કૂવાના પાણીમાં ગરકાવ થઈ હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાઈ હતી. ત્યાં સુધી સ્થાનિકોએ કુવામાંથી પાણી ખાલી કરવા સહિત રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. તો ગોધરા અને સંતરામપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમોએ મોડી રાત્રિ સુધી રેસ્ક્યુ કામગીરી કરી હતી. પરંતુ કૂવામાં પાણી ભરેલુ હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં વાર લાગી હતી, આખરે 12 કલાકની જહેમત બાદ તૂફાન ગાડી અને કાર સવારોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ત્રણેય લોકોના મોત નિપજ્યા હતા. 

panchmahal_accident_zee3.jpg

આ ઘટનાને પગલે રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ આખી રાત ફરજ પર હાજર રહ્યા હતા. જોકે, કૂવામાં પાણી ભરેલું હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં વિલંબ થયો હતો. 

બીજી તરફ, પરિવારના ત્રણ લોકોના નિધનના સમાચાર સાંભળીને ખોખર પરિવારમાં માતમ છવાયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news