આ રીતે રમશે શિક્ષક, તો કેવી રીતે ભણશે ગુજરાત? વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસમાં છોડીને ક્રિકેટ રમવા પહોંચ્યા શિક્ષકો

Controversy On Teacher Cricket Tournament : વલસાડના વાંકલમાં બાળકોના ભણતરનો ભોગે શિક્ષકોએ માણી ક્રિકેટની મોજ...જિલ્લાની પ્રાથમિક શાળાઓના 180 શિક્ષકોએ જોઈ ક્રિકેટ મેચ...ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મેચમાં હતા હાજર...

આ રીતે રમશે શિક્ષક, તો કેવી રીતે ભણશે ગુજરાત? વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસમાં છોડીને ક્રિકેટ રમવા પહોંચ્યા શિક્ષકો

Valsad News ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના 530 જેટલા શિક્ષકો ચાલુ શૈક્ષણીક કાર્ય દરમિયાન બે દિવસ ક્રિકેટ રમવા જતા વિવાદ સર્જાયો છે. શિક્ષકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ રખાતા બાળકોના બે દિવસ શૈક્ષણિક કાર્ય ખોરંભે પડ્યું હતું. જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ ક્રિકેટ માટે મંજૂરી આપતા અનેક સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે 7 અને 8 ફેબ્રુઆરીએ વલસાડના વાંકલમાં શિક્ષકોની ક્રિકેટ મેચ યોજાઈ હતી. જેમાં શાળા ચાલુ હોવા છતાં શિક્ષકો ક્રિકેટ મેચ રમવા ઉપડી ગયા હતા.     

વલસાડ જિલ્લાના છ તાલુકાના 180 શિક્ષક ખેલાડીઓ 250 જેટલા હોદ્દેદારો તેમજ 100 જેટલા સમર્થકો મળી 530 જેટલા શિક્ષકો દ્વારા 7 અને 8 ફેબ્રુઆના રોજ ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ દરમિયાન બાળકોનું શૈક્ષણિક કાર્ય ઠપ્પ રહ્યું હતું. વલસાડના વાકલ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શિક્ષકો દ્વારા ક્રિકેટની મજા લેવાય તો બાળકોનું ભણતર ક્યાંકને ક્યાંક ઠપ થઈ હતું. શિક્ષકોની ટુર્નામેન્ટ કારણે બાળકોનું શૈક્ષણિક કાર્ય બે દિવસ સુધી બંધ રહ્યું હતું. 

શિક્ષકો દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરવામાં આવતા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ક્રિકેટની પરવાનગી અપાઈ હતી. તો બીજી તરફ, જિલ્લા શિક્ષણ અધિકારી અન્ય કર્મચારીઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી ક્રિકેટ રમ્યા હતા. જોકે શિક્ષકો ઉપર કાર્યવાહીની જગ્યાએ તેઓ સાથે ક્રિકેટની મજા માણતા શિક્ષણ અધિકારી સામે વાલીઓએ રોષ ઠાલવ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા અમુક શરતોના આધીન પરવાનગી આપ્યા હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું. 

શિક્ષણના ભોગે શિક્ષકોની ક્રિકેટ મેચમાં નવો વળાંક આવ્યો છે. ઉદ્ધાટન મેચમાં ખુદ DPEO હાજર રહ્યા હતા. DPEO એ પણ બેટ પર હાથ અજમાવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખે શિક્ષકોના સમર્થનમાં નિવેદન આપ્યું છે. વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરે પટેલે જણાવ્યું કે, દર વર્ષે શિક્ષકો ક્રિકેટ રમે છે અને આ વર્ષે પણ મંજૂરી માંગી હતી અને મેં જ લેખિતમાં મંજૂરી અપાવી હતી. અને એ શરતે ક્રિકેટ રમવા કહ્યું હતું કે જે ભણતરનો ઈશ્યુ તો શનિવારે વધારે ક્લાસ લેવા અને બાળકોને અભ્યાસ કરાવવો. ક્રિકેટ મુદ્દે રાજનીતિ રમાઈ છે કોંગ્રેસ પાસે મુદ્દો નથી એટલે આવા આક્ષેપો કરે છે. શિક્ષકોને શરતી મંજૂરી આપી હતી અને તેઓ રમ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ પોતે પણ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news