લગ્નની તારીખનું મુહૂર્ત જોતા હોય તો વરસાદનું પણ મુહૂર્ત જાણી લેજો! આયોજકોએ આ વ્યવસ્થા આરંભી!

Gujarat Wedding Planners: સામાન્ય રીતે અક્ષય તૃતિયા સાથે જ લગ્નસરાનો પ્રારંભ થઈ જતો હોય છે. જોકે, આ વખતે 28 એપ્રિલ સુધી ગુરુ અસ્તનો હોવાથી લગ્નની સીઝનનો પ્રારંભ થઈ શક્યો નહોતો. લગ્નસરાના પ્રારંભ સાથે જ વરસાદ તૂટી પડતાં આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

લગ્નની તારીખનું મુહૂર્ત જોતા હોય તો વરસાદનું પણ મુહૂર્ત જાણી લેજો! આયોજકોએ આ વ્યવસ્થા આરંભી!

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં લગ્નસરાનો પ્રારંભ થઈ ગયો છે અને ત્યાં જ માવઠું પડતાં લગ્નનું આયોજન કરનારા ચિંતામાં મૂકાયા છે. આજે પણ કેટલાંક સ્થળોએ લગ્નપ્રસંગ વખતે જ વરસાદ તૂટી પડતાં આયોજકો અતિથિઓમાં ભારે દોડધામ મચી હતી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત માવઠું પડી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે લગ્નના આયોજકોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને પાર્ટી પ્લોટમાં લગ્ન લેનારાઓએ તાકીદે તાડપત્રી સહિતની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. આજે કેટલાક સ્થળોએ લગ્ન સમારંભોમાં ચાલી રહેલા ભોજન સમારંભ તથા ફુલેકાઓમાં વરસાદનું વિધ્ન આવતા આયોજકો મુશ્કેલીમાં મુકાવાની સાથે દોડધામ મચી જવા પામી હતી.

સામાન્ય રીતે અક્ષય તૃતિયા સાથે જ લગ્નસરાનો પ્રારંભ થઈ જતો હોય છે. જોકે, આ વખતે 28 એપ્રિલ સુધી ગુરુ અસ્તનો હોવાથી લગ્નની સીઝનનો પ્રારંભ થઈ શક્યો નહોતો. લગ્નસરાના પ્રારંભ સાથે જ વરસાદ તૂટી પડતાં આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

જેમણે પાર્ટી પ્લોટ કે ખુલ્લામાં લગ્ન નિધાર્યા છે તેમણે હોલના વિકલ્પ અંગે વિચારવાનું શરૂ કરી દીધું હતું. મે મહિનામાં લગ્નના 4, 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 એમ કુલ 14 દિવસ લગ્નના મુહૂર્ત છે.

વર્ષ 2023માં લગ્નના આગામી મુહૂર્ત...
મે મહિનામાં... 4, 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30
જૂન મહિનામાં.... 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27
નવેમ્બર મહિનામાં... 23, 24, 27, 28, 29
ડિસેમ્બર મહિનામાં... 5, 6, 7, 8, 9, 11, 15

આગામી ત્રણ કલાક ખુબ જ ભારે!
આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે કે, અમદાવાદ, ગાંધીનગર,  બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા,  પાટણ,  અરવલ્લી,  ભરૂચ, ભાવનગર,  ડાંગ, કચ્છ,  રાજકોટ,  દેવભૂમિ દ્વારકા,  રાજકોટ, મોરબી,  જામનગર,  બોટાદ,  સુરેન્દ્રનગર,  જામનગર,  અમરેલી, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે, એટલું જ નહીં, હળવા વરસાદ સાથે 40 km/h ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુજરાત માટે આગામી 5 દિવસની આગાહી કરીને જણાવ્યું હતું કે, રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના બાકીના વિવિધ ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે. 30મી એપ્રિલે રાજ્યના અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે કેટલીક બાબતોની કાળજી રાખવાની પણ સલાહ આપી છે.

વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે ડૉ. મોહંતીએ જણાવ્યું કે, તાપમાન સામાન્ય કે સામાન્ય કરતા નીચું નોંધાઈ શકે છે. આગામી 1 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર સહિત અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરામાં હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજ દિવસે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news