અહો આશ્ચર્યમ! મરાઠવાડા બીડ જિલ્લામાં આંખ મારવા બદલ 3 વર્ષની સજા

બીડ જિલ્લા કોર્ટ દ્વારા કિશોરીની છેડતી કરવાના હેતુ સાથે આંખ મારવાના આરોપીને 7 સાક્ષીઓના પુરાવાના આધારે જજ દ્વારા 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે

અહો આશ્ચર્યમ! મરાઠવાડા બીડ જિલ્લામાં આંખ મારવા બદલ 3 વર્ષની સજા

મરાઠવાડાઃ રાજસ્થાનના મરાઠવાડાના બીડ જિલ્લામાં આંખ મારવા બદલ આરોપીને જિલ્લા કોર્ટ દ્વારા 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. બીડ જિલ્લાની રાયમોહા સડક પર 20 એપ્રિલ, 2017ના રોજ એક 16 વર્ષની કિશોરી ચાલતી જઈ રહી હતી. આ કિશોરીનો ટાકલગાંવના એક વ્યક્તિ પુરુષોત્તમ જ્ઞાનદેવ વીર (24 વર્ષ) નામની વ્યક્તિએ પીછો કર્યો હતો અને પછી એ કિશોરીને એકીટસે જોવા લાગ્યો હતો તથા ત્યાર બાદ કિશોરીને આંખ મારી હતી.

બીડ જિલ્લાના પાટોદા પોલીસ સ્ટેશનમાં કિશોરીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના અંતર્ગત પુરુષોત્તમ જ્ઞાનદેવ વીર સામે પોલીસે કેસ દાખલ કર્યો હતો. પોલીસે છેડતી અંગેની આઈપીસીની કલમ 354(બી) અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. આ અંગે પોલીસે તપાસ કરીને બીડ જિલ્લા કોર્ટમાં પુરાવા સાથે કેસ દાખલ કર્યો હતો. જિલ્લા અને સત્ર ન્યાયાધિશ પ્રાચી કુલકર્ણીની કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી, જેમાં 7 વ્યક્તિએ સાક્ષી તરીકે જુબાની આપી હતી.

સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે આરોપીને 3 વર્ષની જેલ અને રૂ.500નો દંડ ફટકાર્યો છે. જો રૂ.500 દંડ ન ભરવામાં આવે તો વધુ એક મહિનો જેલમાં કાપવાનો રહેશે. સરકારી મદદનીશ વકીલ સંગીતા ધસેએ આ અંગે જણાવ્યું કે, આંખ મારવાના કેસમાં 3 વર્ષની જેલની સજા દેશની પ્રથમ ઘટના હશે. તેનાથી મહિલાઓની છેડતી કરનારા લોકોને બોધપાઠ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news