VIDEO : ઘરમાં ઘુસેલા લુટારૂઓને વૃદ્ધ દંપતિએ ભણાવ્યો પાઠ, મારી-મારીને ભગાડ્યા
વયોવૃદ્ધ દાદા રાત્રે ભોજન કરીને બહાર પેસેજમાં આરામ કરી રહ્યા હતા ત્યાં જ લુટારૂઓએ પાછળથી આવીને કપડા વડે તેમનું ગળું દબાવી દીધું, પરંતુ ત્યાર પછી જે થયું કે લુટારાને ઊભી પુછડીએ ભાગવું પડ્યું હતું
Trending Photos
ચેન્નાઈઃ રાતના સમયે ઘરની ચારેકોર ભેંકાર વાતાવરણ હોય અને વયોવૃદ્ધ દંપતિ એકલું ઘરમાં હોય. દૂર-દૂર સુધી તેમનો અવાજ સાંભળનારું પણ કોઈ ન હોય. આ બધી બાબતોનો ફાયદો ઉઠાવીને બે લૂંટારાએ ધારદાર હથિયાર સાથે તેમના પર હુમલો કરી દીધો. તમે શું વિચારો છો કે લુંટારા ફાવી ગયા હશે?
વયોવૃદ્ધ દંપતિએ તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા યુવાન અને મજબૂત બાંધાના લુંટારૂથી ડરવાના બદલે હિંમતપૂર્વક તેમનો સામનો કર્યો અને તેમને ઊભી પૂંછડીએ ભાગી છુટવા માટે મજબૂર કરી દીધા હતા. સમાચાર એજન્સી ANIમાં આવેલા વીડિયો અનુસાર વયોવૃદ્ધ દાદા તેમના રાત્રે જમી-પરવારીને ઘરની બહાર પેસેજમાં આરામ કરી રહ્યા છે. એટલામાં એક વ્યક્તિ તેમની પાછળથી આવીને કપડા વડે તેમનું ગળું દબાવી દે છે.
વયોવૃદ્ધ દાદા જોરથી ચીસ પાડીને ઘરમાં રહેલી તેમની પત્નીને બોલાવે છે. પત્ની જ્યારે બહાર આવીને જૂએ છે તો જરા પણ ડર્યા વગર નજીકમાં પડેલા ચપ્પલ ઉઠાવીને એક-પછી એક દાદાનું ગળું દબાવી રહેલા લુટારૂને મારવા લાગે છે. આથી, ડરી ગયેલો લુટારૂ દાદાને છોડી દે છે. એટલે દાદા જે પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા છે, તેને ઊંચકીને સીધા જ લુટારૂને મારવા દોડે છે. સામેની તરફથી બીજો લુટારૂ પણ મારવા આવે છે.
#WATCH Tamil Nadu: An elderly couple fight off two armed robbers who barged into the entrance of their house & tried to strangle the man, in Tirunelveli. The incident took place on the night of August 11. (date and time mentioned on the CCTV footage is incorrect) pic.twitter.com/zsPwduW916
— ANI (@ANI) August 13, 2019
તેમના હાથમાં નાળિયેર કાપવાનો મોટો છરો હોય છે. દાદાની પ્લાસ્ટિકની ખુરશી પર આ છરા સાથે અથડાઈને તુટી જાય છે. તેમ છતાં દાદા હિંમત હારતા નથી. આ બાજુ વૃદ્ધ મહિલા પણ નજીકમાં પડેલું પ્લાસ્ટિકનું ટેબલ અને ખુરશી લુટારૂ પર છૂટી ફેંકે છે. લુંટારૂઓ હજુ પણ ભાગતા નથી. એટલે વૃદ્ધ મહિલા નજીકમાં પડેલી લોખંડની ખુરશી હાથમાં ઊંચકીને સીધા જ લુંટારૂની તરફ દોડે છે. વૃદ્ધ પણ તુટેલી ખુરશીના પાયા લઈને લુંટારૂઓને મારવા લાગે છે.
પછી શું હતું, વૃદ્ધ દંપતિનો આટલો બધો પ્રતિકાર જોઈને યુવાન લુંટારૂ પણ હિંમત હારી જાય છે અને ઊભી પૂંછડીએ ભાગી જાય છે. વૃદ્ધ મહિલા આટલેથી જ અટકતા નથી અને સીધા જ ઘરમાં મોબાઈલ લેવા દોડે છે. પછી યાદ આવે છે કે, મોબાઈલ પણ બહાર ટેબલ પર પડ્યો છે તો ફરી પાછા આવીને મોબાઈલમાં પોલીસને ફોન જોડવા લાગે છે.
દેશ-વિદેશના સમાચાર માટે જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે