નાણાકિય વર્ષ બદલવાથી શેરબજારથી માંડીને આમ આદમી પર કેટલી અસર પડશે? જાણો....
નરેન્દ્ર મોદી સરકાર બોલ્ડ નિર્ણયો લેતી આવી છે, અચાનક નોટબંધી, પછી જીએસટી, તાજેતરમાં જ 10 ટકા આર્થિક અનામત લાગુ કર્યા બાદ હવે ભાજપ સરકાર નાણાકિય વર્ષ બદલવાની તૈયારી કરી રહી હોવાના સમાચાર વહેતા થયા છે
Trending Photos
નવી દિલ્હીઃ આપણા દેશમાં નાણાકિય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું ગણતરીમાં લેવાય છે. ટૂંક સમયમાં જ મોદી સરકાર તેને બદલવાની પણ તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર હવે નવું નાણાકિય વર્ષ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર કરી શકાય એમ છે. વર્તમાન બજેટમાં સરકાર તેની જાહેરાત કરી શકે છે. જો આમ થયું તો સમગ્ર સરકારી કામકાજ બદલાઈ જશે. તેની સાથે જ તેની અસર અનેક બાબતો પર પડશે. સામાન્ય જનતા અને ઘરેલુ શેરબજાર પણ તેની અસરમાં આવશે.
હકીકતમાં વિદેશમાં અનેક ટોચના અર્થતંત્રોનું નાણાકિય વર્ષ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર હોય છે. વૈશ્વિક અર્થતંત્ર સાથે તાલ મિલાવવા માટે મોદી સરકાર આ મોટો નિર્ણય લઈ શકે છે. નાણાકિય વર્ષ બદલવાની સૌથી પહેલી અસર સામાન્ય બજેટ રજૂ કરવાની તારીખ બદલાઈ જશે. આવો જાણીએ બીજી કેટલા ક્ષેત્રો પર કેવી અસર થઈ શકે છે...
FIIની રોકાણ સાઈકલ થશે પ્રભાવિત
આસિફ ઈક્બાલના જણાવ્યા અનુસાર ભારતીય સ્ટોક માર્કેટમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોની સૌથી મોટી ભૂમિકા છે. નાણાકિય વર્ષ બદલવાથી ભારતીય શેરબજાર માટે પણ વિદેશી રોકાણકારોની સાઈકલ બદલાઈ જશે. આવી સ્થિતિમાં તેમના રોકાણનો સીધો ફાયદો બજારને મળશે. હકીકતમાં, ડિસેમ્બર અને જાન્યુઆરીનો મહિનો વિદેશી બજારો માટે અત્યંત મહત્વનો હોય છે.
કેમ કે, ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારો રજા પર જાય છે અને જાન્યુઆરીમાં પાછા ફરે છે. ભારતમાં નાણાકિય વર્ષની તારીખ બદલવાથી શેરબજારનો ટ્રેડ એકદમ એવો જ રહેશે. જોકે, ભારતીય બજારો માટે જાન્યુઆરીમાં વિદેશી રોકાણકારોનું પાછા ફરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
GDP વિકાસ દરનું અનુમાન લગાવવું સરળ બનશે
નાણાકિય વર્ષ બદલવાથી દેશની જીડીપીના વિકાસ દરનું અનુમાન લગાવવું પણ સરળ બનશે. હકીકતમાં અત્યાર સુધી ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેન્ક GDP ગ્રોથનું અનુમાન વાર્ષિક ધોરણે લગાવે છે. એટલે કે, તેઓ સમગ્ર વર્ષનું અનુમાન બહાર પાડે છે. તેની સામે ભારતની RBI દેશના GDP ગ્રોથનું અનુમાન નાણાકિય વર્ષના આધારે લગાવે છે. એટલે કે એપ્રિલથી માર્ચ દરમિયાન કેટલો વિકાસ દર રહેશે. નાણાકિય વર્ષ બદલવાથી આ બંને વચ્ચે તાલમેન સારો બેસશે અને દેશના વિકાસ દરનું અનુમાન લગાવવું પણ વધુ સરળ બની જશે.
કંપનીઓએ બદલવી પડશે પેટર્ન
શેરબજાર સાથે જોડાયેલી કંપનીઓએ પણ પોતાનું પ્લાનિંગ બદવું પડશે. નાણાકિય વર્ષ બદલવાથી કંપનીઓને પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં ફેરફાર કરવો પડશે. સાથે જ તેમણે નવા નાણાકિય વર્ષ અનુસાર ફાઈલિંગ કરવાનું રહેશે. નાણાકિય વર્ષ બદલાવાથી કંપનીઓના ઓડિટમાં તેજી આવે એવી સંભાવના છે.
ટેક્સનું પ્લાનિંગ પણ બદલાશે
નિષ્ણાતોના મતે નાણાકિય વર્ષ બદલાઈ જવાથી તમામ કરદાતાઓએ પોતાના ટેક્સનું પ્લાનિંગ પણ બદલવું પડશે. અત્યાર સુધી માર્ચ મહિનાના અંતમાં ટેક્સનું પ્લાનિંગ થતું હતું. ત્યાર બાદ લોકો પોતાનું ટેક્સ રિટર્ન ફાઈલ કરતા હતા. હવે એપ્રિલના બદલે તેમણે ડિસેમ્બરમાં જ ટેક્સનું પ્લાનિંગ શરૂ કરવું પડશે.
રિટર્ન ફાઈલની તારીખ બદલાશે
અત્યાર સુધી નાણાકિય વર્ષ શરૂ થયા બાદ જુલાઈ સુધી ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું રહેતું હતું. જો નાણાકિય વર્ષ બદલાશે તો ટેક્સ રિટર્નની તારીખોમાં પણ ફેરફાર થઈ જશે. આવી સ્થિતિમાં નોકરિયાત વર્ગે નવેમ્બરના અંત સુધીમાં રોકાણના પુરાવા જમા કરવાના રહેશે અને રિટર્ન પણ માર્ચ સુધી ફાઈલ કરવાનું રહેશે. રિફંડ આવતા જુલાઈ મહિનો નિકળી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે