CBIના પૂર્વ વચગાળાના નિર્દેશક નાગેશ્વર રાવને આખો દિવસ કોર્ટમાં ઊભા રહેવાની સજા
કોર્ટનું અપમાન કરવાના એક કેસમાં સીબીઆઈના પૂર્વ વચગાળાના નિર્દેશક નાગેશ્વર રાવને દોષી ઠેરવવામાં આવ્યા છે, ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, લીગલ એડવાઈઝરે જણાવ્યું હતું કે, એ.કે. શર્માની ટ્રાન્સફર કરતાં પહેલાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને મંજૂરી માગવામાં આવે, પરંતુ એવું શા માટે કરાયું નહીં. નાગેશ્વર રાવને કોર્ટે રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો છે
Trending Photos
નવી દિલ્હીઃ કોર્ટનું અપમાન કરવાના કેસમાં સીબીઆઈના પૂર્વ વચગાળાના નિર્દેશક નાગેશ્વર રાવને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસે મંગળવારે સુનાવણી દરમિયાન નાગેશ્વર રાવને દોષીત ઠેરવ્યા હતા. સાથે જ તેમને સજા તરીકે આખો દિવસ કોર્ટમાં ઊભા રહેવાનો પણ આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમને રૂ.1 લાખનો દંડ પણ ફટાકરાયો છે. સુપ્રીમ કોર્ટે તેમને અંગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
સીબીઆઈ તરફથી એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે દલીલો રજુ કરી હતી કે, નાગેશ્વર રાવે માફી માગી છે અને તેમણે જાણી જોઈને કોર્ટનું અપમાન કર્યું નથી. ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, લીગલ એડવાઈઝરે જણાવ્યું હતું કે, એ.કે. શર્માની ટ્રાન્સફર કરતાં પહેલાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને મંજૂરી માગવામાં આવે, પરંતુ એવું શા માટે કરાયું નહીં.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નારાજગી સાથે જણાવ્યું કે, નાગેશ્વર રાવ સુપ્રીમ કોર્ટનો જૂનો આદેશ જાણતા હતા. એટલા માટે જ તેમણે લીગલ વિભાગ પાસે સલાહ માગી હતી અને લીગલ એડવાઈઝરે તેમને સલાહ આપી હતી કે એ.કે. શર્માની બદલી કરતાં પહેલાં સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવીટ દાખલ કરીને મંજૂરી માગવાની રહેશે, તેમ છતાં તેમણે એવું કર્યું નથી.
આ અગાઉ એમ. નાગેશ્વર રાવે સોમવારે સ્વીકાર્યું કે, સીબીઆઈના વચગાળાના પ્રમુખ તરીકે તપાસ એજન્સીના પૂર્વ સંયુક્ત નિર્દેશક એ.કે. શર્માની બદલી કરીને તેમણે 'ભૂલ' કરી છે. તેમણે આ અંગે સુપ્રીમ કોર્ટની માફી માગતા જણાવ્યું કે, ટોચની અદાલતના આદેશોનું ઉલ્લંઘન કરવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો.
ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતના આદેશનું ઉલ્લંઘન કરીને શર્માની એજન્સીથી બહાર બદલી કરવા માટે 7 ફેબ્રુઆરીના રોજ કોર્ટે સીબીઆઈને ઠપકો આપ્યો હતો અને રાવને 12 જાન્યુઆરીના રોજ વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો હતો. શર્મા એ સમયે બિહારમાં બાલિકા ગૃહ કેસની તપાસ કરી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે