Afghanistan: આતંકના ચુંગલમાંથી બચીને 392 લોકો ભારત પહોંચ્યા, અફઘાન સાંસદોએ ભાવુક થઈ કહ્યું- Thank You
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જોતા ભારત કાબુલથી પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નોમાં સફળ થઈ રહ્યું છે. જે હેઠળ 3 ફ્લાઈટ દ્વારા 2 અફઘાન સાંસદો સહિત 392 લોકોને રવિવારે દેશ પાછા લાવવામાં આવ્યા.
Trending Photos
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જોતા ભારત કાબુલથી પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નોમાં સફળ થઈ રહ્યું છે. જે હેઠળ 3 ફ્લાઈટ દ્વારા 2 અફઘાન સાંસદો સહિત 392 લોકોને રવિવારે દેશ પાછા લાવવામાં આવ્યા. આ બધા વચ્ચે કતારમાં ભારતીય દૂતાવાસે રવિવારે સાંજે કહ્યું કે 146 ભારતીય નાગરિકો જેમને અફઘાનિસ્તાનથી કાઢીને દોહા લાવવામાં આવ્યા હતા તેમને રવિવારે રાતે પાછા લાવવામાં આવ્યા છે.
હિંડન એરબેસ પર લાવવામાં આવ્યા
ભારતીય વાયુસેનાના સી-17 સૈન્ય પરિવહન વિમાન દ્વારા 107 ભારતીયો અને 23 અફઘાન શીખો તથા હિન્દુઓ સહિત કુલ 168 લોકોને સવારે કાબુલથી દિલ્હી નજીકના હિંડન એરફોર્સ બેસ પર લાવવામાં આવ્યા. અધિકારીઓએ કહ્યું કે 87 ભારતીયો અને 2 નેપાળી નાગરિકોના એક અન્ય ગ્રુપને દુશામ્બેથી એર ઈન્ડિયાના એક સ્પેશિયલ વિમાનથી પાછા લાવવામાં આવ્યા. તેના એક દિવસ પહેલા તેમને ભારતીય વાયુસેનાના એક વિમાન IAF 130J દ્વારા તાઝાકિસ્તાનની રાજધાની દુશામ્બે લઈ જવાયા હતા.
અનેક દેશોની મદદથી ભારત પહોંચ્યા લોકો
આ બધા વચ્ચે અમેરિકા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) ના વિમાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલથી દોહા લાવવામાં આવેલા 135 ભારતીયોના એક સમૂહને વિશેષ વિમાનથી દોહાથી દિલ્હી લાવવામાં આવ્યા. ભારતે અમેરિકા, કતાર, તાઝાકિસ્તાન અને અન્ય મિત્ર દેશો સાથે સમન્વય સ્થાપિત કરીને અફઘાનિસ્તાનથી લોકોને બહાર કાઢવાનું અભિયાન ચલાવ્યું છે. કતારમાં ભારતીય મિશને રાતે લગભગ આઠ વાગે ટ્વીટ કરીને કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી ભારતીયોને પાછા લાવવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનથી દોહા લાવવામાં આવેલા 146 ભારતીય નાગરિકોના બીજા સમૂહને ભારત લાવવામાં આવી રહ્યા છે.
અફઘાની સાંસદોએ આભાર માન્યો
અફઘાનિસ્તાનથી લોકોને બહાર કાઢવાના અભિયાનથી માહિતગાર અધિકારીઓએ જણાવ્યું કે કાબુલથી લાવવામાં આવેલા 168 લોકોના ગ્રુપમાં અફઘાન સાંસદો અનારકલી ઓનારયાર(Anarkali Kaur Honaryar) અને નરેન્દ્ર સિંહ ખાલસા (Narendra Singh Khalsa) તથા તેમના પરિવાર પણ સામેલ છે. ખાલસાએ દિલ્હીની નજક હિંડન એરબેસ પર પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે ભારત અમારું બીજું ઘર છે, ભલે અમે અફઘાન છીએ અને તે દેશમાં રહીએ છીએ પરંતુ લોકો હંમેશા અમને હિન્દુસ્તાની કહે છે. મદદ માટે હાથ આગળ વધારવા બદલ હું ભારતનો આભાર માનું છું.
ભારત પહોંચીને ભાવુક થયેલા ખાલસા બોલ્યા કે 'મને રડવાનું મન થાય છે. બધુ સમાપ્ત થઈ ગયું. દેશ છોડીવો આ એક ખુબ જ કપરો અને દર્દનાક નિર્ણય છે. અમે આવી સ્થિતિ જોઈ નથી. બધુ છીનવી લેવાયું છે. બધુ ખતમ થઈ ગયું.' રવિવારે લોકોને બહાર કાઢવાની સાથે જ કાબુલથી ભારત દ્વારા બહાર કાઢવામાં આવેલા લોકોની સંખ્યા ગત સોમવારે લગભઘ 590 સુધી પહોંચી ગઈ.
સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો
ભારતમાં અફઘાનના રાજદૂત ફરીદ મામુન્દજઈ (Farid Mamundzay) એ સમર્થનના સંદેશો માટે ભારતીય મિત્રોને ટ્વિટર પર આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે હું છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી, છેલ્લા 7-8 દિવસમાં અફઘાનોની પીડા પર તમામ ભારતીય મિત્રો અને નવી દિલ્હીમાં રાજનયિક મિશનના સહાનુભૂતિ અને સમર્થન સંદેશાઓને બિરદાવું છું. તેમણે કહ્યું કે તેમનો દેશ એક કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને ફક્ત સારા નેતૃત્વ, સહાનુભૂતિપૂર્ણ વલણ અને અફઘાન લોકો માટે આંતરરાષ્ટ્રીય સમર્થનથી જ મુસીબતોનો અંત થશે.
આવેલા લોકો વિદેશી કંપનીના કર્મચારી છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ વિમાનના હિંડન પર ઉતરવાના ગણતરીના કલાકો પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતીયોને પાછા લાવવાનું મિશન ચાલુ છે. ભારતના 107 નાગરિકો સહિત 168 મુસાફરો ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનથી કાબુલથી દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. એવું કહેવાય છે કે કાબુલથી દોહા લાવવામાં આવેલા ભારતીય અફઘાનિસ્તાન સ્થિત અનેક વિદેશી કંપનીઓના કર્મી છે.
મદદ માટે આવ્યા 2000થી વધુ ફોન
વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર માટે તાત્કાલિક પ્રાથમિકતા અફઘાનિસ્તાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અંગે સટીક સૂચના મેળવવાનું છે. મંત્રાલયે ભારતીયો સાથે જ તેમના એમ્પલોયર્સને પણ અપીલ કરી છે કે તેઓ સ્પેશિયલ અફઘાનિસ્તાન સેલ સાથે જરૂરી જાણકારી તત્કાળ શેર કરે. સૂત્રોએ કહ્યું કે આ સેલને 2000થી વધુ ફોન કોલ આવ્યા છે અને આ સેલના ઓપરેશનના પહેલા પાંચ દિવસ દરમિયાન 6000થી વધુ લોકોએ વોટ્સએપ પર રિપ્લાય કર્યો છે. આ સાથે સેલે 1200થી વધુ ઈમેઈલનો જવાબ પણ આપ્યો છે.
(અહેવાલ સોર્સ- ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે