'નખરા બતાવતા' સહયોગીઓને રાહુલ ગાંધીએ આંખ ફેરવીને સંભળાવી દીધુ, જાણો શું કહ્યું?

આગામી લોકસભા ચૂંટણીને જોતા સ્થાનિક પક્ષો સતત કોંગ્રેસ પર દબાણ વધારી રહ્યાં છે. સ્થાનિક પક્ષો ઈચ્છે છે કે સીટોની વહેંચણીમાં તેઓ પોતપોતાનો કક્કો ખરો કરશે અને કોંગ્રેસ સહયોગીની ભૂમિકામાં રહે.

'નખરા બતાવતા' સહયોગીઓને રાહુલ ગાંધીએ આંખ ફેરવીને સંભળાવી દીધુ, જાણો શું કહ્યું?

પટણા: આગામી લોકસભા ચૂંટણીને જોતા સ્થાનિક પક્ષો સતત કોંગ્રેસ પર દબાણ વધારી રહ્યાં છે. સ્થાનિક પક્ષો ઈચ્છે છે કે સીટોની વહેંચણીમાં તેઓ પોતપોતાનો કક્કો ખરો કરશે અને કોંગ્રેસ સહયોગીની ભૂમિકામાં રહે. આવા પક્ષોને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેમની પાર્ટી પોતાના હિતોનું ધ્યાન રાખીને જ ગઠબંધન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્ય કોંગ્રેસ શાખાઓને ખાતરી અપાવી કે ગઠબંધન બનાવતા સમયે પાર્ટીના હિતો સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરાશે નહીં. બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિ( બીપીસીસી)ના કાર્યકારી અધ્યક્ષ કૌકબ કાદરીએ શનિવારે આ જાણકારી આપી હતી. 

તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે એ વાત પર ભાર મૂક્યો કે રાજ્યમાં પાર્ટીને મજબુત કરવાની બાબતને ટોચની પ્રાથમિકતા આપવામાં આવશે. ગાંધીએ આ ટિપ્પણી બીપીસીસીના ટોચના પદાધિકારીઓની બેઠક દરમિયાન કરી. આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રદેશ કોંગ્રેસને ફરીથી ગઠિત કરવામાં આવી હતી. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલ પણ આ બેઠકમાં સામેલ હતાં. 

કાદરીએ ફોન પર કહ્યું કે 'તેમણે (રાહુલ ગાંધી) સ્પષ્ટ કર્યુ છે કે ચૂંટણી પહેલા બીજી પાર્ટીઓ સાથે કોઈ પણ પ્રકારની ભાગીદારી પાર્ટીને મજબુત કરવા સંબંધે કરવી જોઈએ અને ગઠબંધનના સાથીઓને દિલાસો આપવા માટે વધારે પડતા સમાધાન કરવા જોઈએ નહીં.'

છત્તીસગઢમાં બીએસપીને સાથે ન રાખી શકી કોંગ્રેસ
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી છે. રાજકારણના જાણકાર માને છે કે આ 3 રાજ્યોમાં ચૂંટણીના પરિણામોથી સંકેત મળી જશે કે 2019ની લોકસભા ચૂંટણીમાં જનતાનું મન કઈ બાજુ હશે. આવામાં કોંગ્રેસ આ 3 રાજ્યોમાં ભાજપની સત્તા પડાવવાની કોશિશમાં છે. જો કે છત્તીસગઢમાં મજબુત ગણાતી બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ ચૂંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસથી અલગ પડવાની ઘોષણા કરી નાખી. 

બીએસપીએ કોંગ્રેસથી અલગ થઈને પાર્ટી બનાવનારા અજિત જોગીની પાર્ટી સાથે જોડાણ કર્યું. ગત વિધાનસભા ચૂંટણીમાં અહીં બીએસપીને લગભગ ચાર ટકા મતો મળ્યાં હતાં. આવામાં જો કોંગ્રેંસ તેને પોતાની સાથે લાવવામાં સફળ નીવડી હોત તો કદાચ ભાજપને પડકાર મળી શક્યો હોત. ચર્ચા છે કે મધ્ય પ્રદેશમાં પણ બીએસપી અલગ જ ચૂંટણી લડી શકે છે. જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે કહ્યું કે તેઓ કોશિશમાં છે કે બીએસપી સાથે ગઠબંધન થાય. 

હવે રાહુલ ગાંધીએ બિહારના સંદર્ભમાં કહ્યું છે કે તે પાર્ટીના હિતોને ધ્યાનમાં રાખતા મહાગઠબંધન કરશે. એવામાં એ જોવાનું રહેશે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું આરજેડી સાથે ગઠબંધન કાયમ રહે છે કે નહીં. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news